દેશના ૧૬ રાજ્યોમાં આગામી 24 કલાક ભારે; 65 કિમીની ઝડપે ફૂંકાશે તોફાની પવન
સમગ્ર દેશમાં પ્રકૃતિ જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કરવા જઈ રહી છે. એક તરફ ઉત્તર ભારતમાં સક્રિય થયેલો પશ્ચિમી વિક્ષેપ (Western Disturbances) અને બીજી તરફ બિહારથી પશ્ચિમ બંગાળ સુધી વિસ્તરેલું લો-પ્રેશર, આ બંને સિસ્ટમ ભેગી થતાં દેશના અડધાથી વધુ હિસ્સામાં હવામાન પલટાઈ ગયું છે. કાળઝાળ ગરમી વચ્ચે અચાનક વાવાઝોડા, કરા અને મિની પૂર જેવી સ્થિતિ સર્જાવાની ભીતિ છે, જેના લીધે તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે.
આજે ૧૧ જૂન ૨૦૨૬, ગુરુવારના રોજ સમગ્ર દેશના હવામાનમાં પલટો આવ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી ૨૪ કલાક માટે દેશના ૧૬ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ અને પ્રચંડ વાવાઝોડાની ગંભીર ચેતવણી (યલો અને ઓરેન્જ એલર્ટ) જારી કરી છે. પશ્ચિમી વિક્ષેપ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) ની મજબૂત સક્રિયતાના કારણે ઉત્તર ભારત પર તોફાનનું સંકટ મંડરાઈ રહ્યું છે. આ દરમિયાન પવનની ગતિ ૫૦ થી ૬૫ કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં મોટા પ્રમાણમાં કરા પણ પડી શકે છે. પૂર્વીય ભારતમાં વાવાઝોડા સાથે વીજળી પડવાનું જોખમ સૌથી વધુ હોવાથી હવામાન વિભાગે સામાન્ય જનતા સહિત ખેડૂતોને પોતાના ઉભા પાકને બચાવવા આગોતરી વ્યવસ્થા કરવા અને સુરક્ષિત સ્થળોએ આશરો લેવા અપીલ કરી છે.
દિલ્હી-એનસીઆર અને ઉત્તર પ્રદેશમાં તોફાની પવન સાથે વરસાદ
દેશની રાજધાની દિલ્હીમાં ૧૧ થી ૧૩ જૂન દરમિયાન કુદરતનો મિજાજ આકરો જોવા મળી શકે છે. દિલ્હીમાં આજે ૬૦ થી ૬૫ કિલોમીટરની ઝડપે ફૂંકાનારા ધૂળના વંટોળ અને વાવાઝોડા સાથે ભારે વરસાદની સંભાવના છે. દિલ્હીમાં મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૮ ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેશે, જેનાથી લોકોને ભીષણ ગરમી અને હીટવેવમાંથી મોટી રાહત મળશે ખરી, પણ તોફાની પવન મુશ્કેલી વધારી શકે છે.
બીજી તરફ, ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર, મેરઠ, ગાઝિયાબાદ, કાનપુર, વારાણસી અને પ્રયાગરાજ સહિતના ૧૫ થી વધુ જિલ્લાઓમાં ભારે વરસાદ અને ૬૫ કિમીની ઝડપે પવન ફૂંકાવાનું એલર્ટ છે. લખનૌમાં મહત્તમ તાપમાન ૩૯ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૬ ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે.
બિહાર અને ઝારખંડમાં ૭૦ કિમીની ઝડપે વાવાઝોડાનું જોખમ
બિહારમાં પૂર્વીય પવનો અને નીચા દબાણના ક્ષેત્રના કારણે સ્થિતિ વધુ ચિંતાજનક છે. પટણા, ગયા, બક્સર, મુઝફ્ફરપુર અને ભાગલપુર સહિતના અનેક જિલ્લાઓમાં ૭૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વિનાશક પવન ફૂંકાઈ શકે છે, જે કાચા મકાનો અને મોટા વૃક્ષોને ઉખાડી ફેંકવા માટે સક્ષમ છે. પટણામાં મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રી રહેશે.
પડોશી રાજ્ય ઝારખંડના રાંચી, બોકારો, ધનબાદ અને જમશેદપુરમાં પણ આવી જ સ્થિતિ રહેશે. ભારે વરસાદ અને આકાશી વીજળી પડવાની શક્યતાઓને જોતા લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા જણાવાયું છે. રાંચીનું લઘુત્તમ તાપમાન ૨૬ ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડી શકે છે.
પર્વતીય રાજ્યોમાં પ્રવાસીઓ માટે રેડ એલર્ટ
જો તમે આ દિવસોમાં ગરમીથી બચવા માટે પહાડો તરફ મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારે તમારો પ્લાન મોકૂફ રાખવો પડી શકે છે. ઉત્તરાખંડના નૈનિતાલ, દેહરાદૂન, હરિદ્વાર અને ઋષિકેશમાં ૫૦ થી ૬૦ કિમીની ઝડપે વાવાઝોડું અને અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. દેહરાદૂનનું મહત્તમ તાપમાન ૩૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાઈ શકે છે.
આવી જ ગંભીર સ્થિતિ હિમાચલ પ્રદેશના મંડી, કાંગડા, કુલ્લુ અને મનાલીમાં પણ રહેશે. પહાડી વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન (લેન્ડસ્લાઇડ) અને ટ્રાફિક જામ થવાનું જોખમ ઘણું વધારે છે, તેથી પ્રવાસીઓને સાવચેત રહેવા વિનંતી કરવામાં આવી છે.
દક્ષિણ અને પૂર્વોત્તર ભારતમાં આગામી ૭ દિવસ આફત
આ ભયાનક વાવાઝોડાની અસર માત્ર ઉત્તર ભારત પૂરતી મર્યાદિત નથી. દક્ષિણ અને પૂર્વોત્તર ભારતના રાજ્યો જેમ કે કેરળ, કર્ણાટક, તમિલનાડુ, આસામ અને અરુણાચલ પ્રદેશમાં આગામી ૫ થી ૭ દિવસ સુધી ચોમાસુ આકરૂં બને તેવા એંધાણ છે. આ વિસ્તારોમાં ૭ થી ૨૦ સેન્ટીમીટર જેટલો ખાબકનારો અતિભારે વરસાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરી શકે છે. ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ જવાથી અને પાવર કટ થવાથી સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થવાની પૂરેપૂરી સંભાવના છે. હવામાન વિભાગે લોકોને સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી બચીને સત્તાવાર રેડિયો અને ટીવી ચેનલોના હવામાન બુલેટિન પર નજર રાખવા જણાવ્યું છે.

