‘હરામ્બે’ ગોરિલાને શ્રદ્ધાંજલિ આપી વ્હાઇટ હાઉસ ખરાબ રીતે ટ્રોલ થયું: લોકોએ કહ્યું- “આ ઇતિહાસની સૌથી પાગલપન ભરેલી હરકત છે!”
વૈશ્વિક રાજકારણ અને સત્તાનું સૌથી મોટું કેન્દ્ર ગણાતું અમેરિકાનું ‘વ્હાઇટ હાઉસ’ સામાન્ય રીતે ગંભીર વૈશ્વિક મુદ્દાઓ, આર્થિક નીતિઓ અને સરકારી જાહેરાતો માટે જાણીતું છે. પરંતુ તાજેતરમાં વ્હાઇટ હાઉસના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પરથી કંઈક એવું પોસ્ટ કરવામાં આવ્યું કે જેને જોઈને આખી દુનિયાના લોકો દંગ રહી ગયા છે અને સોશિયલ મીડિયા પર વ્હાઇટ હાઉસની ભારે મજાક ઉડાવવામાં આવી રહી છે.
વાસ્તવમાં, વ્હાઇટ હાઉસે વર્ષ ૨૦૧૬માં એક ઝૂ (પ્રાણીસંગ્રહાલય) માં માર્યા ગયેલા પ્રખ્યાત ગોરિલા ‘હરામ્બે’ (Harambe) ની પુણ્યતિથિના એક દિવસ પહેલાં તેને ‘સાચો દેશભક્ત’ અને ‘દંતકથા’ ગણાવીને એક લાંબી અને લાગણીસભર શ્રદ્ધાંજલિ પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (ટ્વિટર) પર આવતાની સાથે જ લોકો ગુસ્સે ભરાયા હતા અને પ્રશાસનને અત્યંત બેજવાબદાર ગણાવી ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું.
શું લખ્યું હતું વ્હાઇટ હાઉસની એ વિવાદાસ્પદ પોસ્ટમાં?
વ્હાઇટ હાઉસે હરામ્બે ગોરિલાના મૃત્યુના ૧૦ વર્ષ પૂરા થવાના થોડા કલાકો પહેલાં ટ્વિટ કર્યું હતું કે, “આજે આપણે એક દંતકથા (Legend) ને યાદ કરીએ છીએ. ઇતિહાસમાં આજના દિવસે હરામ્બે પોતાનો નવો જન્મદિવસ ઉજવતો હોત. તે એક એવો આઇકોન હતો જે ઇન્ટરનેટના ઇતિહાસ, અમેરિકન સંસ્કૃતિ અને આખી પેઢીની ટાઇમલાઇનનો એક ભાગ બની ગયો. આવતીકાલે તેને ગુમાવ્યાને ૧૦ વર્ષ પૂરા થશે. એ વાતને એક દાયકો થઈ ગયો જ્યારે આખી દુનિયાએ સોશિયલ મીડિયા પર સ્ક્રોલ કરવાનું બંધ કરીને સામૂહિક રીતે એક મીમ (Meme) કરતાં પણ કંઈક મોટી વસ્તુ માટે શોક વ્યક્ત કર્યો હતો.”
પોસ્ટમાં આગળ લખવામાં આવ્યું હતું કે, “તે વફાદારી, શક્તિ, અરાજકતા, એકતા અને ઇન્ટરનેટની અદ્ભુત સુંદરતાનું પ્રતીક બન્યો, જેણે લાખો લોકોને એક ઉદ્દેશ્ય માટે સાથે લાવ્યા: હરામ્બેને ક્યારેય ન ભૂલવા. જ્યારે આ સમાચાર આવ્યા ત્યારે દરેક વ્યક્તિ ક્યાં હતી તે આજે પણ યાદ છે. અને કોઈક રીતે, એક દાયકા પછી પણ તેનો વારસો જીવંત છે. વિદાય, પણ ક્યારેય ભૂલાશે નહીં. એક સાચા દેશભક્ત (True Patriot) ને આરામ મળો… હંમેશા અમારા હૃદયમાં.”
શું છે હરામ્બે ગોરિલાની અસલી ઘટના?
આ વિવાદને સમજવા માટે આપણે ૧૦ વર્ષ પાછળ એટલે કે ૨૮ મે, ૨૦૧૬ના રોજ ઓહાયો રાજ્યના સિનસિનાટી ઝૂ (Cincinnati Zoo) માં બનેલી ઘટના પર નજર કરવી પડશે. તે દિવસે એક ચાર વર્ષનો નાનો બાળક આકસ્મિક રીતે ગોરિલાના પાંજરામાં (એન્ક્લોઝર) પડી ગયો હતો. પાંજરામાં હાજર ‘હરામ્બે’ નામના વિશાળ સિલ્વરબેક ગોરિલાએ તે બાળકને પકડી લીધો અને તેને પાણીના ઝરણામાં અને પથ્થરો પર ઘસડવાનું શરૂ કર્યું.
ત્યાં હાજર પ્રત્યક્ષદર્શીઓએ આ ભયાનક દ્રશ્ય પોતાના કેમેરામાં કેદ કર્યું હતું. ઝૂના સ્ટાફે પહેલા તો હરામ્બેને પાછળ હટવાનો આદેશ આપ્યો, પરંતુ જ્યારે ગોરિલાએ બાળકને છોડવાનો ઇનકાર કર્યો અને બાળકના જીવ પર જોખમ વધી ગયું, ત્યારે ઝૂ પ્રશાસને નાછૂટકે ગોરિલા પર ગોળીબાર કરવો પડ્યો અને હરામ્બેને ત્યાં જ મારી નાખવામાં આવ્યો. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર ‘હરામ્બે’ એક ઓનલાઇન શહીદ અને વિશ્વનો સૌથી પ્રખ્યાત મીમ (Meme) બની ગયો હતો.
ઇન્ટરનેટ યુઝર્સ અને અમેરિકન જનતાનો ભારે આક્રોશ
વ્હાઇટ હાઉસ જેવી ગંભીર સંસ્થા તરફથી એક પ્રાણીને ‘સાચો દેશભક્ત’ કહેવા બદલ લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. કોમેન્ટ સેક્શનમાં લોકોએ વ્હાઇટ હાઉસના મીડિયા અને કમ્યુનિકેશન વિભાગના લીરેલીરા ઉડાવ્યા હતા.
સિન્સિનાટી શહેરના એક સ્થાનિક નાગરિકે ગુસ્સામાં લખ્યું, “ભગવાનના ખાતર આ શું ચાલી રહ્યું છે… હું સિન્સિનાટીનો રહેવાસી છું. હરામ્બેના મૃત્યુના થોડા દિવસો પહેલા જ હું ઝૂમાં ગયો હતો. આ મેં મારા જીવનમાં જોયેલી સૌથી પાગલપન ભરેલી હરકત છે. વ્હાઇટ હાઉસના કમ્યુનિકેશન ઇન્ટર્નને કહો કે આ એકાઉન્ટ તાત્કાલિક લોગ ઓફ કરે! આ વ્હાઇટ હાઉસ તરફથી અત્યંત અયોગ્ય વર્તન છે. હરામ્બે એક નિર્દોષ ઓટિસ્ટિક (માનસિક બીમારી ધરાવતા) બાળકને મારી નાખવાનો હતો, અને જેઓ તેને પ્રેમ કરતા હતા તેમણે જ તેને બચાવવા ગોળી મારવી પડી હતી. આ અમારા શહેર માટે કોઈ મજાક નથી.”
ગંભીર વૈશ્વિક મુદ્દાઓ અને યુદ્ધ વચ્ચે વ્હાઇટ હાઉસની મજાક
ઘણા યુઝર્સે આ પોસ્ટને અમેરિકાની આંતરરાષ્ટ્રીય નીતિઓ અને વર્તમાન પરિસ્થિતિ સાથે જોડીને સરકાર પર પ્રહારો કર્યા હતા. એક યુઝરે તીખા કટાક્ષમાં લખ્યું, “વ્હાઇટ હાઉસ સોશિયલ મીડિયા પર માત્ર લાઈક્સ અને વ્યુઝ મેળવવા માટે આવા સસ્તા મીમ્સ શેર કરી રહ્યું છે, આ ખૂબ જ દયનીય છે.”
અન્ય એક યુઝરે વિશ્વભરમાં ચાલી રહેલા યુદ્ધોનો ઉલ્લેખ કરતા લખ્યું, “હરામ્બે આત્માને શાંતિ મળે, જેને વ્હાઇટ હાઉસે બહુ શ્રદ્ધાંજલિ આપી… પણ મીનાબમાં ટોમાહોક મિસાઇલથી માર્યા ગયેલા ૧૨૦ શાળાના બાળકોનું શું? ગ્લેડ છે કે તમે એક વાંદરાને આટલું યોગ્ય સન્માન આપી રહ્યા છો, પણ નિર્દોષ માણસોને ભૂલી ગયા.”
“માનસિક હોસ્પિટલ હવે પાગલો ચલાવી રહ્યા છે”
લોકોએ વ્હાઇટ હાઉસના સોશિયલ મીડિયા એકાઉન્ટ હેન્ડલ કરનારા મેનેજરોની યોગ્યતા પર પણ સવાલો ઉઠાવ્યા હતા. એક કમેન્ટમાં લખવામાં આવ્યું હતું કે, “આ એકાઉન્ટ કોણ સંભાળી રહ્યું છે? વ્હાઇટ હાઉસ આપણને ‘GTA VI’ ગેમ રિલીઝ થાય તે પહેલાં હરામ્બેની યાદ અપાવી રહ્યું છે!”
NEW: The White House honored Harambe— the gorilla, ahead of the 10th anniversary of his death, describing him as a “true patriot.” pic.twitter.com/YfEMJ5FszQ
— Washington Report (@Washington_Rep) May 28, 2026
જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, “આ શરમજનક છે. તે ગોરિલાને એટલે મારવો પડ્યો કારણ કે તેણે એક માસૂમ બાળક પર હુમલો કર્યો હતો. આ પોસ્ટ એ વાતની સાબિતી છે કે હવે જેલના કેદીઓ જ જેલનું સંચાલન કરી રહ્યા છે (Inmates are running the asylum).”
શું આ માત્ર એક સસ્તી મજાક હતી કે કોઈ સોશિયલ એક્સપેરિમેન્ટ?
સંરક્ષણ અને સોશિયલ મીડિયા નિષ્ણાતો પણ વ્હાઇટ હાઉસના આ પગલાથી આશ્ચર્યચકિત છે. કેટલાક લોકોનું માનવું છે કે કદાચ કોઈ યુવા કર્મચારી અથવા ઇન્ટર્ન ભૂલથી પોતાના પર્સનલ એકાઉન્ટને બદલે વ્હાઇટ હાઉસના ઓફિશિયલ પેજ પરથી આ પોસ્ટ કરી બેઠો હતો. જોકે, આટલા વિવાદ છતાં પોસ્ટ લાંબા સમય સુધી હટાવવામાં ન આવતા લોકોમાં રહસ્ય વધુ ઘેરાયું છે.
ગમે તે હોય, પરંતુ વિશ્વના સૌથી શક્તિશાળી દેશના સત્તાવાર નિવાસસ્થાન પરથી આવેલી આ ‘હરામ્બે પોસ્ટ’ ઇન્ટરનેટના ઇતિહાસમાં વ્હાઇટ હાઉસ માટે સૌથી મોટી ડિજિટલ ફજેતી અને શરમજનક ક્ષણ સાબિત થઈ છે.
