L&Tની દેશની સૌથી મોટી ઔદ્યોગિક તાલીમ સંસ્થા વડનગરમાં કાર્યરત બની: નોકરીની ઉજળી તકો

By
Halima Shaikh
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a...
8 Min Read

ધોલેરા સેમીકંડક્ટર અને બુલેટ ટ્રેન જેવા મેગા પ્રોજેક્ટ્સમાં કામ કરવું છે? વડનગરની આ સંસ્થા ખોલશે કિસ્મતના તાળા!

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં વતન વડનગરમાં પ્રવેશતા રોડની બાજુમાં વીજળીનાં તાર વગર ઊભેલા ત્રણ વિશાળ ટ્રાન્સમિશન ટાવર સૌનું ધ્યાન ખેંચે છે. આ ત્રણ ટ્રાન્સમિશન ટાવરો હકીકતમાં લાર્સન એન્ડ ટુબ્રો (L&T) કંપની દ્વારા મહેસાણા જિલ્લાના વડનગર ખાતે સ્થાપવામાં આવેલા ઇન્ડસ્ટ્રિયલ કન્સ્ટ્રક્શન સ્કિલ્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (ICSTI) ના તાલીમ આપવા માટે ઉભા કરાયેલા ‘પ્રેક્ટિકલ મોડેલ’ છે. તાલીમાર્થીઓ આ ટાવરોને કેવી રીતે ઉભા કરવા અને પછીથી તેને કેવી રીતે ખોલી નાંખવા તેનો પ્રેક્ટિકલ અનુભવ મેળવે છે.

WhatsApp Image 2026 05 21 at 10.17.02 AM 1.jpeg

- Advertisement -

આવી જ પ્રેક્ટિકલ તાલીમની સુવિધાઓ 30 વીઘા જમીનમાં ફેલાયેલા સંકુલમાં જોવા મળે છે. અહીં તાલીમાર્થીઓને ઉદ્યોગલક્ષી કામો વિશે પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવે છે.
L&T કંપનીએ ગુજરાત સરકારનાં સહયોગથી વડનગર ખાતે વિશ્વસ્તરીય તાલીમ સુવિધાઓ સાથે ઇન્ડસ્ટ્રિયલ કન્સ્ટ્રક્શન સ્કિલ્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (ICSTI) સ્થાપી છે. અત્યાર સુંધીમાં બે પાયલોટ બેચના કુલ 201 વિદ્યાર્થીઓની તાલીમ પૂર્ણ થઇ ગઇ છે અને તાલીમ પૂર્ણ થયા બાદ, તમામ ઇચ્છુક યુવાનો એલ એન્ડ કંપની દ્વારા રૂપિયા 18,000થી 20,000નાં સ્ટાઇપેન્ડ સાથે વિવિધ પ્રોજેક્ટો પર કામ કરે છે.

ખાસ વાત એ છે કે, ભાઇઓ અને બહેનો બંને માટે અહીં તાલીમની વ્યવસ્થા કરવામાં આવી છે. તાલીમાર્થીઓ પાસેથી કોઈપણ પ્રકારની ફી લેવામાં આવતી નથી. તમામ માટે રહેવા-જમવાની સુંદર વ્યવસ્થા સંપૂર્ણ મફતમાં આપવામાં આવે છે.

- Advertisement -

વડનગરના રહેવાસી અને કોમર્સ સ્નાતક રોનક કડીયાને બે મહિના પહેલા ઔદ્યોગિક બાંધકામ તાલીમ સંસ્થા વિશે જાણકારી મળી. અહીં તેમણે ફોર્મવર્ક કાર્પેન્ટ્રી વિભાગમાં પ્રવેશ મેળવ્યો. આ તાલીમ પુરી કર્યા પછી તરત જ તેમને કંપની દ્વારા સ્પાઇપેન્ડ પર કામ પર રાખવામાં આવ્યા અને હાલ રોનક કડીયા અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મહેમદાવાદ ખાતે કામ કરે છે.

લાર્સન એન્ડ ટુબ્રો (L&T) કંપની ભારતની સૌથી મોટી અને અગ્રણી એન્જિનિયરિંગ અને કન્સ્ટ્રક્શન કંપની છે. તે વિશ્વભરમાં વિશાળ અને જટિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું નિર્માણ કરે છે.

“ICSTI-વડનગરમાં મને ઘણું શીખવા મળ્યું. મારી કુશળતામાં વધારો થયો. અત્યારે હું બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મહેમદાવાદ સાઇટ પર કામ કરું છું. મારા અનુભવ બાદ મેં મારા મિત્રોને પણ આ સંસ્થામાં તાલીમ લેવા માટે કહુ છું. કારણ કે, આ સંસ્થામાં ઉત્તમ તાલીમ આપવામાં આવે છે અને નોકરીની તકો ઉજળી છે,” રોનક કડીયાએ પોતાનો અનુભવ જણાવતા કહ્યું.

- Advertisement -

છેલ્લા ત્રણ મહિનામાં અહીંથી વિવિધ ટ્રેડોમાં 201 યુવાનોએ તાલીમ પૂર્ણ કરી છે. તાલીમ પામેલા યુવાનો હાલ સેમીકંડક્ટર ફેબ ઉદ્યોગ (ધોલેરા), બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, મેટ્રો રેલ પ્રોજેક્ટ (અમદાવાદ), સોલર પાવર પ્લાન્ટ (ખંભાળિયા), અને પાણીપત રિફાઇનરી પ્રોજેક્ટ (હરિયાણા) જેવા એલ એન્ડ ટીનાં મોટા પ્રોજેક્ટોમાં રૂપિયા 18,000 થી 20,000નાં સ્ટાઇપેન્ડ સાથે કામ કરે છે.

ICSTI-વડનગર ખાતે બાંધકામ, ઉત્પાદન ક્ષેત્રો, અને નવા ઉદ્યોગો વિશે તાલીમ આપવામાં આવે છે. ઉદ્યોગોની માંગ અને કુશળતાની જરૂરિયાત અનુસાર 45, 60 અથવા 90 દિવસના કોર્ષ ચલાવવામાં આવે છે. આ સંસ્થામાં 20થી વધુ ટ્રેડોમાં તાલીમ આપવામાં આવે છે, જે દેશભરમાં એલ એન્ડ ટી દ્વારા સંચાલિત તમામ સ્કિલ ટ્રેઇનીંગ સેન્ટરો કરતા સૌથી વધુ છે.

“એલ એન્ડ ટીનું સ્કિલ ટ્રેનિંગ ફ્રેમવર્ક યુ.કે(UK)ના કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી ટ્રેનિંગ બોર્ડ (CITB) ના ધારાધોરણો પર આધારિત છે. કન્સ્ટ્રક્શન સ્કિલ્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટે (CSTI) CITB ના માર્ગદર્શન હેઠળ અભ્યાસક્રમ તૈયાર કર્યો છે, જેથી વૈશ્વિક માપદંડ પ્રમાણે તાલીમનાં ધોરણો અહીં ગોઠવેલા છે.” L&T ICSTI-વડનગરના વડા નિરંજન મિશ્રાએ જણાવ્યું.

“ICSTI દ્વારા તાલીમ મેળવનાર યુવાનોને તેમની વિવિધ ટ્રેડમાં કુશળતાનાં આધારે લેવલ-2, લેવલ-3 અથવા લેવલ-4માં વર્ગીકૃત કરવામાં આવે છે. તાલીમ પૂર્ણ થયા બાદ ઉમેદવારોને L&Tના મોટા કન્સ્ટ્રક્શન અને હાઇડ્રોકાર્બન પ્રોજેક્ટોમાં નેશનલ એપ્રેન્ટિસશિપ પ્રમોશન સ્કીમ (NAPS) હેઠળ 24 મહિના અને પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ સ્કીમ (PMIS) હેઠળ 9 મહિના માટે જોડવામાં આવે છે, એટલે કે, કુલ 33 મહિના માટે તેમને સ્ટાઇપેન્ડ સાથે કામ કરવાની તક મળે છે,” L&T ICSTI-વડનગરના વડા નિરંજન મિશ્રાએ વધુમાં જણાવ્યું.

WhatsApp Image 2026 05 21 at 10.17.02 AM 2.jpeg

“NAPS કાર્યક્રમ હેઠળ બે વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ ઉમેદવારો ફ્રન્ટ લાઇન સુપરવાઇઝર (FLS) પદ માટે પાત્ર બને છે. સાથે જ બે વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય પ્લેસમેન્ટની તક પણ આપવામાં આવે છે,” નિરંજન મિશ્રાએ નોકરીની ઉજળી તકો વિશે જણાવ્યું.

વડનગર સ્થિત આ નવી તાલીમ સંસ્થા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્કિલ ઇન્ડિયા મિશનના વિઝનને આગળ વધારે છે. આ સંસ્થા લાખો યુવાનોને ઉદ્યોગલક્ષી કુશળતા આપીને રોજગાર અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર ઉદ્યોગો સાથે ભાગીદારી કરી રાજ્યભરમાં સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરોની સ્થાપના દ્વારા યુવાનોમાં ઉદ્યોગલક્ષી નવી કુશળતા વિકસે તેના માટે સતત પ્રયત્નશીલ છે.

વડનગરમાં આટલા વ્યવસાયોમાં તાલીમ આપવામાં આવે છે

વડનગર સ્થિત ICSTIમાં કુલ 20થી વધુ ટ્રેડોમાં તાલીમ આપવામાં આવે છે, જેમાં ફોર્મવર્ક-કાર્પેન્ટ્રી, બાર બેન્ડિંગ અને સ્ટીલ ફિક્સિંગ, સ્કેફોલ્ડિંગ, પ્રી-સ્ટ્રેસિંગ, મેસનરી, પ્લાસ્ટરિંગ, ટાઇલિંગ, વેટ પાર્ટિશન, પ્લમ્બિંગ અને સેનિટરી, ઇલેક્ટ્રિશિયન, કૉન્ક્રિટ લેબોરેટરી અને ફિલ્ડ ટેસ્ટિંગ, સર્વેઇંગ, વેલ્ડિંગ, પાઇપ ફિટિંગ, HVAC, ફાયર ફાઇટિંગ, પ્લાન્ટ એન્ડ મશીનરી (P&M), ઓપરેશન્સ એન્ડ મેન્ટેનન્સ (WET), સોલાર ટ્રાન્સમિશન ટાવર ઇરેકશન, ELV ટેલિકોમ્યુનિકેશન, સોલાર PV ટેક્નિશિયન, CCTV, FLS, EHS, IOT અને TOT સહિતના કોર્સનો સમાવેશ થાય છે.

તાલીમ સહિત રહેવા -જમવાની તમામ સુવિધા મફત

તાલીમાર્થીઓને (ભાઇઓ અને બહેનો બંને) કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની જરૂર નથી અને રહેવા-જમવાની સુવિધા પણ L&T કંપની દ્વારા સંપૂર્ણ મફતમાં આપવામાં આવે છે. પુરુષો અને મહિલાઓ માટે રહેવા માટે અલગ હોસ્ટેલની વ્યવસ્થા, સ્ટાફ માટે રહેવાની વ્યવસ્થા, ડાઇનિંગ અને કિચન સુવિધા, રમત-ગમતનું મેદાન, ધ્યાન અને યોગ હોલ, જિમ, હેલ્થકેર, ટીવી રૂમ અને ઇન્ડોર ગેમ્સ જેવી મનોરંજનની સુવિધાઓ પણ સંકુલમાં ઉપલબ્ધ છે.

“અહીં તાલીમાર્થીઓને ઓપન યાર્ડ, વર્કશોપમાં વિશ્વસ્તરીય સ્કિલ ડિઝાઇન તથા સ્પેશિફિકેશન સાથે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ટ્રેનિંગ આપવામાં આવે છે. ઉપરાંત, કૉન્ક્રિટ અને સ્ટીલ એલિમેન્ટ્સના ‘રેડી ટુ બિલ્ડ’ ફેક્ટરીમાં પ્રેક્ટિકલ અનુભવ પણ આપવામાં આવે છે.

માત્ર આઠ મહિનામાં સંસ્થા ઉભી કરવામાં આવી

રાજ્ય સરકારે યુવાનોની કુશળતા વધે તે માટે L&T કંપનીને માત્ર થોડાક દિવસોમાં જમીન ફાળવી હતી. જમીન મળ્યા પછીનાં માત્ર આઠ જ મહિનામાં કંપનીએ રાજ્ય સરકારનાં સહયોગથી આ સંકુલમાં તમામ વ્યવસ્થા ઉભી કરી કાર્યરત કરી દીધી.

L&T કંપનીએ તેના CSR (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી) વિભાગ મારફતે 10 માર્ચ, 2025ના રોજ ગુજરાત સરકાર સાથે વડનગરમાં સ્કિલ્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપવા માટે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટાન્ડિંગ (MoU) પર હસ્તાક્ષર થયા હતા. 17 સપ્ટેમ્બર, 2025ના રોજ 201 તાલીમાર્થીઓ સાથે સંસ્થા કાર્યરત બની. આ તારીખે (17 સપ્ટેમ્બર) વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 75મો જન્મદિવસ પણ હતો.

કોને પ્રવેશ મળી શકે ?

18 થી 35 વર્ષની વયનાં કોઈ પણ ઉમેદવાર અહીં ચાલતા કોર્ષોમાં પ્રવેશ લઈ શકે છે. શૈક્ષણિક લાયકાત ટ્રેડ પ્રમાણે નક્કી થાય છે. સિવિલ ટ્રેડનાં કોર્ષ માટે ધોરણ 5 પાસ ઉમેદવારો પણ પ્રવેશ લઈ શકે છે, જ્યારે અન્ય કોર્ષો માટે ITI પાસ હોવું જરૂરી છે.

જો કોઇ વ્યક્તિ આ સંસ્થામાં તાલીમ મેળવવા ઇચ્છુક હોય તો સંસ્થાનાં આ નંબર પર સંપર્ક કરી શકે છે.
પ્રવેશ મેળવવા માટે સંપર્ક નંબર: 7043568437, 9099903673, 7016813062

Share This Article
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a wide range of topics including social issues, current events, and community stories with a focus on accuracy and cultural relevance. With a deep connection to Gujarati readers, Halima strives to present news that is informative, trustworthy, and easy to understand. Follow Halima Shaikh on Satya Day News for timely updates and meaningful content — all in your own language.