બરડા બન્યું સિંહોનું બીજું ઘર, હવે સુરક્ષા માટે પોરબંદર વન વિભાગનું નવેસરથી આયોજન
ગુજરાત સરકાર દ્વારા એશિયાટિક સિંહોના બરડા ખાતે બનેલા ‘બીજા ઘર’ને વધુ મજબૂત અને સક્ષમ વહીવટી આધાર આપવાની દિશામાં એક અત્યંત મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે બરડામાં સિંહોના સફળ પુનર્વસવાટને ‘પાક્કું’ કરવા માટે પોરબંદર વન વિભાગના વહીવટી માળખામાં મોટા ફેરફારો કરવાનો અને તેનું સંપૂર્ણ પુનર્ગઠન કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ ફેરફારથી માત્ર સિંહોના સંરક્ષણને જ નહીં, પરંતુ પોરબંદર જિલ્લાના સમગ્ર વન અને પર્યાવરણને લગતા પ્રશ્નોના નિરાકરણ અને યોજનાઓના અમલીકરણને પણ મોટો વેગ મળશે.
૧૪૩ વર્ષ પછી સિંહોની વાપસી અને વહીવટી પુનર્ગઠનની જરૂરિયાત
નોંધનીય છે કે બરડા જંગલમાં પૂરા ૧૪૩ વર્ષના લાંબા અંતરાલ બાદ એશિયાટિક સિંહોનું કુદરતી રીતે પાછા ફરવાની ઐતિહાસિક ઘટના બની હતી. આ ઘટના બાદ બરડા વિસ્તારમાં સિંહોના કાયમી અને સુરક્ષિત પુનર્વસવાટને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર લાંબા સમયથી ગંભીરતાપૂર્વક વિચારણા કરી રહી હતી. વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને રાજ્ય મંત્રી પ્રવીણભાઈ માળીના માર્ગદર્શન હેઠળ આ નવું માળખું તૈયાર કરવામાં આવ્યું છે. આ નિર્ણયથી બરડા સહિત પોરબંદર જિલ્લાના વન વિસ્તારોમાં વન સંરક્ષણ અને વન્યજીવ વ્યવસ્થાપન માટે અધિકારીઓ અને કર્મચારીઓની જવાબદારીઓનું વધુ સ્પષ્ટ વિતરણ થઈ શકશે.
પોરબંદર અને રાણાવાવ રેન્જનું નવેસરથી આયોજન અને વિસ્તારોનું વિભાજન
આ પુનર્ગઠન અંતર્ગત પોરબંદર રેન્જની રચનાને નવેસરથી ગોઠવવામાં આવી છે, જેના હેઠળ ૬,૮૪૦.૮૪ હૅક્ટર વિસ્તાર અને કુલ ૮૦ ગામોનો સમાવેશ કરાયો છે. આ વિસ્તારને પોરબંદર સિટી, ગોસાબારા, મોકર, વિસાવાડા, કાંટેલા, માધવપુર અને સતિયા જેવી વિવિધ બીટમાં વહેંચવામાં આવ્યો છે.
તે જ પ્રમાણે, રાણાવાવ રેન્જ હેઠળ ૧૩,૦૫૧.૨૫ હૅક્ટર વિસ્તાર અને ૨૭ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગોડાણા, બિલેશ્વર, સાવડીવડર અને રાણાવાવ જેવા વિસ્તારોને વિવિધ બીટ હેઠળ ગોઠવવામાં આવ્યા છે. રેન્જ અને બીટનું આ ચોક્કસ વિભાજન થવાથી સ્થાનિક સ્તરે પેટ્રોલિંગ, વન સંરક્ષણ અને અન્ય વિભાગીય કામગીરીઓનું સંચાલન અત્યંત સચોટ રીતે થઈ શકશે.
ભાણવડ, કુતિયાણા અને સામાજિક વનીકરણ રેન્જનો સમાવેશ
આ નવા વહીવટી માળખામાં જામનગર વન વિભાગ હસ્તકની RFW ભાટિયા રેન્જના ૩૦૫.૯૪ હૅક્ટર વિસ્તારને પોરબંદર વન વિભાગની ભાણવડ રેન્જમાં સામેલ કરવામાં આવ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ચાર ગામો (કંડારડા જોગણા, સાજડીયાળા, જુના અને જંબુસર) હવે પોરબંદર વન વિભાગ હેઠળ કામ કરશે.
આ ઉપરાંત, કુતિયાણા રેન્જ, પોરબંદર સામાજિક વનીકરણ રેન્જ અને રાણાવાવ સામાજિક વનીકરણ રેન્જને પણ પોરબંદર વન વિભાગ હેઠળ તબદીલ કરવામાં આવી છે. આ તમામ રેન્જ સાથે જોડાયેલા વાહનો, હથિયારો, વૉકી-ટૉકી, વાયરલેસ સેટ તેમજ અન્ય સાધન-સામગ્રી અને રેકર્ડની વહીવટી તબદીલી પણ નિર્ધારિત પ્રક્રિયા મુજબ પૂર્ણ કરવામાં આવી છે.
બે મદદનીશ વન સંરક્ષક (ACF) હેઠળ નવી જવાબદારીઓ
આ પુનર્ગઠન બાદ પોરબંદર વન વિભાગ હેઠળ દેખરેખ માટે બે મદદનીશ વન સંરક્ષક (ACF) ની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે:
મદદનીશ વન સંરક્ષક-૧: આના હેઠળ પોરબંદર રેન્જ, પોરબંદર સામાજિક વનીકરણ રેન્જ અને રાણાવાવ સામાજિક વનીકરણ રેન્જ રાખવામાં આવી છે.
મદદનીશ વન સંરક્ષક-૨: આના હેઠળ રાણાવાવ રેન્જ, ભાણવડ રેન્જ, કુતિયાણા રેન્જ અને મોબાઇલ સ્ક્વોડ (ટી.એ.) રેન્જનો સમાવેશ કરાયો છે.
આ વ્યવસ્થાથી અલગ-અલગ વિસ્તારોની દેખરેખ માટે અધિકારી કક્ષાએ જવાબદારીઓનું ખૂબ જ સ્પષ્ટ વિભાજન થયું છે. કેવડિયા ખાતે મંજૂર થયેલી મદદનીશ વન સંરક્ષકની ખાલી જગ્યામાંથી એક જગ્યાને પોરબંદર વન વિભાગ હેઠળ તબદીલ કરીને આ મજબૂત વહીવટી માળખું ઊભું કરવામાં આવ્યું છે.
વન સંરક્ષણથી લઈને વન્યજીવ વ્યવસ્થાપનને મળશે નવી ગતિ
આ સમગ્ર વહીવટી ફેરફાર માત્ર કાગળ પરની સીમાઓ બદલવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે મેદાની સ્તરે માનવબળ, સાધન-સામગ્રી અને સંસાધનોનું શ્રેષ્ઠ સંકલન છે. જૂનાગઢ વન્યજીવ વર્તુળ હેઠળ કાર્યરત થનાર આ નવું માળખું બરડા વન વિસ્તારમાં સિંહોના મુક્ત વિહરણ અને સુરક્ષા માટે અત્યંત આવશ્યક હતું. આ નિર્ણયોના અમલીકરણથી પોરબંદર જિલ્લામાં પર્યાવરણ અને વન્યજીવ સંરક્ષણની કામગીરી વધુ વેગવાન બનશે અને ‘સુજલામ સુફલામ’ વન વિસ્તારોમાં સિંહોનું આ નવું ઘર સુરક્ષિત રીતે વિકસી શકશે.
