ગળિયો કસાયો! ‘ઓપરેશન મ્યુલ એકાઉન્ટ 2.0’ અંતર્ગત સુરત પોલીસ એક્શન મોડમાં, ૪૦ ઠગાઈના કેસ નોંધાયા
સુરતમાં ઓનલાઈન ફ્રોડ અને સાયબર ઠગાઈના વધતા બનાવોને ડામવા માટે ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા લેવાયેલી હાઈ-લેવલ બેઠક બાદ સુરત પોલીસ સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગઈ છે. સુરત પોલીસ દ્વારા ‘ઓપરેશન મ્યુલ એકાઉન્ટ 2.0’ શરૂ કરવામાં આવ્યું છે, જેના પ્રથમ તબક્કામાં જ શહેરભરમાં એકસાથે ઓનલાઈન ઠગાઈના ૪૦ જેટલા કેસ નોંધાતા સાયબર ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે.
સુરત સાયબર ક્રાઈમનું મોટું ઓપરેશન
‘ઓપરેશન મ્યુલ એકાઉન્ટ 2.0’ હેઠળ પોલીસે અત્યંત સક્રિયતા દાખવી છે. નોંધાયેલા ૪૦ કેસોમાંથી સૌથી વધુ ૧૩ ફરિયાદો એકલા સુરત સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાઈ છે. શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં દાખલ થયેલી આ ફરિયાદોમાં નાની-મોટી ઠગાઈનો આંકડો ઘણો મોટો છે. જેમાં રૂપિયા ૪,૦૦૦ થી લઈને ૧.૫૨ કરોડ સુધીની અધધ રકમની ઠગાઈના કેસો સામેલ છે.
૧.૫૨ કરોડનું સૌથી મોટું ફ્રોડ
આ ઓપરેશન દરમિયાન સામે આવેલા કૌભાંડોમાં સૌથી ચોંકાવનારો કિસ્સો ૧.૫૨ કરોડની ઠગાઈનો છે. આટલી મોટી રકમનું ફ્રોડ કેવી રીતે થયું અને તેના તાર ક્યાં જોડાયેલા છે તે અંગે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. સામાન્ય નાગરિકોને લોભામણી સ્કીમો કે અન્ય રીતે ફસાવીને આ લોકો પાસેથી લાખો-કરોડો રૂપિયા ખંખેરવામાં આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય ગેંગ પર પોલીસની બાજ નજર
ઓનલાઈન ઠગાઈ કરનાર આ ગેંગ માત્ર સ્થાનિક નથી, પરંતુ તેના મૂળ આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સ્તરે હોવાની શક્યતા પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ નેટવર્કને મૂળમાંથી તોડવા માટે સુરત પોલીસ દ્વારા ખાસ સ્પેશિયલ ટીમો બનાવવામાં આવી છે. આ ટીમો અત્યારે ટેકનિકલ સર્વેલન્સ અને મ્યુલ એકાઉન્ટના ડેટાના આધારે આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો કરી રહી છે.

