શું પોલીસ SMC ની એજન્ટ બની ગઈ હતી? નાસીર નગર તોડફોડ મામલે પોલીસ પર ગંભીર આક્ષેપો.
સુરત: સુરતના નાસીર નગરમાં થયેલા ડીમોલેશનનો મામલો હવે વધુ ગંભીર વળાંક લઈ રહ્યો છે. જે રીતે ગેરકાયદેસર રીતે મકાનો તોડી પાડવામાં આવ્યા તે અંગે અનેક સવાલો ઉભા થયા હતા, પરંતુ હવે સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં તંત્રની પોલ ખુલી ગઈ છે. આ ફૂટેજે સુરત મહાનગરપાલિકા (SMC) ની સાથે સાથે હવે સુરત પોલીસની ભૂમિકા પર પણ સીધા સવાલો ઉભા કર્યા છે.
ડીમોલેશન પહેલાના સીસીટીવીએ ખોલી પોલ
નાસીર નગરમાં ડીમોલેશનની કાર્યવાહી પૂર્વેના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે ડીમોલેશન જેવી મોટી અને સંવેદનશીલ કાર્યવાહી પહેલા શહેરની જાણીતી એક પોલીસ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ ફૂટેજ દર્શાવે છે કે પોલીસ અધિકારીઓની હાજરીમાં આખી કાર્યવાહીનું આયોજન કરવામાં આવ્યું હતું.

પોલીસની ભૂમિકા શંકાસ્પદ?
સૌથી વધુ આક્ષેપ સુરત પોલીસની શંકાસ્પદ ભૂમિકા પર થઈ રહ્યા છે. સ્થાનિકોનો આરોપ છે કે, ફૂટેજમાં પોલીસ લોકોને ડરાવી-ધમકાવીને મકાન ખાલી કરાવવા માટે દબાણ કરી રહી હોય તેવું સ્પષ્ટ જણાય છે. કાયદાનું રક્ષણ કરવાને બદલે જો પોલીસ જ લોકોને ઘર ખાલી કરવા માટે મજબૂર કરતી હોય, તો સામાન્ય જનતા સુરક્ષાની અપેક્ષા કોની પાસે રાખે? આ પ્રકારના આક્ષેપોથી પોલીસની છબી ખરડાઈ રહી છે.
SMC અને પોલીસનું ‘સાઠગાંઠ’નું તંત્ર?
એક તરફ SMCની ગંભીર બેદરકારી અને મનસ્વી રીતે કરેલી કાર્યવાહી સામે આવી રહી છે, તો બીજી તરફ પોલીસનો સક્રિય ટેકો સૂચવે છે કે આ કોઈ આયોજનબદ્ધ પ્રક્રિયા હતી. શું SMC અને પોલીસની મિલીભગતને કારણે જ આ ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું? આ સવાલ હવે ચર્ચાનો વિષય બન્યો છે.
તંત્રની આ પ્રકારની કામગીરી સામે હવે લોકોમાં ભારે આક્રોશ છે. જ્યારે સીસીટીવી પુરાવા તરીકે સામે આવ્યા છે, ત્યારે ઉચ્ચ અધિકારીઓ આ મામલે શું સ્પષ્ટતા કરે છે અને જવાબદારો સામે શું કાર્યવાહી થાય છે, તે જોવું અત્યંત આવશ્યક બન્યું છે.
