IPL 2026: CSK માં ‘રન મશીન’ની એન્ટ્રી, કોણ છે આ વિસ્ફોટક ઓલરાઉન્ડર મેકનીલ હેડલી નોરોન્હા?
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) હંમેશા નવા ટેલેન્ટને ચમકાવવાનું પ્લેટફોર્મ રહ્યું છે. વર્ષ 2026ની સિઝન અત્યારે તેના નિર્ણાયક તબક્કે છે, ત્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ એક એવા ખેલાડીને પોતાની ટીમમાં સામેલ કર્યો છે જેણે ઘરેલુ ક્રિકેટમાં રનનો પહાડ ખડકી દીધો છે. આ ખેલાડીનું નામ છે મેકનીલ હેડલી નોરોન્હા.
કેમ લેવો પડ્યો CSK એ આ નિર્ણય?
CSK ની ટીમ અત્યારે પ્લેઓફમાં પહોંચવા માટે સંઘર્ષ કરી રહી છે. આ દરમિયાન ટીમને મોટો ઝટકો લાગ્યો હતો જ્યારે તેમના ઉભરતા ખેલાડી રામકૃષ્ણ ઘોષ ઈજાગ્રસ્ત થયા હતા. 2 મેના રોજ મુંબઈ ઈન્ડિયન્સ સામેની હાઈ-વોલ્ટેજ મેચ દરમિયાન રામકૃષ્ણને જમણા પગમાં ફ્રેક્ચર થયું હતું, જેના કારણે તે આખી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. મહેન્દ્ર સિંહ ધોનીના માર્ગદર્શન અને રુતુરાજ ગાયકવાડની કેપ્ટનશીપ હેઠળ રમી રહેલી ચેન્નાઈની ટીમને એક એવા ઓલરાઉન્ડરની જરૂર હતી જે મધ્યમ ક્રમમાં આક્રમક બેટિંગ કરી શકે અને જરૂર પડ્યે બોલિંગમાં પણ સાથ આપી શકે. આ શોધ મેકનીલ હેડલી પર આવીને અટકી છે.
કોણ છે મેકનીલ હેડલી નોરોન્હા?
24 વર્ષીય મેકનીલ હેડલી નોરોન્હા કર્ણાટકનો એક શક્તિશાળી ઓલરાઉન્ડર છે. તે જમણા હાથથી બેટિંગ કરે છે અને ઓફ-સ્પિન બોલિંગમાં માહિર છે. કર્ણાટકની ક્રિકેટ પરંપરામાંથી આવતા આ યુવાને ખૂબ જ ટૂંકા ગાળામાં રાષ્ટ્રીય પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું છે. ખાસ કરીને ‘મહારાજા ટ્રોફી 2025’ માં તેના પ્રદર્શનને લીધે તે ચર્ચામાં આવ્યો હતો.
તેણે મેંગલુરુ ડ્રેગન્સ તરફથી રમતા 13 મેચોમાં 148.82 ના શાનદાર સ્ટ્રાઈક રેટથી 253 રન બનાવ્યા હતા અને સાથે 10 મહત્વની વિકેટો પણ ઝડપી હતી. તેની આ ઓલરાઉન્ડ ક્ષમતા જ તેને અન્ય ખેલાડીઓથી અલગ પાડે છે.
ઐતિહાસિક 345 રન: જ્યારે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ થયો
મેકનીલ હેડલીના કરિયરનો સૌથી સુવર્ણ અધ્યાય ‘સીકે નાયડુ ટ્રોફી 2024-25’ રહ્યો છે. આ ટુર્નામેન્ટમાં તેણે બેટિંગની વ્યાખ્યા બદલી નાખી હતી. તેણે માત્ર 14 ઇનિંગ્સમાં 1037 રન બનાવ્યા, જે કોઈપણ બેટ્સમેન માટે સ્વપ્ન સમાન છે. તેની સરેરાશ 79.77 ની રહી હતી.
તેની સૌથી યાદગાર ઇનિંગ્સ ત્રિપુરા સામે આવી હતી. આ મેચમાં તેણે વિસ્ફોટક બેટિંગ કરતા 345 રન ફટકાર્યા હતા. આ ઇનિંગ્સની ખાસિયત એ હતી કે તેણે મેદાનની ચારેબાજુ શૉટ્સ ફટકાર્યા હતા:
- કુલ રન: 345
- છગ્ગા: 25
- ચોગ્ગા: 23
માત્ર બાઉન્ડ્રી દ્વારા જ તેણે 242 રન બનાવી લીધા હતા. આ સિવાય તેણે ઉત્તરાખંડ સામે પણ ત્રેવડી સદી ફટકારી હતી. એક જ સિઝનમાં બે ત્રેવડી સદી ફટકારવી એ તેની ક્ષમતા અને લાંબી ઇનિંગ્સ રમવાની ભૂખ દર્શાવે છે.
OFFICIAL ANNOUNCEMENT
Charged up and ready for the roar! ⚡️💛
Welcome to the pride, Macneil Hadley Noronha!
Note: Macneil Hadley Noronha joins the squad as the replacement for Ramakrishnan Ghosh.#WhistlePodu pic.twitter.com/Z0erdU37sE
— Chennai Super Kings (@ChennaiIPL) May 13, 2026
CSK માટે ટ્રમ્પ કાર્ડ કેમ બની શકે?
IPL માં અત્યાર સુધી મેકનીલને તક મળી નહોતી, પરંતુ તેણે દિલ્હી કેપિટલ્સ, KKR અને મુંબઈ ઇન્ડિયન્સ જેવી મોટી ફ્રેન્ચાઇઝી સાથે ટ્રાયલ્સ આપી હતી. અંતે, ચેન્નાઈ સુપર કિંગ્સે તેની પ્રતિભા પારખીને તેને ટીમમાં સ્થાન આપ્યું છે.
CSK ની ટીમમાં હાલમાં એવા ખેલાડીઓની જરૂર છે જે સ્પિનરો સામે આક્રમક રમી શકે અને ડેથ ઓવરોમાં રન રેટ વધારી શકે. મેકનીલ હેડલી આ બંને બાબતોમાં ફિટ બેસે છે. વધુમાં, તેની ઓફ-સ્પિન બોલિંગ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમ જેવી પીચો પર વિરોધી ટીમના બેટ્સમેનોને મુશ્કેલીમાં મૂકી શકે છે.
