PM મોદીની અપીલની જાદુઈ અસર: ગુજરાતમાં સોનાની ખરીદીમાં 40% નો ઘટાડો, DyCM હર્ષ સંઘવીએ નાગરિકોની રાષ્ટ્રભક્તિને બિરદાવી
ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં સોનાની ખરીદીમાં મોટો ઘટાડો નોંધાયો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર આ અંગેની માહિતી આપતા જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશહિતમાં આગામી એક વર્ષ સુધી સોનાની ખરીદી ટાળવા જે અપીલ કરી હતી, તેને ગુજરાતની જનતાએ વ્યાપક સમર્થન આપ્યું છે.
હર્ષ સંઘવીએ રાજ્યના નાગરિકોનો આભાર માનતા કહ્યું કે, “મારા ભાઈઓ અને બહેનો, આદરણીય વડાપ્રધાનની અપીલ પર તમે જે રાષ્ટ્રભક્તિ દેખાડી છે, તે જ ગુજરાતની સાચી ઓળખ છે. છેલ્લા બે દિવસમાં આખા રાજ્યમાં સોનાના વેચાણમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે, જે દર્શાવે છે કે લોકો અંગત મોજશોખ કરતા દેશના અર્થતંત્રને વધુ મહત્વ આપી રહ્યા છે.”
સુરત અને દક્ષિણ ગુજરાતના ઝવેરીઓ મેદાને
માત્ર ગ્રાહકો જ નહીં, પણ વેપારીઓ પણ આ ઝુંબેશમાં જોડાયા છે. સુરત અને દક્ષિણ ગુજરાતના જ્વેલર્સ એસોસિએશને દેશહિતમાં પીએમની અપીલને સમર્થન જાહેર કર્યું છે. વેપારીઓના મતે સોનાની વધુ પડતી આયાતથી દેશના વિદેશી હૂંડિયામણ પર અને અર્થતંત્ર પર ભારણ વધતું હોય છે. સુરતના વેપારીઓએ કબૂલ્યું છે કે પીએમની અપીલ બાદ સોનાની ખરીદીમાં અંદાજે 40 ટકાનો ઘટાડો નોંધાયો છે.
વીતેલા બે દિવસમાં લેવાયેલા મોટા નિર્ણયો
વડાપ્રધાનની અપીલ બાદ ગુજરાતના ટોચના નેતાઓએ પણ સાદગી અને બચતનું ઉદાહરણ પૂરું પાડ્યું છે:
CM ભૂપેન્દ્ર પટેલ: મુખ્યમંત્રીના કાફલામાંથી 10થી વધુ વધારાના વાહનો દૂર કરવામાં આવ્યા છે.
DyCM હર્ષ સંઘવી: તેમણે પોતાનો સૂચિત અમેરિકાનો પ્રવાસ રદ કરીને સરકારી ખર્ચમાં બચત કરી છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત: તેમણે હવાઈ મુસાફરીનો ત્યાગ કર્યો છે અને હવે તેઓ રાજ્યમાં બસ કે ટ્રેન મારફતે પ્રવાસ કરશે.
સી.આર. પાટીલ: ભાજપ પ્રદેશ પ્રમુખે પણ પોતાના સુરક્ષા કાફલામાં મોટો ઘટાડો કર્યો છે.
गुजरात के मेरे प्यारे भाइयों और बहनों
आदरणीय PM @narendramodi जी की अपील पर आपने जो राष्ट्रभक्ति दिखाई है वो गुजरात की असली पहचान है।
पिछले दो दिनों से पूरे राज्य में सोने की खरीद में भारी कमी आई है।
— Harsh Sanghavi (@sanghaviharsh) May 13, 2026
ઈંધણ બચાવવા IT કંપનીઓ અને જનતાની પહેલ
પીએમ મોદીએ નાગરિકોને પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા, મેટ્રો અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા તેમજ કાર-પૂલિંગ વધારવા વિનંતી કરી છે.
અમદાવાદની IT કંપનીઓ: શહેરની અનેક મોટી આઈટી કંપનીઓએ 50 ટકા કર્મચારીઓને ‘વર્ક ફ્રોમ હોમ’ આપી દીધું છે, જેથી રસ્તા પર વાહનો ઘટે અને ઈંધણની બચત થાય.
ઇલેક્ટ્રિક વ્હીકલ (EV): સરકાર હવે પોતાના કાફલામાં ઈવીના ઉપયોગ પર વધુ ભાર મૂકી રહી છે.
