વૈશ્વિક અર્થતંત્રમાં ભારતનો ડંકો: ૧૩૭ અબજ ડોલર સાથે રેમિટન્સમાં ભારત ફરી વિશ્વમાં પ્રથમ ક્રમે!
ભારતીય સંસ્કૃતિમાં ‘વસુધૈવ કુટુંબકમ’ની ભાવના વણાયેલી છે, પરંતુ આજે આ ભાવના વૈશ્વિક અર્થતંત્રમાં પણ દેખાઈ રહી છે. વિશ્વના ખૂણે ખૂણે વસતા ભારતીયો માત્ર ત્યાંની પ્રગતિમાં જ નહીં, પણ પોતાના વતન ભારતની આર્થિક કરોડરજ્જુને મજબૂત કરવામાં પણ અગ્રેસર છે. ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશન (IOM) દ્વારા બહાર પાડવામાં આવેલા “વર્લ્ડ માઇગ્રેશન રિપોર્ટ ૨૦૨૬” એ ભારતની આર્થિક શક્તિનો એક નવો ચહેરો રજૂ કર્યો છે. વિશ્વના વિવિધ દેશોમાં સ્થાયી થયેલા ભારતીયો દ્વારા દેશમાં મોકલવામાં આવતી રકમ એટલે કે ‘રેમિટન્સ’ મામલે ભારતે તમામ વિક્રમો તોડી નાખ્યા છે. વર્ષ ૨૦૨૪ માં ભારતે ૧૩૭ અબજ ડોલરથી વધુની રકમ મેળવીને વિશ્વમાં પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે.
૧૦૦ અબજ ડોલરનો આંકડો વટાવનાર એકમાત્ર દેશ
આ અહેવાલની સૌથી મહત્વની બાબત એ છે કે ભારત દુનિયાનો એકમાત્ર એવો દેશ છે જેણે ૧૦૦ અબજ ડોલરનો આંકડો પાર કર્યો છે. ૨૦૧૦ થી ભારત સતત આ યાદીમાં ટોચ પર છે. જો આંકડાકીય પ્રવાસ જોઈએ તો, ૨૦૧૦ માં ભારતને ૫૩.૪૮ અબજ ડોલર મળ્યા હતા, જે ૨૦૨૦ માં ૮૩.૧૫ અબજ ડોલર અને ૨૦૨૪ માં ૧૩૭.૬૭ અબજ ડોલર સુધી પહોંચી ગયા છે. ભારત બાદ મેક્સિકો, ફિલિપાઇન્સ અને ફ્રાન્સનો ક્રમ આવે છે, પરંતુ ભારત અને તેમની વચ્ચે મોટું અંતર છે.
નાણાંનો સ્ત્રોત: કયા દેશોમાંથી આવે છે સૌથી વધુ રકમ?
યુએન એજન્સીના રિપોર્ટ અનુસાર, ઉચ્ચ આવક ધરાવતા દેશો રેમિટન્સના મુખ્ય સ્ત્રોત રહ્યા છે. યુનાઇટેડ સ્ટેટ્સ ૧૦૦ અબજ ડોલરના આઉટફ્લો સાથે વિશ્વમાં પ્રથમ સ્થાને છે. ત્યારબાદ સાઉદી અરેબિયા (૪૬ અબજ ડોલર), સ્વિટ્ઝર્લૅન્ડ (૪૦ અબજ ડોલર) અને જર્મનીનો નંબર આવે છે. દક્ષિણ એશિયામાં રેમિટન્સ પ્રવાહમાં ૧૧.૮ ટકાની જે વૃદ્ધિ નોંધાઈ છે, તેમાં ભારતનો ફાળો સિંહફાળો રહ્યો છે.
શિક્ષણ ક્ષેત્રે એશિયાનો દબદબો
રિપોર્ટમાં જણાવાયું છે કે વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં એશિયાઈ દેશો મોખરે છે. ૨૦૨૨ ના આંકડા મુજબ ચીન ૧ મિલિયનથી વધુ વિદ્યાર્થીઓ સાથે પ્રથમ અને ભારત ૬.૨૦ લાખ વિદ્યાર્થીઓ સાથે બીજા ક્રમે છે. આંતરરાષ્ટ્રીય સ્તરના અડધાથી વધુ વિદ્યાર્થીઓ હાલ યુરોપ અને ઉત્તર અમેરિકામાં વસવાટ કરે છે.
‘બ્રેઈન ડ્રેઈન’ થી ‘બ્રેઈન ગેઈન’ તરફનું પ્રયાણ
ભારત સરકાર હવે કુશળ કામદારો અને વૈજ્ઞાનિકોના સ્થળાંતરને ‘બ્રેઈન ડ્રેઈન’ (બુદ્ધિનો નિકાસ) ને બદલે ‘બ્રેઈન ગેઈન’ (જ્ઞાનની પ્રાપ્તિ) માં બદલવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. વાર્ષિક ડાયસ્પોરા કોન્ફરન્સ અને ઇનોવેશન સેન્ટરો દ્વારા વિદેશમાં સ્થાયી થયેલા ભારતીય ઉદ્યોગસાહસિકો અને વૈજ્ઞાનિકોને ભારત સાથે જોડીને અથવા તેમને પાછા લાવીને સ્થાનિક વિકાસને વેગ આપવામાં આવી રહ્યો છે. ખાસ કરીને ભારતના ટેકનોલોજી ક્ષેત્રના વિસ્તરણમાં પ્રવાસી ભારતીયોની ભૂમિકા નિર્ણાયક સાબિત થઈ રહી છે.
આ અહેવાલ સ્પષ્ટ કરે છે કે ભારતીય પ્રવાસીઓ માત્ર વિદેશી ધરતી પર શ્રમ નથી કરી રહ્યા, પરંતુ તેઓ ભારતની આર્થિક સમૃદ્ધિના પાયાના પથ્થર બની રહ્યા છે. ૧૩૭ અબજ ડોલરનું આ રેમિટન્સ ભારતની જીડીપી અને વિદેશી મુદ્રા ભંડાર માટે સંજીવની સમાન છે.

