પ્રજા અને પોલીસ વચ્ચેનો સેતુ મજબૂત: જનસંપર્ક કાર્યાલયની કામગીરીને મળ્યું ‘Excellent’ રેટિંગ
રાજ્યના છેવાડાના માનવી સુધી ઝડપી, પારદર્શક અને સંવેદનાસભર ન્યાય પહોંચાડવાના સંકલ્પ સાથે પોલીસ ભવન, ગાંધીનગર ખાતે શરૂ કરવામાં આવેલું ‘જનસંપર્ક કાર્યાલય’ આજે સામાન્ય નાગરિકો માટે આશાનું મોટું કિરણ બની ગયું છે. કચ્છ અને સૌરાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારોથી લઈને દક્ષિણ ગુજરાતના આદિવાસી ગામડાઓ સુધીના નાગરિકો માટે આ કાર્યાલય ન્યાય મેળવવાનું એક વિશ્વાસપાત્ર સરનામું સાબિત થયું છે.
ઉચ્ચ નેતૃત્વનું માર્ગદર્શન અને ૮ મહિનાની સફળ સફર
રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક તથા લૉ એન્ડ ઓર્ડર ડીજીપી રાજકુમાર પાંડિયનના સીધા માર્ગદર્શન અને સઘન મોનિટરિંગ હેઠળ આ કાર્યાલય કાર્યરત છે. ગત ૦૪ ફેબ્રુઆરી ૨૦૨૬થી શરૂ થયેલા આ અભિયાનને માત્ર ૮ મહિના જેટલા ટૂંકા ગાળામાં જ અદભુત સફળતા મળી છે. આ સમયગાળા દરમિયાન રાજ્યભરમાંથી ૩૧૦ જેટલા અરજદારોએ રૂબરૂ મુલાકાત લઈને પોતાની સમસ્યાઓ અને રજૂઆતો અહીં નોધાવી છે.

અરજદારોનું સન્માન અને સમર્પિત પોલીસ ટીમ
જ્યારે કોઈ નાગરિક દૂર-દૂરથી મુસાફરી કરીને ગાંધીનગર પોલીસ ભવન પહોંચે છે, ત્યારે તેને પૂરા સન્માન, ધીરજ અને સંવેદનશીલતા સાથે સાંભળવામાં આવે છે. કોઈ પણ નાગરિક સાથે અન્યાય ન થાય તે માટે એક સમર્પિત ટીમ આખો દિવસ ખડેપગે કામ કરે છે.
આ વિશેષ ટીમમાં પોલીસ ઇન્સ્પેક્ટર પલક પટેલ, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એન.જી. બારડ તથા એમ.જે. પટેલ, હેડ કોન્સ્ટેબલ મણીલાલ વણગઈ અને પોલીસ કોન્સ્ટેબલ કિશનભાઈ રાઠોડ સેવા આપી રહ્યા છે. આ ટીમ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) મુજબ અરજી સ્વીકારીને તુરંત જ સંબંધિત શહેર કે જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ટેલિફોનિક સંકલન સાધીને જરૂરી સૂચનાઓ પ્રસારિત કરે છે.
માત્ર ફોરવર્ડ નહીં, પણ ગંભીર બાબતોમાં તાત્કાલિક ૨૮ FIR
સામાન્ય રીતે સરકારી દફતરોમાં અરજીઓ માત્ર એક ટેબલ પરથી બીજા ટેબલ પર મોકલી દેવામાં આવતી હોય છે, પરંતુ જનસંપર્ક કાર્યાલયમાં આ પદ્ધતિથી વિપરીત કામ થાય છે. અહીં અરજીઓને માત્ર ફોરવર્ડ કરવાને બદલે તથ્યો અને પુરાવાઓના આધારે તેના ગુણદોષ ચકાસવામાં આવે છે.
ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અત્યાર સુધીમાં ગંભીર અને તથ્યપૂર્ણ જણાયેલી બાબતોમાં સંબંધિત પોલીસ સ્ટેશનો દ્વારા તુરંત ૨૮ જેટલી FIR (ફરિયાદો) દાખલ કરાવવામાં આવી છે. આ ઉપરાંત, અરજી મોકલ્યા બાદ કાર્યવાહી કયા સ્તરે પહોંચી છે તેની ખાતરી કરવા માટે આશરે ૬૭ જેટલી અરજીઓમાં ઉચ્ચ સ્તરેથી ‘Progress Report’ મંગાવીને એન્ડ-ટુ-એન્ડ ફોલોઅપ લેવામાં આવ્યું છે.
ખોટી રજૂઆત કરનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી
પારદર્શિતા અને ન્યાયપૂર્ણ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આ કાર્યાલય ખૂબ જ સજાગ છે. સાચા અરજદારોને તાત્કાલિક ન્યાય મળે તે પ્રાથમિકતા છે, પરંતુ સાથે-સાથે તપાસ દરમિયાન જે લોકોએ બદઈરાદાપૂર્વક કે ખોટી રજૂઆતો કરી હોય તેમને પણ છોડવામાં આવ્યા નથી. આવા ૮ અરજદારો સામે કાયદાકીય જોગવાઈઓ મુજબ સખત કાનૂની પગલાં લેવામાં આવ્યા છે, જેથી આ પ્રથાનો દુરુપયોગ કરનારાઓમાં પણ યોગ્ય સંદેશ જાય.
નાગરિકો તરફથી મળ્યો ‘Excellent’ પ્રતિસાદ
આ કાર્યાલયની મુલાકાતે આવતા દરેક નાગરિક પાસેથી ખુલ્લા મને ‘Feedback Form’ ભરાવવામાં આવે છે. પોલીસ સ્ટાફનું નમ્ર વર્તન, સાંભળવાની ઉત્તમ પદ્ધતિ, ત્વરિત કાર્યવાહી અને યોગ્ય માર્ગદર્શનના લીધે નાગરિકોએ આ કાર્યાલયની કામગીરીને એકસરે “Excellent” (ઉત્કૃષ્ટ) રેટિંગ આપ્યું છે.
ગુજરાત પોલીસ પ્રજા સાથે સુમેળ સાધીને સંપૂર્ણ સંવેદનશીલતા, પારદર્શિતા અને જવાબદારીપૂર્વક ન્યાય અપાવવા માટે હંમેશાં કટિબદ્ધ છે. DGP કચેરીનું આ જનસંપર્ક કાર્યાલય આજે સમગ્ર રાજ્યમાં પોલીસ અને પ્રજા વચ્ચેના સંબંધોને મજબૂત કરવાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે.
