અદાણી એરપોર્ટ્સનો મોટો દાવ: વૈશ્વિક રોકાણકારો પાસેથી એકત્ર કરશે 1 અબજ ડૉલરની મૂડી
આલ્ફા વેવ ગ્લોબલ, પ્રેમજી ઇન્વેસ્ટ, ટેમાસેક અને બ્લેકરોક સંચાલિત ફંડ્સ દ્વારા રોકાણથી અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડનું પ્રી-મની ઇક્વિટી મૂલ્યાંકન ૧૮ અબજ યુએસ ડોલરે પહોંચ્યું
અદાણી એન્ટરપ્રાઇઝિસ લિમિટેડ (AEL) ની પેટાકંપની અને ભારતના સૌથી મોટા ખાનગી એરપોર્ટ ઓપરેટરોમાંની એક અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL) એ આલ્ફા વેવ ગ્લોબલ, પ્રેમજી ઇન્વેસ્ટ, ટેમાસેક અને બ્લેકરોક દ્વારા સંચાલિત ફંડ્સ ધરાવતા રોકાણકારોના કન્સોર્ટિયમ પાસેથી ₹૯,૮૨૫ કરોડ (~USD ૧ બિલિયન) પ્રાયમરી ઇક્વિટી મૂડી એકત્ર કરવા માટે બંધનકર્તા કરાર કર્યા છે. આ સોદાથી AAHL નું પ્રી-મની ઇક્વિટી મૂલ્યાંકન આશરે ૧૮ અબજ યુએસ ડોલર આંકવામાં આવ્યું છે, જે ભારતના એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં નાણાકીય સંસ્થાઓ દ્વારા કરાયેલા સૌથી મોટા પ્રાયમરી ઇક્વિટી રોકાણોમાંનું એક છે.

આ ભાગીદારી AAHL ના સ્કેલ, સંચાલકીય ક્ષમતાઓ અને લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવનાઓને અગ્રણી સ્થાનિક અને વૈશ્વિક સંસ્થાકીય રોકાણકારોનું મજબૂત સમર્થન દર્શાવે છે. ભારતનું ઉડ્ડયન ક્ષેત્ર મુસાફરોની વધતી સંખ્યા, ક્ષમતા વિસ્તરણ અને માળખાગત રોકાણોના સતત વૃદ્ધિના તબક્કામાં પ્રવેશી રહ્યું છે, ત્યારે આ રોકાણ કંપનીમાં લાંબા ગાળાની સંસ્થાકીય મૂડી પૂરી પાડે છે.
અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ અને રોકાણકારો વચ્ચે થયેલા શેર સબ્સ્ક્રિપ્શન તેમજ શેરધારકોના કરાર મુજબ, રોકાણકારો ત્રણ તબક્કામાં AAHL ના નવા ઇક્વિટી શેર્સ સબ્સ્ક્રાઇબ કરશે. જેનો અંતિમ તબક્કો જુલાઈ ૨૦૨૭ સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. ત્રણેય તબક્કા પૂર્ણ થયા બાદ રોકાણકારો સામૂહિક રીતે AAHL માં આશરે ૫.૫૪% હિસ્સો ધરાવશે.
આ ભંડોળ AAHL ના પોર્ટફોલિયો હેઠળના એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું વિસ્તરણ અને આધુનિકીકરણ કરવા, એરપોર્ટની આસપાસ સંકલિત ‘અદાણી એરપોર્ટ સિટી’ ઇકોસિસ્ટમનો વિકાસ વેગવંતો કરવા (જેના પ્રથમ તબક્કામાં ૨૨ મિલિયન ચોરસ ફૂટ જગ્યામાં મલ્ટિ-યુટિલિટી વિકાસનું આયોજન છે) તેમજ ગ્રાઉન્ડ હેન્ડલિંગ સહિત પેસેન્જર-ફેસિંગ અને અન્ય નોન-એરોનોટિકલ વ્યવસાયોનું વિસ્તરણ કરવા જેવી ત્રણ વ્યૂહાત્મક પ્રાથમિકતાઓને ટેકો આપશે. આ રોકાણો વાર્ષિક કરોડો મુસાફરોને સેવા આપવાની ક્ષમતા વધારવા સાથે મુસાફરોના અનુભવને બહેતર બનાવશે અને કંપનીની સંકલિત એરપોર્ટ ઇકોસિસ્ટમને વધુ સુદ્રઢ બનાવશે તેવી અપેક્ષા છે.
આ વ્યવહાર જુલાઈ ૨૦૨૬ માં સફળતાપૂર્વક સંપન્ન થયેલા ભારતના સૌથી મોટા બિન-નાણાકીય ₹૧૫,૦૦૦ કરોડના ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ પ્લેસમેન્ટ (QIP) પછીનો છે. આ સંયુક્ત વ્યવહારો દર્શાવે છે કે અદાણી પોર્ટફોલિયો લાંબા ગાળાની સ્થાનિક અને વૈશ્વિક સંસ્થાકીય મૂડીના વિશાળ ભંડોળ સુધી સતત અને મજબૂત પહોંચ ધરાવે છે.
અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી જીત અદાણીએ આ ભાગીદારીને અદાણી એરપોર્ટ્સ પ્લેટફોર્મના નિર્માણમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ગણાવી જણાવ્યું હતું કે અમારી આ વિકાસયાત્રામાં લાંબા ગાળાના અગ્રણી રોકાણકારો જોડાઈ રહ્યા છે તેનો અમને ગર્વ છે. તેમણે ઉમેર્યું હતું કે ભારતનું ઉડ્ડયન ક્ષેત્ર દેશના જીડીપી ગ્રોથના સૌથી શક્તિશાળી પરિબળો પૈકીનું એક બની રહ્યું છે અને હવાઈ જોડાણનું દરેક વિસ્તરણ એરપોર્ટની બહાર વેપાર, પ્રવાસન, રોજગારી અને પ્રાદેશિક વિકાસના નવા દ્વાર ખોલે છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે આ ભાગીદારોના મજબૂત સમર્થન સાથે અમે આ વૃદ્ધિને આગળ ધપાવવા રોકાણ ચાલુ રાખીશું તથા માળખાગત સુવિધાઓ, સિટી-સાઇડ ડેવલપમેન્ટ અને નોન-એરોનોટિકલ વ્યવસાયોને વિકસાવી વિશ્વના અગ્રણી સંકલિત એરપોર્ટ પ્લેટફોર્મ્સમાં સ્થાન મેળવવાના લક્ષ્ય તરફ ઝડપથી આગળ વધીશું.
અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડના સીઈઓ શ્રી અરુણ બંસલે જણાવ્યું હતું કે અમે AAHL ને વિશ્વનું સૌથી મોટું એરપોર્ટ પ્લેટફોર્મ બનાવવા માટે ક્ષમતાઓનું નિર્માણ કરવાનું ચાલુ રાખીશું. તેમણે કંપનીમાં રોકાણકાર ભાગીદારોએ મૂકેલા વિશ્વાસ બદલ આભાર વ્યક્ત કરતાં કહ્યું હતું કે તેઓ ભારતમાં વૈશ્વિક સ્તરનું એરપોર્ટ પ્લેટફોર્મ બનાવવા માટે તેમની સાથે મળીને પ્રયાણ કરવા આતુર છે. આ વ્યવહાર સામાન્ય શરતો અને જરૂરી વૈધાનિક મંજૂરીઓને આધીન છે.
