પેપર લીક સામે મોદી સરકારના કડક નિર્ણયો: ન્યાય અને સુધારા માટે સરકારની મોટો દાવો
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. દિલ્હીના જંતર મંતર પર ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલન અને પેપર લીકના મુદ્દે સર્જાયેલા રાજકીય ઘમાસાણ વચ્ચે દેશના ગૃહમંત્રી અમિત શાહ અને વિપક્ષી નેતા રાહુલ ગાંધી સામસામે આવી ગયા છે.
દેશમાં છેલ્લા કેટલાક સમયથી પરીક્ષા પ્રણાલી અને ખાસ કરીને નીટ (NEET) પરીક્ષાઓમાં કથિત ગડબડી તથા પેપર લીકના મુદ્દાઓને લઈને યુવા વિરોધનો વંટોળ ઊભો થયો હતો. આ રાજકીય અને સામાજિક દબાણ વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને શનિવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
ધર્મેન્દ્ર પ્રધાનના મોડી રાત્રે આપેલા રાજીનામા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે સ્પષ્ટ કર્યું છે કે શાસક પક્ષ માટે હોદ્દો કે સત્તા કરતાં દેશનું હિત અને યુવા પેઢીનું ભવિષ્ય સૌથી વધુ મહત્વનું છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો પક્ષ અને દાવો
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અંગે સોશિયલ મીડિયા પર પોતાની વાત મૂકતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, “ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે કોઈ પદ કે સત્તા કરતાં દેશ, આપણી ભાડાવી યુવા પેઢી અને દેશના વિદ્યાર્થીઓનું હિત સર્વોપરી છે.”
અમિત શાહે ઉમેર્યું કે મોદી સરકાર દેશના યુવાનોની આકાંક્ષાઓ અને ભાવનાઓનું પૂરતું સન્માન કરે છે. પેપર લીક જેવી ગંભીર બાબતો સામે કડક કાનૂની અને વ્યાપક સુધારાત્મક પગલાં લેવા માટે સરકાર સંપૂર્ણપણે બદ્ધ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા લાવવા અને દોષિતોને સખતમાં સખત સજા થાય તે માટે લેવાયેલા નિર્ણયો પ્રશંસનીય છે, જે દેશના પ્રામાણિક વિદ્યાર્થીઓને સંપૂર્ણ ન્યાય અપાવશે.
ગૃહમંત્રીએ ધર્મેન્દ્ર પ્રધાનના કાર્યકાળની પ્રશંસા કરતા કહ્યું કે, તેમણે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ના અમલીકરણ, પ્રાદેશિક અને માતૃભાષામાં સ્પર્ધાત્મક પરીક્ષાઓનું આયોજન, પીએમ શ્રી શાળાઓનો વિસ્તાર, ડિજિટલ લર્નિંગ અને સ્કિલ ડેવલપમેન્ટ જેવા ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ શૈક્ષણિક સુધારા કર્યા છે. તેમનો કાર્યકાળ ‘વિકસિત ભારત’ ના સંકલ્પ પ્રત્યે સમર્પિત રહ્યો છે.
भाजपा के कार्यकर्ताओं के लिए पद से कहीं अधिक महत्वपूर्ण देश, हमारी युवा पीढ़ी और विद्यार्थी हैं। आज केंद्रीय शिक्षा मंत्री श्री @dpradhanbjp जी का अपने पद से इस्तीफा इसी को दर्शाता है।
मोदी सरकार देश के युवाओं की भावनाओं का सम्मान करती है और पेपर लीक के विरुद्ध आवश्यक सुधारों के… https://t.co/p12wLKGUkm
— Amit Shah (@AmitShah) July 25, 2026
રાહુલ ગાંધીનો આકરો પ્રહાર અને વિપક્ષનો ન્યાયનો દાવો
બીજી તરફ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાને દેશના આંદોલનકારી વિદ્યાર્થીઓની મોટી નૈતિક જીત ગણાવી છે.
રાહુલ ગાંધીએ વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ બળપ્રયોગ અને કાર્યવાહીનો મુદ્દો ઉઠાવતા સીધા ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધ્યું હતું. તેમણે આક્ષેપ કર્યો હતો કે, શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલા હુમલા અને ઈજાઓ માટે ગૃહ મંત્રાલય અને અમિત શાહ સીધા જવાબદાર છે.
રાહુલ ગાંધીએ માંગ કરી હતી કે માત્ર શિક્ષણ મંત્રીનું રાજીનામું પૂરતું નથી, પરંતુ નિર્દોષ વિદ્યાર્થીઓ પર બળપ્રયોગ કરવાનો આદેશ આપનારાઓથી લઈને તેનો અમલ કરનારા તમામ અધિકારીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે ત્યારે જ વાસ્તવિક ન્યાય મળશે.
જંતર મંતર પર ઉજવણી અને શિક્ષણ મંત્રાલયનો હવાલો
દિલ્હીના જંતર મંતર ખાતે છેલ્લા એક મહિનાથી વિવિધ વિદ્યાર્થી સંગઠનો અને સામાજિક આંદોલનકારીઓ શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. રાજીનામાના સમાચાર બહાર આવતા જ પ્રદર્શનકારીઓએ જોરદાર ઉજવણી કરી હતી. જાણીતા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે આ રાજીનામાને ભારતના યુવાનોની એકતાની જીત ગણાવી હતી.
પોતાના રાજીનામાના પત્રમાં ધર્મેન્દ્ર પ્રધાને ઉલ્લેખ કર્યો છે કે તેઓ છેલ્લા ચાર દાયકા કરતાં વધુ સમયથી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શિક્ષણ ક્ષેત્રના કલ્યાણ માટે સમર્પિત રહ્યા છે અને યુવાનોના સપના સાકાર કરવા એ જ તેમનો નૈતિક સંકલ્પ છે.
દરમિયાન, સરકારી વર્તુળો તરફથી મળતી માહિતી મુજબ, દેશના શિક્ષણ મંત્રાલયની કામગીરી સુચારૂ રૂપે ચાલુ રહે તે માટે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીને શિક્ષણ મંત્રાલયનો વધારાનો સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે.