ગુજરાત પોલીસ દ્વારા ટ્રાફિક નિયમભંગ કરનાર વાહનચાલકો સામે કડક કાર્યવાહી

By
Halima Shaikh
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a...
4 Min Read

વાહનચાલકો સાવધાન! ૧૪ ઓક્ટોબર સુધી નંબર પ્લેટ પર થશે કડક ચેકિંગ, જાણો DGP નો નવો આદેશ

ગુજરાતમાં માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા, ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન કરાવવા તથા જોખમી વાહન વ્યવહાર સામે કડક કાયદાકીય પગલાં લેવા માટે ગુજરાત પોલીસ દ્વારા રાજ્યભરમાં વ્યાપક સ્તરે વિશેષ ટ્રાફિક ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. આ રાજ્યવ્યાપી ઝુંબેશ અંતર્ગત ઓગસ્ટ મહિના દરમિયાન રોંગ સાઈડ ડ્રાઇવિંગ અને ઓવર સ્પીડિંગ કરનારા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરીને ૭૪,૨૪૨ કેસો નોંધવામાં આવ્યા છે અને કુલ રૂ. ૫.૩૩ કરોડથી વધુનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

traffic1.jpg

- Advertisement -

બીજી તરફ, રાજ્યના પોલીસ વડા (DGP) જ્ઞાનેન્દ્રસિંહ મલિકે હવે તા. ૧લી સપ્ટેમ્બરથી આગામી તા. ૧૪ ઓક્ટોબર ૨૦૨૬ સુધી નંબર પ્લેટ વગરના તથા ચેડાં કરેલી કે અયોગ્ય નંબર પ્લેટવાળા વાહનો સામે કડક રાજ્યવ્યાપી ઝુંબેશ ચલાવી કાયદાકીય કડક કાર્યવાહી કરવાના સ્પષ્ટ આદેશ આપ્યા છે.

ઓગસ્ટ માસમાં રોંગ સાઈડ અને ઓવર સ્પીડિંગ સામે કડક ઝુંબેશ

રાજ્યભરમાં ‘રોંગ સાઈડ ડ્રાઇવિંગ’ અને ‘ઓવર સ્પીડિંગ’ જેવા જીવલેણ ટ્રાફિક ઉલ્લંઘનો અટકાવવા માટે તા. ૦૧/૦૮/૨૦૨૬ થી તા. ૩૧/૦૮/૨૦૨૬ દરમિયાન વિશેષ કડક ઝુંબેશ ચલાવવામાં આવી હતી.

- Advertisement -

આ ઓગસ્ટ માસની કાર્યવાહીના આંકડા નીચે મુજબ છે:

  • રોંગ સાઈડ ડ્રાઇવિંગ: ૩૬,૧૫૯ કેસો નોંધીને કુલ રૂ. ૩,૬૪,૫૨,૦૦૦ નો દંડ વસૂલવામાં આવ્યો.

  • ઓવર સ્પીડિંગ: ૩૮,૦૮૩ કેસો નોંધીને કુલ રૂ. ૧,૬૯,૨૬,૯૦૦ નો દંડ વસૂલવામાં આવ્યો.

  • કુલ કામગીરી: ઓગસ્ટ માસમાં કુલ ૭૪,૨૪૨ કેસો નોંધીને રૂ. ૫,૩૩,૭૮,૯૦૦ ની રકમ દંડ પેટે વસૂલ કરાઈ.

હાઇવે પર અડચણરૂપ ગેરકાયદેસર પાર્કિંગ સામે ૩૬ હજારથી વધુ કેસ

હાઇવે તથા શહેરના મુખ્ય માર્ગો પર અડચણરૂપ રીતે વાહનો પાર્ક કરવાને કારણે સર્જાતા જીવલેણ અકસ્માતો રોકવા માટે પણ પોલીસે લાલ આંખ કરી હતી. ઓગસ્ટ દરમિયાન હાથ ધરાયેલી તપાસમાં:

  • નેશનલ હાઇવે: ગેરકાયદેસર પાર્કિંગના ૧૦,૪૦૮ કેસ નોંધાયા.

  • સ્ટેટ હાઇવે અને અન્ય માર્ગો: અડચણરૂપ પાર્કિંગના ૨૦,૮૧૩ કેસ નોંધવામાં આવ્યા.

  • ટ્રાફિક અવરોધતા વાહનો: ટ્રાફિકના પ્રવાહને અવરોધતા વાહનો સામે ૫,૦૭૮ કેસ કરી ૫૮૦ વાહનો સામે સીધી કાર્યવાહી કરવામાં આવી છે.

આમ, એક જ મહિનામાં હાઇવે પર ગેરકાયદેસર પાર્કિંગ સામે ૩૬ હજારથી વધુ કેસોમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે.

- Advertisement -

નંબર પ્લેટ સાથે ચેડાં કરનારાઓ સામે ૪૫ દિવસની વિશેષ ડ્રાઇવ

રાજ્યમાં ગુનાખોરી નિયંત્રણ, વાહન ચોરી અટકાવવા અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ સુદૃઢ કરવા વાહનની સચોટ ઓળખ થવી અત્યંત અનિવાર્ય છે. જોકે, કેટલાક વાહનચાલકો દ્વારા નંબર પ્લેટ વગર વાહન ચલાવવું, નંબર પ્લેટ વાળી દેવી, અયોગ્ય ફોન્ટ કે લખાણ લખવું અથવા નંબર પ્લેટ સાથે ચેડાં કરવાનું ગંભીર વલણ જોવા મળી રહ્યું છે.

High Court order on traffic violations.png

આ બાબતને અત્યંત ગંભીરતાથી લઈ રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકના નિર્દેશથી સમગ્ર રાજ્યમાં તા. ૦૧/૦૯/૨૦૨૬ થી તા. ૧૪/૧૦/૨૦૨૬ સુધી વિશેષ રાજ્યવ્યાપી ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે.

આ ૪૫ દિવસીય વિશેષ ડ્રાઇવના મુખ્ય ઉદ્દેશો નીચે મુજબ છે:

૧. નંબર પ્લેટ વગરના, અસ્પષ્ટ કે નિયમવિરુદ્ધ નંબર પ્લેટ ધરાવતા વાહનો સામે કાયદેસર દંડનીય કાર્યવાહી કરવી.

૨. વાહનોની સચોટ ઓળખ સુદૃઢ બનાવી ચોરી થયેલાં વાહનો શોધી કાઢવા.

૩. વિવિધ ગુનાહિત પ્રવૃત્તિઓમાં વાહનોના થતા સંભવિત દુરુપયોગને સંપૂર્ણપણે રોકવો.

પોલીસ તંત્રની નાગરિકોને ખાસ અપીલ

સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના SP વી. સાહિત્યાએ નાગરિકોને અપીલ કરતા જણાવ્યું છે કે, “માર્ગ સલામતી એ માત્ર પોલીસતંત્રની જ નહીં પરંતુ પ્રત્યેક નાગરિકની સહિયારી સામાજિક જવાબદારી છે. દરેક વાહનચાલકે પોતાના વાહનમાં આરટીઓના નિયમો અનુસારની માન્ય, સ્પષ્ટ અને યોગ્ય નંબર પ્લેટ લગાવેલી છે તેની તાત્કાલિક ખાતરી કરી લેવી તેમજ નંબર પ્લેટ સાથે કોઈપણ પ્રકારના ચેડાં ન કરવા.”

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “હંમેશા નિયત સ્પીડ લિમિટમાં જ વાહન ચલાવવું અને પોતાની નિર્ધારિત લેનમાં જ રહેવું. ક્યારેય પણ રોંગ સાઈડ ડ્રાઇવિંગ ન કરવું, કારણ કે તે અન્ય વાહનચાલકો અને નાગરિકોના જિંદગી માટે અત્યંત જોખમી સાબિત થાય છે. આ ઉપરાંત, નેશનલ કે સ્ટેટ હાઇવે તથા મુખ્ય માર્ગો પર બેદરકારીપૂર્વક વાહન પાર્ક કરી ટ્રાફિકમાં અડચણ ઊભી ન કરવી.” ટ્રાફિક નિયમોનું પાલન કરી અકસ્માતમુક્ત અને સુરક્ષિત ગુજરાતના નિર્માણમાં સહયોગ આપવા માટે પોલીસ વિભાગ દ્વારા તમામ નાગરિકોને નમ્ર અનુરોધ કરવામાં આવ્યો છે.

Share This Article
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a wide range of topics including social issues, current events, and community stories with a focus on accuracy and cultural relevance. With a deep connection to Gujarati readers, Halima strives to present news that is informative, trustworthy, and easy to understand. Follow Halima Shaikh on Satya Day News for timely updates and meaningful content — all in your own language.