રૂ. 3 કરોડની જમીન 24 કરોડમાં ખરીદીને રામ મંદિરના ચંદાના પૈસા સગેવગે કરાયા: AAPનો આક્ષેપ
આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે રામ મંદિરમાં કથિત દાન ચોરી (ચંદા ચોરી) અને જમીન કૌભાંડના મુદ્દે કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. ગોવાની મુલાકાતે પહોંચેલા કેજરીવાલે એક પત્રકાર પરિષદમાં ગંભીર આરોપો લગાવતા પૂછ્યું કે, આખરે રામ મંદિરના શક્તિશાળી ચોરોને કોના ઈશારે બચાવવામાં આવી રહ્યા છે? તેમણે આ સમગ્ર મામલે ચાલી રહેલી તપાસ, ધરપકડ અને SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) ને માત્ર એક ‘નાટક’ અને જનતાની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ ગણાવ્યો છે.
૨૦૨૧થી શરૂ થયું મોટું કૌભાંડ: કેજરીવાલનો દાવો
અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે રામ મંદિરમાં પૈસાની હેરાફેરી નવી નથી. આ ચોરી ૨૦૨૧થી જ શરૂ થઈ ગઈ હતી, જ્યારે ત્યાં જમીનની ખરીદીમાં મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. દેશભરના કરોડો લોકોએ પોતાની આસ્થા સાથે મંદિર નિર્માણ માટે અબજો રૂપિયાનું દાન આપ્યું હતું, પરંતુ તે નાણાંને ખોટી રીતે ડાયવર્ટ (Siphon off) કરવામાં આવ્યા.

કેજરીવાલે આંકડાકીય પુરાવા રજૂ કરતા સવાલ કર્યા:
જે જમીનની કિંમત માત્ર ૩ કરોડ રૂપિયા હતી, તે મંદિર ટ્રસ્ટે ૨૪ કરોડ રૂપિયામાં કેમ ખરીદી?
૯ કરોડ રૂપિયાની જમીન ૫૫ કરોડમાં અને ૧૪ કરોડ રૂપિયાની જમીનો ૯૫ કરોડમાં કેમ ખરીદવામાં આવી?
આ તમામ દસ્તાવેજો પબ્લિક ડોમેનમાં હાજર છે, છતાં કોઈ નક્કર પગલાં કેમ ન લેવાયા?
૨૦૦ કિલો ચાંદીની ઈંટો અને ૨૦૦ કરોડ રોકડા ગાયબ!
ગોવાના લોકો અત્યંત ધાર્મિક હોવાનો ઉલ્લેખ કરતા કેજરીવાલે કહ્યું કે, જ્યારે રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું હતું ત્યારે ગોવાના સનાતનીઓએ દિલ ખોલીને દાન આપ્યું હતું. પરંતુ આજે જ્યારે ભ્રષ્ટાચાર અને ચોરીના સમાચાર સામે આવી રહ્યા છે, ત્યારે દરેક ભક્તનું હૃદય દુભાયું છે.
અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો કે, ભગવાન રામનો સોનાનો હાર, પાદુકા અને કિંમતી આભૂષણો ગાયબ થઈ ગયા છે. લોકોએ શ્રદ્ધાપૂર્વક જે હીરા-ઝવેરાત ચડાવ્યા હતા તે પણ ચોરાઈ ગયા છે. એટલું જ નહીં, કોઈએ દાનમાં આપેલી ૨૦૦ કિલો ચાંદીની ઈંટો, ચાંદીના દીવા અને અંદાજે ૨૦૦ કરોડ રૂપિયાની રોકડ રકમ પણ ગાયબ થઈ ગઈ છે. આ રોજ-રોજના ખુલાસાઓથી લોકોની આસ્થાને ભારે ઠેસ પહોંચી રહી છે.
કન્સ્ટ્રક્શનમાં ૪૦% કમિશન અને CCTV ફૂટેજ ડીલીટ કરવાનો આરોપ
કેજરીવાલે એન્જિનિયરોના નિવેદનોને ટાંકીને જણાવ્યું કે, મંદિર નિર્માણના દરેક ટેન્ડરમાં ૪૦ ટકા સુધીનું કમિશન લેવામાં આવ્યું છે. તેમણે સીસીટીવી (CCTV) ફૂટેજનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે, કેમેરાના ફૂટેજથી સાબિત થયું છે કે માત્ર ૪૦ દિવસમાં ૭૦ વખત ચોરી થઈ હોવાના પુરાવા મળ્યા છે. લોકો સીસીટીવીમાં ચોરી કરતા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. આ પાપ છુપાવવા માટે ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૮ મહિનાના સીસીટીવી ફૂટેજ જ ડિલીટ કરી દેવામાં આવ્યા છે. આ તો માત્ર નાની ઝાંખી છે, અંદર કેટલું મોટું કૌભાંડ છે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.
“વડાપ્રધાનને બધી ખબર હતી, ચંપત રાય તેમના ખાસ માણસ”
લોકોની એ વાતને કેજરીવાલે સંપૂર્ણપણે નકારી કાઢી કે વડાપ્રધાન મોદી આ કૌભાંડથી અજાણ હતા. કેજરીવાલે સીધો પ્રહાર કરતા કહ્યું:
“પીએમ મોદીએ પોતે આ રામ મંદિર ટ્રસ્ટ બનાવ્યું છે અને તેના એક-એક સભ્યની પસંદગી તેમણે પોતે કરી છે. ચંપત રાય વડાપ્રધાનના ખૂબ જ નજીકના વ્યક્તિ છે, જેમને મંદિરના સર્વેસર્વા (મુખ્ય વહીવટકર્તા) બનાવવામાં આવ્યા હતા. તેમની મંજૂરી વિના મંદિરમાં એક પાંદડું પણ હલી શકતું નથી. તો પછી આટલી મોટી ચોરી પીએમની જાણ બહાર કેવી રીતે થઈ શકે?”

જ્યારે મીડિયામાં ૨ કરોડની જમીન ૧૮ કરોડમાં વેચાઈ હોવાના અહેવાલો આવ્યા, ત્યારે પણ વડાપ્રધાને કેમ મૌન સાધ્યું? તેવો સવાલ તેમણે કર્યો હતો.
SIT ની તપાસ માત્ર દેખાવ: સંજય સિંહના પુરાવા ન સ્વીકાર્યા
આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ જ્યારે જમીન કૌભાંડના સત્તાવાર દસ્તાવેજો લઈને તપાસ સમિતિ (SIT) પાસે ગયા, ત્યારે એસઆઈટીએ એવું કહીને હાથ ઊંચા કરી દીધા કે જમીન કૌભાંડની તપાસ કરવી તેમની સત્તામાં (Power) આવતી નથી. કેજરીવાલે ગુસ્સો વ્યક્ત કરતા પૂછ્યું કે, જો તેઓ જમીન અને બાંધકામ કૌભાંડની તપાસ નથી કરી રહ્યા, તો પછી આ SIT શાના માટે બનાવવામાં આવી છે?
તેમણે ભૂતકાળની યાદ અપાવતા કહ્યું કે ૨૦૨૧માં પણ આવી જ એક એસઆઈટી બનાવવામાં આવી હતી, જે સમય જતાં ગાયબ થઈ ગઈ. ન તો કોઈ એફઆઈઆર થઈ, ન કોઈની ધરપકડ થઈ. હવે આ નવી એસઆઈટીને પણ ૧૫-૧૫ દિવસનું એક્સટેન્શન આપીને મામલો દબાવી દેવામાં આવશે, કારણ કે સરકાર જાણે છે કે જનતાની યાદશક્તિ ટૂંકી હોય છે.