વલસાડ સિવિલ હોસ્પિટલના વેઇટિંગ એરિયામાં કપલનો ખુલ્લેઆમ રોમાન્સ, વીડિયો વાયરલ થતાં હોબાળો
વલસાડ: પ્રેમ આંધળો હોય છે એવું તો તમે ઘણીવાર સાંભળ્યું હશે, પરંતુ વલસાડમાંથી એક એવી ઘટના સામે આવી છે જ્યાં પ્રેમ એટલો ‘બેફામ’ બન્યો કે કપલને આજુબાજુ ઉભેલી આખી પબ્લિક પણ ન દેખાઈ! વલસાડની સિવિલ હોસ્પિટલ જેવા સંવેદનશીલ અને જાહેર સ્થળે એક કપલ તમામ મર્યાદાઓ નોવે મૂકીને જાહેરમાં રોમાન્સ કરતું કેમેરામાં કેદ થયું છે.
મળતી માહિતી મુજબ, હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓ અને તેમના સગાં-સંબંધીઓની ભારે અવરજવર વચ્ચે, વેઇટિંગ એરિયામાં આ કપલ એકબીજામાં મશગૂલ થઈ ગયું હતું. હોસ્પિટલ જેવા ગંભીર વાતાવરણવાળા સ્થળે આ પ્રકારની અશોભનીય હરકત જોઈને ત્યાં હાજર લોકો પણ અચંબામાં પડી ગયા હતા. આ અજીબોગરીબ નજારો જોઈને ત્યાં આવેલા કોઈ પ્રવાસી અથવા દર્દીના સગાએ પોતાના મોબાઈલ કેમેરામાં આ સમગ્ર દ્રશ્ય કેદ કરી લીધું હતું.
હાલમાં આ શરમજનક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સામે આવ્યા બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નેટીઝન્સ હોસ્પિટલ તંત્રની સિક્યોરિટી વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉઠાવી રહ્યા છે કે આટલી મોટી સરકારી હોસ્પિટલમાં સુરક્ષાકર્મીઓ હોવા છતાં આવી હરકતો કરનારાઓ સામે કોઈ પગલાં કેમ ન લેવાયા?
જાહેર સ્થળોએ સભ્યતાની સીમાઓ ઓળંગતા આવા તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સોશિયલ મીડિયા પર ઉઠી રહી છે. હોસ્પિટલ વહીવટી તંત્ર આ બાબતે શું પગલાં લે છે તે જોવું રહ્યું.
