સુરતમાં ‘ખાખી’ શર્મસાર: અઠવાગેટ પાસે નશામાં ધુત ASIએ બસ સાથે કાર ઠોકી, ગાડીમાંથી પોલીસ વર્દી, બેલ્ટ અને દારૂની બોટલ-ગ્લાસ મળ્યા!
ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે કે વાસ્તવમાં? આ સવાલ દર વખતે જનતા પૂછે છે, પણ જ્યારે કાયદાના રક્ષકો જ ભક્ષક બનીને રસ્તા પર દારૂના નશામાં નાચવા લાગે, ત્યારે કાયદા વ્યવસ્થા લજવાઈ જાય છે. ડાયમંડ સિટી સુરતના પોશ ગણાતા અઠવાગેટ વિસ્તારમાં ગઈકાલે રાત્રે એક હચમચાવી મૂકે તેવી અને પોલીસ તંત્રની આબરૂના ધજાગરા ઉડાવતી ઘટના સામે આવી છે. મૈસુર કાફે પાસે એક નશામાં ચૂર આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (ASI) એ પોતાની લક્ઝરી કાર એક સિટી બસ સાથે ધડાકાભેર ભટકાડી દીધી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો, પણ આ ઘટનામાં જે સત્ય બહાર આવ્યું તે વધુ ચોંકાવનારું છે.
“હૂ કોન્સ્ટેબલ નથી, તૈયાર છું” અકસ્માત બાદ દાદાગીરી
બનાવની વિગત એવી છે કે, અઠવાગેટ મૈસુર કાફે પાસે ટ્રાફિકથી ધમધમતા રસ્તા પર એક કાર બેફામ ગતિએ આવી રહી હતી. ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર સીધી ત્યાંથી પસાર થતી બસ સાથે ધડાકાભેર અથડાઈ પડી. અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. લોકોને એમ હતું કે કાર ચાલકને ગંભીર ઈજા થઈ હશે અને તેને બહાર કાઢવો પડશે.
પરંતુ, જેવો કારનો દરવાજો ખુલ્યો, આખો માહોલ બદલાઈ ગયો. કાર ચલાવનાર વ્યક્તિ કોઈ સામાન્ય નાગરિક નહીં, પણ ગુજરાત પોલીસના ASI હતા. તેઓ નશામાં એટલા ધુત હતા કે તેમનાથી સરખું ઊભું પણ રહેવાતું નહોતું. મોઢામાંથી દારૂની ભયંકર દુર્ગંધ આવી રહી હતી. અકસ્માત બાદ પોતાની ભૂલ સ્વીકારવા કે ક્ષમા માંગવાને બદલે નશાખોર ASI સ્થાનિક લોકો સામે દાદાગીરી કરવા લાગ્યા. પોતાના પદના નશામાં ચૂર થઈને તેઓ બબડતા રહ્યા, “હૂ કોન્સ્ટેબલ નથી, તૈયાર છું…” આ સાંભળીને લોકોનો પિત્તો ગયો હતો.
કાર બની ‘ચલતી-ફરતી મધુશાલા’: વર્દીની સાથે મળી દારૂની બોટલો
સ્થાનિક લોકોએ જ્યારે અકસ્માત સર્જનાર કારની અંદર તપાસ કરી તો દ્રશ્યો જોઈને સૌ કોઈ દંગ રહી ગયા. કાયદાનું પાલન કરાવનારી પોલીસની કાર જાણે કોઈ ચલતી-ફરતી દારૂની દુકાન (બાર) હોય તેવો નજારો હતો. કારની સીટ પરથી અને નીચેથી:
વિદેશી દારૂની બોટલ
કાચના ગ્લાસ અને પાણીની બોટલો
ચખણા (બાઈટ્સ) સહિતની સામગ્રીઓ
પોલીસની સત્તાવાર વર્દી અને બેલ્ટ
“અજય એચ. પટેલ” નામની નેમ પ્લેટ અને બક્કલ નંબર
આ બધી વસ્તુઓ ખુલ્લેઆમ કારમાંથી મળી આવી હતી. પોલીસની જે વર્દી પર આખો સમાજ ભરોસો કરે છે, તે વર્દી દારૂની બોટલો અને ગ્લાસની બાજુમાં કચરાની જેમ પડી હતી. આ દ્રશ્ય જોઈને હાજર જનતામાં પોલીસ પ્રશાસન પ્રત્યે ભારે આક્રોશ ફાટી નીકળ્યો.
લોકો મેથીપાક ચખાડે તે પહેલા ઉમરા પોલીસ દોડી આવી
ASI અજય પટેલની આ શરમજનક હરકત અને દારૂના નશામાં કરાતી દાદાગીરી જોઈને ટોળું ઉશ્કેરાઈ ગયું હતું. લોકો ‘ગુજરાત પોલીસ’ના નારા લગાવી ભ્રષ્ટ અધિકારીની શાન ઠેકાણે લાવવા એટલે કે ‘મેથીપાક’ ચખાડવાની તૈયારી જ કરી રહ્યા હતા, ત્યાં જ કોઈ સમજીદાર નાગરિકે ઉમરા પોલીસ સ્ટેશનને આ અંગે જાણ કરી દીધી.
મામલો પોલીસ અધિકારીનો હોવાથી ઉમરા પોલીસનો કાફલો સહેજ પણ સમય બગાડ્યા વિના સાયરનો વગાડતો ઘટનાસ્થળે દોડી આવ્યો. પોલીસે જોયું કે જો થોડી પણ મોડું થયું હોત તો ભીડ નશામાં ધુત ASIને રસ્તા પર જ બરાબરનો પાઠ ભણાવી દેત. પોલીસે તાત્કાલિક આક્રોશિત ભીડમાંથી પોતાના જ ASI અજય પટેલને બચાવીને સરકારી ગાડીમાં બેસાડ્યા અને પોલીસ સ્ટેશન ભેગા કર્યા. સ્થાનિક લોકોએ કારમાંથી મળેલી તમામ સામગ્રી અને નશાખોર અધિકારીને પોલીસના હવાલે કર્યા હતા.
