₹1 કરોડ પાણીમાં? ચામઠણ તળાવના કામમાં ગંભીર બેદરકારી, જવાબદારો સામે કાર્યવાહીની માંગ

By
Dharmishtha R. Nayaka
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and...
3 Min Read

વિજયનગરના ચામઠણ ગામે તળાવના વિકાસ કામમાં મોટો ભ્રષ્ટાચાર? આશરે ₹૧ કરોડના કામમાં હલકી ગુણવત્તા સામે ગ્રામજનોમાં રોષ

વિજયનગર: સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ચામઠણ ગામમાં તળાવના વિકાસ માટે મંજૂર થયેલા અંદાજે ₹૧ કરોડના કામમાં વ્યાપક ગેરરીતિઓ આચરવામાં આવી રહી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. ગામના તળાવને નવું સ્વરૂપ આપવા માટે હાથ ધરવામાં આવેલી કામગીરીમાં હલકી કક્ષાની સામગ્રીના ઉપયોગને લઈને સ્થાનિક ગ્રામજનો અને આગેવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સરકારી નાણાંનો દુરુપયોગ કરી જોખમી કામગીરી કરાઈ રહી હોવાની ફરિયાદ ઉઠતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

તળાવના પેચિંગ કામમાં લોલમલોલ: ગુણવત્તાના સવાલો

સ્થાનિક ગ્રામજનોનો મુખ્ય આક્ષેપ છે કે, તળાવના વિકાસ કામમાં જે મજબૂત પથ્થરોનો ઉપયોગ કરવાનો હોય છે, તેના બદલે તળાવની પાછળના ભાગમાંથી જ નબળી ગુણવત્તાના અને કાચા પથ્થરો કાઢીને પેચિંગનું કામ ચલાવવામાં આવી રહ્યું છે. નિયમ મુજબ, બહારથી સારી ગુણવત્તાના મજબૂત પથ્થરો લાવવા જોઈએ, પરંતુ ખર્ચ ઘટાડવા અને વહીવટી તંત્રની આંખમાં ધૂળ નાખવા માટે સરકારી નિયમો નેવે મૂકીને ગેરરીતિ આચરવામાં આવી રહી છે. ગ્રામજનોનું કહેવું છે કે, જે કામગીરી થઈ રહી છે તે નરી આંખે જ નબળી જણાઈ આવે છે.

- Advertisement -

Vijayanagar1

સરપંચ અને ગ્રામજનો દ્વારા વિરોધ, અધિકારીઓને રજૂઆત

નબળી ગુણવત્તાની આ કામગીરીને લઈને ગામના સરપંચ, સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોએ આક્રમક વલણ અપનાવ્યું છે. વિરોધનો વંટોળ વધતા વિજયનગર તાલુકા પંચાયતના પ્રમુખે તાત્કાલિક સ્થળ પર પહોંચીને સમગ્ર કામગીરીની હકીકત જાણી હતી. સ્થાનિકોએ તેમને રૂબરૂ મળીને પુરાવા સાથે સમગ્ર મામલે તપાસ કરવાની માંગ કરી છે. આ મામલે ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરવામાં આવી છે, જેમાં તકનીકી તપાસ કરી જવાબદાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરાઈ છે.

પાંચ ગામો માટે સર્જાયો તળાવની પાળ તૂટવાનો ખતરો

સૌથી ગંભીર બાબત એ છે કે, જો આ કામગીરી આટલી નબળી રહેશે તો આગામી ચોમાસા દરમિયાન જ્યારે ભારે વરસાદ પડશે, ત્યારે તળાવની પાળ તૂટવાની પૂરેપૂરી સંભાવના છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, જો તળાવની પાળ તૂટશે તો માત્ર ચામઠણ જ નહીં, પરંતુ આસપાસના નળીયાવાડા, ઇટાવડી, ખેરવા અને ચિત્રોડી સહિત પાંચથી વધુ ગામોને ભારે નુકસાન થવાની ભીતિ છે. ખેતીલાયક જમીનો ધોવાઈ જવી અને પશુધન તેમજ મિલકતને નુકસાન થવાની ચિંતાએ ગ્રામજનોની ઊંઘ હરામ કરી દીધી છે.

- Advertisement -

Vijayanagar

મોટી દુર્ઘટના પહેલા તપાસની માંગ

કોઈ મોટી હોનારત કે દુર્ઘટના સર્જાય તે પહેલાં તંત્ર જાગૃત થાય તે અનિવાર્ય છે. ગ્રામજનોની એકમાત્ર માંગ છે કે, તટસ્થ એજન્સી દ્વારા તકનીકી તપાસ હાથ ધરવામાં આવે અને કામગીરીની ગુણવત્તા ચકાસવામાં આવે. સરકારી તિજોરીના નાણાંનો સદુપયોગ થાય અને જે વિકાસના કામો લોકોની સુવિધા માટે કરવામાં આવે છે, તે સુરક્ષિત અને ટકાઉ હોય તે જોવાની જવાબદારી જે-તે વિભાગના અધિકારીઓની છે. હવે જોવાનું એ રહ્યું કે, તંત્ર આ મામલે કેટલી ઝડપથી અને કેવા પ્રકારની કાર્યવાહી કરે છે.

Share This Article
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and current affairs, she delivers news and stories that are both informative and relatable for the Gujarati-speaking audience. Dharmishtha is committed to factual reporting, clear storytelling, and making important news accessible in the mother tongue. Her work reflects a deep sense of responsibility and connection with the readers. Stay connected with Dharmishtha for trusted and timely updates — in Gujarati, for Gujarat.