‘મરેલો ભ્રષ્ટાચારનો કૂવો’ રાતોરાત જીવતો કરવાનો ખેલ, વિજિલન્સની રેડ પડતા જ અધિકારીઓમાં ફફડાટ!

5 Min Read

તાપીમાં ‘મરેલો ભ્રષ્ટાચારનો કૂવો’ રાતોરાત જીવતો કરવાનો ખેલ! વિજિલન્સની રેડ પડતા જ ‘બંટી-બબલી’ની જોડીમાં ફફડાટ, કાગળ પર ગાયબ થયેલો કૂવો જમીન પર ખોદવાનું શરૂ!

સરકારી યોજનાઓ ગરીબોના કલ્યાણ માટે બને છે કે ભ્રષ્ટ અધિકારીઓની તિજોરીઓ ભરવા માટે? આ સવાલ ફરી એકવાર તાપી જિલ્લામાં ગાજી રહ્યો છે. તાપી જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના કેટલાક ભ્રષ્ટ બાબુઓએ ભ્રષ્ટાચારની તમામ સીમાઓ વટાવી દીધી છે. કાગળ પર યોજનાઓ પૂરી થઈ જાય, પૈસા પણ ઉપડી જાય અને જમીન પર કંઈ જ ન હોય આ ખેલ વર્ષોથી ચાલે છે. પરંતુ, જ્યારે પાપનો ઘડો ભરાય છે ત્યારે કાયદાનો સકંજો પણ કસાય છે. તાપીના આમકુટી ગામમાં ‘ગાયબ’ થઈ ગયેલા એક કૂવાને વિજિલન્સ તપાસથી બચવા માટે રાતોરાત જીવતો કરવાનો જે ખેલ શરૂ થયો છે, તેણે સમગ્ર જિલ્લા પ્રશાસનની પોલ ખોલી નાખી છે.

આમકુટી ગામના કુસુમબેનનો કૂવો કયા અધિકારીઓ ખાઈ ગયા?

સમગ્ર કૌભાંડની વિગત એવી છે કે તાપી જિલ્લાના આમકુટી ગામના ગરીબ લાભાર્થી કુસુમબેનના નામે સરકારી યોજના હેઠળ કૂવો મંજૂર થયો હતો. નિયમ પ્રમાણે કૂવો ખોદાવો જોઈએ, લાભાર્થીને પાણી મળવું જોઈએ. પરંતુ, તાપી જિલ્લા સિંચાઈ વિભાગના સાહેબોએ જમીન પર કૂવો ખોદવાને બદલે માત્ર સરકારી ફાઈલોમાં જ ‘ભ્રષ્ટાચારનો કૂવો’ ખોદી નાખ્યો! લાભાર્થી કુસુમબેન રાહ જોતા રહ્યા અને અધિકારીઓ તેમના હકનો કૂવો આખેઆખો ‘ખાઈ’ ગયા અને ગ્રાન્ટ સગેવગે કરી દીધી.

- Advertisement -

tapi.jpg

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, સિંચાઈ વિભાગમાં લાંબા સમયથી ‘બંટી-બબલી’ તરીકે પંકાયેલી એક જોડી સક્રિય છે. નાયબ કાર્યપાલક ઇજનેર અને તેમની ટોળકીએ પોતાના કાર્યકાળ દરમિયાન આવા કેટલાય ભ્રષ્ટાચારના કાર્ડ ખેલ્યા છે. જો આ જોડીના સમગ્ર કાર્યકાળની તટસ્થ તપાસ થાય, તો તાપી જિલ્લામાં કરોડો રૂપિયાનું સિંચાઈ કૌભાંડ બહાર આવે તેમ છે.

- Advertisement -

વિજિલન્સની તપાસ આવતા જ રાતોરાત જેસીબી ચાલ્યા, પાપ છુપાવવાની કોશિશ!

કહેવાય છે કે ચોરી ગમે તેટલી ચાલાકીથી કરી હોય, પણ પગેરું રહી જ જાય છે. એક જાગૃત સામાજિક કાર્યકર્તાએ આ સમગ્ર કૂવા કૌભાંડ મામલે છેક ગાંધીનગર સુધી પુરાવા સાથે વિજિલન્સ તપાસ (Vigilance Investigation) ની અરજી કરી દીધી. ગાંધીનગરથી તપાસના આદેશ છૂટતા જ અને વિજિલન્સની ટીમ તાપી તરફ રવાના થતાં જ ભ્રષ્ટ અધિકારીઓના પગ નીચેથી જમીન સરકી ગઈ.

જે કૂવો વર્ષો સુધી માત્ર ફાઈલોમાં હતો, તેને રાતોરાત જમીન પર દેખાડવા માટે ધમધમાટ શરૂ કરાયો. સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, જ્યારે મલક ગામીત નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવતા હતા અને કાર્યપાલક ઇજનેરનો ચાર્જ સંભાળતા હતા, તે સમયે તેમની સાથે એસ.ઓ. (S.O.) તરીકે ફરજ બજાવતા ઋષિ સેટા દ્વારા વિજિલન્સની આંખમાં ધૂળ નાખવા માટે રાતોરાત આમકુટી ગામમાં નવો કૂવો બનાવવાની કોશિશ શરૂ કરી દેવામાં આવી છે. ‘મરેલા ભ્રષ્ટાચારના કૂવા’ ને જીવતો કરવા સરકારી બાબુઓ મરણિયો પ્રયાસ કરી રહ્યા છે.

વડોદરાથી કનેક્શન ખુલ્યું: શંકર જાટ અને ઋષિ સેટાની કડીઓ જોડાઈ

આ રાતોરાત ચાલી રહેલા કૂવા ખોદવાના ખેલની સત્યતા તપાસવા જ્યારે મીડિયા અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચ્યા, ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો. કૂવો ખોદી રહેલા પીટીસી (મશીન/જેસીબી) ના માલિક સુરજ પાર્ટીએ કેમેરા સામે કબૂલાત કરી કે, તેને આ કૂવો ખોદવાનું કામ નિઝરના શંકર જાટ નામના વ્યક્તિએ આપ્યું હતું.

- Advertisement -

tapi1.jpg

જ્યારે તપાસનો દોર આગળ વધ્યો અને શંકર જાટનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેણે આખા કૌભાંડનો મોટો કડીરૂપ ખુલાસો કર્યો! શંકર જાટે જણાવ્યું કે, તેને આ કામ વડોદરાના ઋષિ સેટા એ આપ્યું હતું. આ એ જ ઋષિ સેટા છે જે અગાઉ મલક ગામીત સાથે એસ.ઓ. તરીકે નોકરી કરતો હતો. આમ, ભ્રષ્ટાચાર છુપાવવા માટે વડોદરાથી લઈને નિઝર અને આમકુટી સુધી તાર જોડાયેલા હોવાનું સ્પષ્ટ સાબિત થઈ રહ્યું છે.

સામાજિક કાર્યકર્તાની ગર્જના: “ભ્રષ્ટાચારીઓ જેલ ભેગા ન થાય ત્યાં સુધી લડીશ”

આ સમગ્ર ભ્રષ્ટાચાર કાંડને ઉજાગર કરનાર અને વિજિલન્સમાં સત્તાવાર ફરિયાદ કરનાર સામાજિક કાર્યકર્તાએ ભારે આક્રોશ સાથે જણાવ્યું કે, “આ ગરીબ આદિવાસી વિસ્તારના લાભાર્થીઓના હક પર ત્રાપ મારવાનું મોટું પાપ છે. કાગળ પર લાખો રૂપિયા ઓહિયાં કરી ગયા પછી, હવે જ્યારે વિજિલન્સની ટીમ તપાસ કરવા આવી રહી છે ત્યારે રાતોરાત જેસીબી મૂકીને નવો કૂવો ખોદીને સાબિતીઓ નાશ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અમારી પાસે તમામ જૂના દસ્તાવેજો છે કે આ કૂવાની ગ્રાન્ટ ક્યારે વપરાઈ ગઈ હતી. અમે આ ભ્રષ્ટાચારી બાબુઓને છોડવાના નથી.”

TAGGED:
Share This Article