સુપ્રીમ લીડર ખામેનીના અવસાન પછી ઈરાન કોના ઈશારે લડી રહ્યું છે યુદ્ધ? સામે આવ્યા આ ૩ શક્તિશાળી નામ
મધ્ય પૂર્વમાં પરિસ્થિતિ હવે નિયંત્રણ બહાર જઈ રહી છે અને મહાસત્તા અમેરિકા તેમજ ઈરાન વચ્ચે સત્તાવાર રીતે યુદ્ધ ફાટી નીકળ્યું છે. અમેરિકી વાયુસેના અને નૌકાસેનાએ ઈરાનના સૈન્ય સ્થાપનો પર સખત બોમ્બમારો અને ઘાતક મિસાઈલો છોડવાનું શરૂ કરી દીધું છે. પરંતુ આ ભયાનક તબાહી વચ્ચે પણ વૈશ્વિક નિષ્ણાતોને જે બાબત સૌથી વધુ ચોંકાવી રહી છે, તે છે ઈરાનનો અભૂતપૂર્વ પ્રતિકાર. ઈરાનના સર્વોચ્ચ નેતા (Suprem Leader) આયાતુલ્લાહ અલી ખામેનીના અવસાન બાદ આખો દેશ વેરવિખેર થઈ જશે તેવી પશ્ચિમી દેશોની ગણતરીઓ ઊંધી પડી છે. આ કપરા સમયમાં ઈરાનની લગામ કોઈ એક વ્યક્તિના હાથમાં નથી, પરંતુ એક અત્યંત શક્તિશાળી સંયુક્ત પરિષદ આખા દેશને ગાઈડ કરી રહી છે. આવો સમજીએ કે સુપરપાવર અમેરિકા સામે ઝૂકવાનો ઇનકાર કરનારા આ આક્રમક નેતૃત્વમાં કોનો કોનો સમાવેશ થાય છે.
અમેરિકાના પ્રચંડ હુમલા અને ઈરાનનો વળતો જવાબ
છેલ્લા માત્ર ૪૮ કલાકમાં યુએસ આર્મીએ ઈરાનના અલગ-અલગ ૧૭૦ થી વધુ લશ્કરી અડ્ડાઓ પર શ્રેણીબદ્ધ ક્રૂઝ મિસાઈલો અને સ્યુસાઈડ ડ્રોન વડે ભયાનક હુમલા કર્યા છે. આ ઓપરેશનમાં ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમ, લોન્ચિંગ પેડ્સ, મિસાઈલ ડેપો અને હોર્મુઝ સ્ટ્રેટમાં તૈનાત લશ્કરી સ્પીડબોટ્સને મોટું નુકસાન થયું હોવાના અહેવાલો છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા યુદ્ધવિરામ સત્તાવાર રીતે સમાપ્ત કરવાની જાહેરાત બાદ અમેરિકા વધુ આક્રમક બન્યું છે. જોકે, આ ભયંકર વિનાશ છતાં ઈરાનની સેના સહેજ પણ ડરી નથી અને તે અમેરિકન નૌકાદળ પર મિસાઈલો છોડીને પૂરી તાકાતથી વળતો જવાબ આપી રહી છે.

સત્તાનું નવું કેન્દ્ર: ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના જનરલો
આયાતુલ્લાહ ખામેનીના ગયા પછી ઈરાનની યુદ્ધ વ્યૂહરચના, વળતા હુમલા અને તમામ પ્રકારના લશ્કરી નિર્ણયો લેવાની સર્વોચ્ચ સત્તા હવે દેશની ભદ્ર સેના એટલે કે ‘ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ’ (IRGC) ના ટોચના જનરલો પાસે આવી ગઈ છે. રાષ્ટ્રીય સુરક્ષાના મામલે આ કમાન્ડરો જ સર્વસર્વા છે. IRGC ના જનરલોએ વ્હાઇટ હાઉસને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો અમેરિકાએ વ્યૂહાત્મક રીતે અતિ મહત્વપૂર્ણ એવા હોર્મુઝ સ્ટ્રેટ (સમુદ્ર ધુની) માં દખલગીરી ચાલુ રાખી, તો આ આંતરરાષ્ટ્રીય જળમાર્ગ પરથી થતો વૈશ્વિક વેપાર સંપૂર્ણપણે ઠપ કરી દેવામાં આવશે. આ સમુદ્રી માર્ગ બંધ થવાથી આખી દુનિયાને અબજો ડોલરનું આર્થિક નુકસાન વેઠવું પડશે, જેની જવાબદારી અમેરિકાની રહેશે.
રાજકીય મોરચે કડક વલણ: સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાકિર ગાલિબાફ
ઈરાનની આ આંતરિક શક્તિશાળી ત્રિપુટીનું બીજું સૌથી મોટું નામ છે મોહમ્મદ બાકિર ગાલિબાફ (Mohammad Baqer Qalibaf), જેઓ હાલમાં ઈરાનની સંસદ (મજલિસ) ના અધ્યક્ષ છે. ગાલિબાફ ભૂતકાળમાં પોતે લશ્કરી કમાન્ડર રહી ચૂક્યા છે, તેથી તેમનું વલણ અમેરિકા પ્રત્યે કાયમ અત્યંત કડક રહ્યું છે. તેમણે ઈરાની સંસદ મારફતે આંતરરાષ્ટ્રીય સમુદાયને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, યુએસ ધાકધમકી અને લશ્કરી દબાણના જોરે શરણાગતિ સ્વીકારાવવાનો જૂનો યુગ હવે પૂરો થઈ ગયો છે. ગાલિબાફે એલાન કર્યું છે કે જ્યાં સુધી અમેરિકન દળો મધ્ય પૂર્વમાંથી સંપૂર્ણપણે પાછા નહીં હટે, ત્યાં સુધી ઈરાન આ લાદવામાં આવેલા યુદ્ધ સામે પોતાનો પ્રતિકાર અને સંઘર્ષ ચાલુ રાખશે.

આંતરિક વ્યવસ્થાના રક્ષક: રાષ્ટ્રપતિ મસૂદ પેઝિશ્કિઆન
યુદ્ધના આ ભયાનક માહોલ વચ્ચે દેશની અંદર સિવિલ વ્યવસ્થા ખોરવાય નહીં તે જોવાની સૌથી મોટી અને પડકારજનક જવાબદારી ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝિશ્કિઆન (Masoud Pezeshkian) ની છે. પેઝિશ્કિઆન અને તેમનું મંત્રીમંડળ અત્યારે દેશની આંતરિક આર્થિક સ્થિતિ અને કટોકટી પ્રબંધન પર રાત-દિવસ કામ કરી રહ્યું છે. અમેરિકી પ્રતિબંધો અને બોમ્બમારા વચ્ચે પણ ઈરાનની સામાન્ય જનતાને અનાજ, પીવાનું પાણી, ઇંધણ (ફ્યુઅલ) અને ઇમરજન્સી મેડિકલ સેવાઓ સતત મળતી રહે તે માટે રાષ્ટ્રપતિ કમાન્ડ સંભાળી રહ્યા છે. ઈરાનનું આ નવું નેતૃત્વ લશ્કરી, રાજકીય અને વહીવટી એમ ત્રણેય મોરચે એક થઈને અમેરિકા અને ઈઝરાયેલ સામે લડવા માટે કટિબદ્ધ દેખાઈ રહ્યું છે.