શું તમારી બેંક તમને છેતરે છે? જાણો RBI ના નવા નિયમો જે ગ્રાહકોને બનાવશે મજબૂત!
આજકાલ આપણે બધા બેંકિંગ સેવાઓનો ભરપૂર ઉપયોગ કરીએ છીએ, પરંતુ શું ક્યારેય તમારી સાથે એવું બન્યું છે કે બેંકમાં તમે કોઈ ખાસ કામ માટે ગયા હોવ અને તમારી જાણ બહાર કે તમારી ઈચ્છા વિરુદ્ધ તમને કોઈ વધારાની પ્રોડક્ટ કે સેવા ગળામાં મઢી દેવામાં આવી હોય? અથવા તો કોઈ લોન કે વીમો લેવા માટે દબાણ કરવામાં આવ્યું હોય? જો હા, તો તમારા માટે એક ખૂબ જ રાહતના સમાચાર છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ હવે બેંકિંગ ક્ષેત્રે ગ્રાહકો સાથે થતી આવી ગેરરીતિઓ, ખોટી રીતે વસ્તુઓ વેચવી (Mis-selling) અને ડિજિટલ માધ્યમો દ્વારા થતી છેતરપિંડી રોકવા માટે ખૂબ જ કડક નિયમો બનાવ્યા છે.
હવે ‘સ્પષ્ટ સંમતિ’ (Explicit Consent) લેવી ફરજિયાત
RBI દ્વારા જાહેર કરવામાં આવેલા ‘Commercial Banks Responsible Business Conduct – Second Amendment Directions’ મુજબ, હવે કોઈપણ બેંક પોતાની અથવા ત્રીજા પક્ષની (Third-party) પ્રોડક્ટ કે સેવા વેચવા માટે તમારી લેખિત અથવા ડિજિટલ ‘સ્પષ્ટ સંમતિ’ લેવી પડશે.
આ સંમતિ કેવી રીતે લઈ શકાશે? બેંકે હવે નીચે મુજબની કોઈપણ એક રીત અપનાવવી પડશે:
-
ભૌતિક કે ઈલેક્ટ્રોનિક હસ્તાક્ષર (Signed Declaration).
-
OTP દ્વારા મળતી મંજૂરી.
-
ડિજિટલ રીતે રેકોર્ડ કરવામાં આવેલી ગ્રાહકની પુષ્ટિ.
-
કરારમાં અલગથી દર્શાવેલું સંમતિ ફોર્મ.
ઘણીવાર આપણે બેંકમાં એક જ ફોર્મ પર અનેક જગ્યાએ સહીઓ કરતા હોઈએ છીએ, જેમાં ઘણી સેવાઓ છુપાયેલી હોય છે. હવે RBI એ સ્પષ્ટ કર્યું છે કે જો એક જ ફોર્મમાં એકથી વધુ પ્રોડક્ટ કે સેવાઓ હોય, તો દરેક પ્રોડક્ટને અલગ-અલગ દર્શાવવી પડશે. ગ્રાહક પાસે સંપૂર્ણ સ્વતંત્રતા હશે કે તે કઈ સેવા લેવા માંગે છે અને કઈ નહીં. એટલું જ નહીં, બેંકે આ સંમતિના રેકોર્ડ્સ જ્યાં સુધી તમારી સેવા ચાલુ હોય તેના એક વર્ષ પછી સુધી સાચવી રાખવા પડશે.
‘ના’ કહેવાનો અધિકાર તમારો રહેશે
સૌથી મહત્વની વાત એ છે કે, હવે બેંકની કોઈપણ ડિજિટલ એપ કે વેબસાઈટ પર જ્યારે તમે કોઈ પ્રોડક્ટ માટે સંમતિ આપો, ત્યારે ડિફોલ્ટ વિકલ્પ ‘No’ અથવા ‘I do not agree’ (હું સહમત નથી) હોવો જોઈએ. એટલે કે, જ્યાં સુધી તમે સામે ચાલીને ‘હા’ ન કહો, ત્યાં સુધી બેંક કંઈ પણ વેચી શકશે નહીં. આ ઉપરાંત, જ્યાં સુધી તમે પ્રોડક્ટની તમામ શરતો વાંચી ન લો, ત્યાં સુધી સિસ્ટમ તમને આગળ વધવા દેશે નહીં. આ એક ખૂબ જ મહત્વનું પગલું છે, કારણ કે અત્યાર સુધી ઘણીવાર આપણે અજાણતા જ ‘Agree’ પર ક્લિક કરી દેતા હોઈએ છીએ.
પ્રોડક્ટ બંડલિંગ પર લગામ
ઘણી બેંકો પોતાની પ્રોડક્ટની સાથે કોઈ ત્રીજી કંપનીનો વીમો કે અન્ય પ્રોડક્ટ ફરજિયાતપણે જોડી દેતી હોય છે. હવે આ પ્રકારના ‘કમ્પલ્સરી બંડલિંગ’ પર રોક લગાવી દેવામાં આવી છે. જો કોઈ બેંક એમ કહે કે તમારે આ ત્રીજી કંપનીની સેવા લેવી જ પડશે, તો તેમણે ગ્રાહકને તેનો વિકલ્પ પણ આપવો પડશે. ગ્રાહકને પોતાની મરજીથી નિર્ણય લેવાની આઝાદી રહેશે.
‘ડાર્ક પેટર્ન્સ’ (Dark Patterns) નો અંત
તમે ક્યારેય જોયું છે કે કોઈ એપ પર અચાનક મેસેજ આવે કે “માત્ર ૧૦ મિનિટ બાકી છે, લોન મેળવો નહીં તો વ્યાજ દર વધી જશે!” આ એક પ્રકારની ‘ડાર્ક પેટર્ન’ છે, જેનો ઉપયોગ ગ્રાહકોને ડરાવીને કે ઉતાવળમાં ખોટો નિર્ણય લેવા મજબૂર કરવા માટે થાય છે.
RBI એ હવે બેંકો અને તેમના એજન્ટો (Direct Selling Agents) માટે સ્પષ્ટ સૂચના આપી છે કે તેઓ કોઈપણ એવી ડિજિટલ ડિઝાઇન કે યુઝર ઈન્ટરફેસનો ઉપયોગ નહીં કરી શકે જે ગ્રાહકને ગેરમાર્ગે દોરે. ખોટી ઉતાવળ કરાવવી, અછતનો ડર બતાવવો કે લોન લેવા માટે ખોટી લાલચ આપવી જેવી બાબતો પર હવે પ્રતિબંધ છે.
ગ્રાહકો માટે આ શું અર્થ રાખે છે?
ટૂંકમાં કહીએ તો, આ નિયમો ગ્રાહકોને બેંકિંગ વ્યવહારોમાં ‘રાજા’ બનાવવાનો પ્રયાસ છે. અત્યાર સુધી જે બેંકો ગ્રાહકોની અજ્ઞાનતાનો લાભ ઉઠાવતી હતી, હવે તેમને ગ્રાહકના સશક્તિકરણ માટે કામ કરવું પડશે. ૧ જાન્યુઆરી, ૨૦૨૭ થી બેંકિંગ સેવામાં પારદર્શિતા વધશે અને તમને ન જોઈતી સેવાઓ માટેના વધારાના ખર્ચમાંથી મુક્તિ મળશે.

