સુરતમાં ફરી ફફડાટ: નાનપુરા પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસનો કાફલો ઘટનાસ્થળે
સુરત: સુરત શહેરમાં અસામાજિક તત્વો દ્વારા ફરી એકવાર ભયનો માહોલ ઉભો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. શહેરના વ્યસ્ત ગણાતા નાનપુરા વિસ્તારમાં આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. અજાણ્યા શખ્સ દ્વારા ઈમેલ મારફતે આ ધમકી આપવામાં આવતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઈ છે.
ધમકીભર્યો ઈમેલ મળતા જ મચી અફરાતફરી
આજે બપોરે નાનપુરા પોસ્ટ ઓફિસના સત્તાધીશોને એક રહસ્યમય ઈમેલ મળ્યો હતો. જેમાં પોસ્ટ ઓફિસ બિલ્ડિંગમાં બોમ્બ મૂક્યો હોવાનું અને તેને ગમે ત્યારે ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ ગંભીર ધમકી મળતાની સાથે જ પોસ્ટ ઓફિસના કર્મચારીઓ અને અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. તાત્કાલિક ધોરણે સમગ્ર પોસ્ટ ઓફિસ બિલ્ડિંગને ખાલી કરાવી દેવામાં આવી હતી અને તમામ કર્મચારીઓ તેમજ ગ્રાહકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
પોલીસ, BDS અને ડોગ સ્ક્વોડ ઘટનાસ્થળે
ધમકીની જાણ થતા જ અઠવા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતાને જોતા સુરત શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા. તકેદારીના ભાગરૂપે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) અને ડોગ સ્ક્વોડને પણ તાત્કાલિક બોલાવી લેવામાં આવી હતી. પોલીસની ટીમે બિલ્ડિંગના ખૂણે-ખૂણે તપાસ શરૂ કરી છે. શંકાસ્પદ વસ્તુઓ શોધવા માટે ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી રહી છે. હાલ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને પોલીસ દ્વારા સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
અત્યાર સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી
સૂત્રોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીની પ્રાથમિક તપાસમાં પોલીસને બિલ્ડિંગમાંથી કોઈ પણ પ્રકારની વાંધાજનક કે શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. જોકે, પોલીસ કોઈ પણ પ્રકારનું જોખમ લેવા તૈયાર નથી. સમગ્ર બિલ્ડિંગની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે, જેથી કરીને કોઈ પણ અનિચ્છનીય ઘટનાને ટાળી શકાય. સાવચેતીના ભાગરૂપે અત્યારે પણ પોલીસનો કાફલો સ્થળ પર તૈનાત છે.
સુરત કોર્ટને પણ બે દિવસ અગાઉ મળી હતી ધમકી
નોંધનીય છે કે, સુરતમાં આ પ્રકારની ધમકીનો આ પહેલો કિસ્સો નથી. માત્ર બે દિવસ પહેલા જ સુરત કોર્ટને પણ આવી જ રીતે ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. સળંગ બે દિવસમાં સુરતના સંવેદનશીલ જાહેર સ્થળોને ટાર્ગેટ કરવામાં આવતા પોલીસ વિભાગ આ મામલે ખૂબ જ ગંભીર બન્યું છે. અગાઉ કોર્ટને મળેલી ધમકી અને હવે પોસ્ટ ઓફિસને મળેલી ધમકી પાછળ કોઈ એક જ ગેંગ અથવા વ્યક્તિનો હાથ છે કે કેમ, તે દિશામાં સુરત સાયબર ક્રાઈમની ટીમ તપાસ કરી રહી છે.
તપાસનો ધમધમાટ: ટેકનિકલ સર્વેલન્સ દ્વારા આરોપી સુધી પહોંચવાની કવાયત
પોલીસ હવે ધમકીભર્યો ઈમેલ ક્યાંથી આવ્યો છે, તેનો IP એડ્રેસ કયું છે અને તે કોણે મોકલ્યો છે તે જાણવા માટે સાયબર એક્સપર્ટની મદદ લઈ રહી છે. ઈમેલ મોકલનાર વ્યક્તિની ઓળખ છૂપાવવા માટે ઉપયોગમાં લેવાયેલી ટેકનિકને ડિકોડ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. શહેરમાં વારંવાર મળી રહેલી આવી ધમકીઓ પાછળ લોકોમાં ભય ફેલાવવાનો ઈરાદો હોવાનું જણાય છે. પોલીસ આ મામલે કડક કાર્યવાહીના મૂડમાં છે અને ટૂંક સમયમાં આરોપીઓને પકડી લેવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
આ ઘટનાને પગલે સુરતના અન્ય જાહેર સ્થળોએ પણ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને પોલીસને સહયોગ આપવા માટે અપીલ કરવામાં આવી છે.

