રોજ સવારે જીમ જાઓ છો તો પણ સાવધાન! કલાકો સુધી બેઠા રહેવાથી શરીરમાં પાંગરી રહ્યું છે આ જીવલેણ કેન્સર!
આજના આધુનિક યુગમાં આપણી જીવનશૈલી સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. ઓફિસમાં કલાકો સુધી ડેસ્ક પર બેસીને કામ કરવું, ઘરે આવીને સોફા પર બેસી ટીવી પર વેબ સિરીઝ જોવી કે પછી કલાકો સુધી મોબાઈલ સ્ક્રીન સ્ક્રોલ કરવી — આ બધું હવે આપણી રોજિંદી આદત બની ગયું છે. પરંતુ શું તમે જાણો છો કે આ આદત તમને માત્ર આળસુ જ નથી બનાવી રહી, પણ તમારા શરીરમાં એક જીવલેણ બીમારીનું બીજ પણ વાવી રહી છે?
તાજેતરના તબીબી સંશોધનો (Medical Research) ચેતવણી આપી રહ્યા છે કે લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસી રહેવું એ કોલોન કેન્સર (મોટા આંતરડાનું કેન્સર) માટેનું એક મુખ્ય અને સ્વતંત્ર કારણ બની શકે છે. ચોંકાવનારી વાત એ છે કે, જે લોકો રોજ કસરત કરે છે પરંતુ બાકીનો આખો દિવસ બેસી રહે છે, તેમના પર પણ આ જોખમ તોળાઈ રહ્યું છે.

કોલોન કેન્સર શું છે અને તે કેટલું ઘાતક છે?
કોલોન કેન્સરની શરૂઆત આપણા પાચનતંત્રના અંતિમ ભાગ એટલે કે મોટા આંતરડા (Large Intestine) માં થાય છે. સામાન્ય રીતે, આંતરડાની અંદરની દીવાલ પર પહેલા નાના અને બિન-કેન્સરીય (Benign) ગાંઠ જેવા મસા થાય છે, જેને તબીબી ભાષામાં પોલિપ્સ (Polyps) કહેવામાં આવે છે. જો સમયસર તેની ખબર ન પડે, તો વર્ષો જતાં આ પોલિપ્સ કેન્સરમાં ફેરવાઈ જાય છે. વૈશ્વિક આંકડાઓ અનુસાર, કોલોન કેન્સર વિશ્વમાં ત્રીજું સૌથી સામાન્ય કેન્સર છે અને કેન્સરના કારણે થતા મૃત્યુમાં તે બીજા ક્રમે આવે છે.
શું કહે છે સંશોધનના ચોંકાવનારા આંકડા?
બ્રિટનની વિખ્યાત ‘યુકે બાયોબેંક’ (UK Biobank) દ્વારા ૯૧,૨૯૨ લોકો પર એક મોટો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસના પરિણામો આંખો ખોલી નાખે તેવા છે:
-
૨૪% વધુ જોખમ: જે લોકો દિવસનો મોટાભાગનો સમય બેસીને વિતાવે છે, તેમનામાં સક્રિય લોકોની સરખામણીએ કોલોન કેન્સર થવાનું જોખમ ૨૪ ટકા વધુ જોવા મળ્યું હતું.
-
મૃત્યુદરમાં વધારો: લાંબા સમય સુધી સતત બેસી રહેવાના દરેક એક વધારાના કલાક સાથે, કેન્સરથી થતા મૃત્યુનું જોખમ ૧૦ ટકા વધી જાય છે.
-
હલનચલનનો ફાયદો: જો તમે લાંબા સમય સુધી બેસવાની વચ્ચે નાનો બ્રેક લઈને થોડું હલનચલન કરો છો, તો કેન્સરથી થતા મૃત્યુના જોખમમાં ૧૯ ટકાનો ઘટાડો થઈ શકે છે.
આ સિવાય અન્ય અભ્યાસો દર્શાવે છે કે વધુ પડતું ટીવી જોવાની આદત કોલોન કેન્સરનું જોખમ ૫૪ ટકા સુધી વધારી દે છે. જ્યારે ઓફિસમાં સતત બેસીને કામ કરવાથી કોલોન કેન્સરનું જોખમ ૨૪ ટકા અને રેક્ટલ (મળાશય) કેન્સરનું જોખમ ૭ ટકા વધે છે. જો તમે તમારી દિનચર્યામાં રોજ બેસવાનો સમય માત્ર ૨ કલાક પણ વધારો છો, તો કેન્સરનું જોખમ અંદાજે ૩ ટકા વધી જાય છે.
વધારે બેસવાથી કેન્સર કેમ થાય છે? વૈજ્ઞાનિક કારણો
જ્યારે આપણું શરીર લાંબા સમય સુધી નિષ્ક્રિય રહે છે, ત્યારે તેની અંદર ઘણી નકારાત્મક જૈવિક પ્રક્રિયાઓ શરૂ થાય છે. વૈજ્ઞાનિકોના મતે, આ પાછળનું મુખ્ય કારણ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ (Insulin Resistance) અને હાઇપરઇન્સ્યુલિનિઝમ છે.
જ્યારે આપણે હલનચલન બંધ કરીએ છીએ, ત્યારે શરીર સ્નાયુઓમાં ગ્લુકોઝ વાપરવાનું ઓછું કરી દે છે, જેના કારણે લોહીમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ બહુ વધી જાય છે. ઇન્સ્યુલિનનું ઊંચું સ્તર આંતરડામાં અસાધારણ કોષો (Abnormal Cells) ના વિકાસને ઉત્તેજન આપે છે, જે આગળ જતાં કેન્સરની ગાંઠ બને છે. આ સિવાય શારીરિક નિષ્ક્રિયતાના કારણે:
૧. મેટાબોલિઝમ (પાચન ક્રિયા) ધીમું પડી જાય છે.
૨. શરીરમાં ક્રોનિક ઇન્ફ્લેમેશન (આંતરિક સોજો) વધે છે.
૩. વજન વધે છે અને સ્થૂળતા (Obesity) આવે છે, જે પોતે કેન્સરનું કારણ છે.
૪. રક્ત પરિભ્રમણ (Blood Circulation) નબળું પડે છે.
૫. હોર્મોન્સનું સંતુલન બગડે છે.

શું માત્ર સવારની કસરત આ જોખમ નાબૂદ કરી શકે?
આપણને એવું વહેમ હોય છે કે “હું સવારે એક કલાક જીમમાં પરસેવો પાડી લઉં છું, એટલે આખો દિવસ ઓફિસમાં ખુરશી પર બેસી રહું તો કંઈ વાંધો નહીં આવે.” પરંતુ નિષ્ણાતો કહે છે કે આ ધારણા બિલકુલ ખોટી છે.
સેડેન્ટરી લાઈફસ્ટાઈલ (બેઠાડુ જીવન) એ એક સ્વતંત્ર જોખમ પરિબળ છે. તેનો અર્થ એ કે સવારે કે સાંજે કસરત કરવા છતાં, જો તમે દિવસના બાકીના ૮ થી ૧૦ કલાક સળંગ બેસી રહો છો, તો કસરતનો ફાયદો નહિવત થઈ જાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દર અઠવાડિયે ૧૫૦ મિનિટની મધ્યમ કસરતની ભલામણ કરે છે, પરંતુ તેની સાથે-સાથે ‘બેસવાનો સમય ઘટાડવો’ પણ એટલો જ અનિવાર્ય છે. શોર્ટમાં કહીએ તો: “કસરત વધુ કરો, પણ બેસવાનું ઓછું કરો.”
કોલોન કેન્સરથી બચવાના સરળ ઉપાયો
જો તમારું કામ જ ડેસ્ક જોબ છે, તો તમે નોકરી તો છોડી શકવાના નથી. પરંતુ તમારી નાની-નાની આદતો બદલીને તમે આ જોખમને ઘણું ઓછું કરી શકો છો:
-
દર અડધા કલાકે ઉભા થાઓ: દર ૩૦ થી ૬૦ મિનિટે તમારી ખુરશીમાંથી ઉભા થાઓ અને ૨ થી ૫ મિનિટ માટે નાની વોક લો અથવા શરીરને સ્ટ્રેચ કરો.
-
ફોન પર વાત કરતાં ચાલવું: જ્યારે પણ ઓફિસમાં કે ઘરે કોઈનો ફોન આવે, ત્યારે બેસી રહેવાને બદલે ઉભા થઈને ચાલતા ચાલતા વાત કરવાની આદત પાડો.
-
સ્ટેન્ડિંગ ડેસ્કનો ઉપયોગ: જો શક્ય હોય તો ઓફિસમાં એવા ડેસ્કનો ઉપયોગ કરો જેને જરૂર પડ્યે ઊંચું કરી શકાય, જેથી થોડો સમય ઉભા રહીને પણ કામ થઈ શકે.
-
ટીવી બ્રેકનો સદુપયોગ: ટીવી જોતી વખતે આવતી જાહેરાતો (Ads) ના સમયમાં સોફા પર પડ્યા રહેવાને બદલે ઘરમાં જ આંટા મારો.
આહાર અને સ્ક્રીનિંગ: બચાવનું અભેદ કવચ
માત્ર હલનચલન જ નહીં, પણ તમારો ખોરાક પણ આમાં મહત્વનો ભાગ ભજવે છે. હાર્વર્ડ હેલ્થના અહેવાલ મુજબ, તમારા આહારમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર (રેસાવાળા પદાર્થો) હોવા જોઈએ. આ માટે આખા અનાજ, તાજા ફળો, લીલા શાકભાજી, કઠોળ અને પાંદડાવાળા શાકભાજી ખાઓ. આ ઉપરાંત, રેડ મીટ (લાલ માસ) અને પ્રોસેસ્ડ ફૂડ ખાવાનું ટાળો, વજન નિયંત્રણમાં રાખો, ધૂમ્રપાનથી દૂર રહો અને દારૂનું સેવન બંધ કરો.
સૌથી મહત્વની વાત — સ્ક્રીનિંગ (તબીબી તપાસ) ક્યારેય ન ટાળો: જીવનશૈલીમાં ફેરફાર ઉપરાંત, સમયસરની તપાસ એ જ આ કેન્સર સામેનું સૌથી મોટું હથિયાર છે. કોલોનોસ્કોપી (Colonoscopy) જેવી ટેસ્ટ દ્વારા આંતરડામાં કેન્સર બને તે પહેલાં જ પોલિપ્સને શોધીને તેને શરીરમાંથી બહાર કાઢી શકાય છે. એટલે કે, આ એક એવું કેન્સર છે જેને નિયમિત તપાસ દ્વારા થતું જ અટકાવી શકાય છે. જે લોકોના પરિવારમાં અગાઉ કોઈને કોલોન કેન્સર થયું હોય અથવા આંતરડાની અન્ય ગંભીર બીમારી (IBD) હોય, તેમણે ડોક્ટરની સલાહ મુજબ વહેલી ઉંમરે જ સ્ક્રીનિંગ કરાવવું જોઈએ.