નોકરીઓ છીનવાઈ જવાનો ગુસ્સો હિંસામાં બદલાયો? એઆઈ સેક્ટરના ટોચના સીઈઓ (CEOs) ની સુરક્ષા થઈ સખત
છેલ્લા થોડા વર્ષોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો વ્યાપ અભૂતપૂર્વ રીતે વધ્યો છે. પરંતુ, માનવ જીવનને સરળ બનાવનારી આ ટેકનોલોજી હવે તેના સર્જકો માટે જ મુસીબત બની રહી છે. એઆઈના કારણે પોતાની આજીવિકા ગુમાવવાનો ભય અને વધતા સામાજિક પરિવર્તનો સામે લોકોનો રોષ હવે ચરમસીમા પર પહોંચ્યો છે. ‘ધ વોલ સ્ટ્રીટ જર્નલ’ ના તાજેતરના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે વિશ્વની ટોચની ટેક કંપનીઓના સત્તાધીશોને નિશાન બનાવવાની ઘટનાઓ ખૂબ વધી ગઈ છે. સાયબર થ્રેટ ઇન્ટેલિજન્સ કંપની ‘લાઇફરાફ્ટ’ (Liferaft) ના અહેવાલ મુજબ, ફેબ્રુઆરીથી મે મહિનાના ટૂંકા ગાળામાં જ એઆઈ કંપનીના અધિકારીઓ અને ડેટા સેન્ટરોને ટાર્ગેટ કરતી ઓનલાઇન ધમકીઓમાં અંદાજે સાત ગણો વધારો નોંધાયો છે.
ઓપનએઆઈ અને એન્થ્રોપિકની ઓફિસો પર હુમલાની કોશિશ
આ ચિંતા માત્ર ઓનલાઇન ધમકીઓ પૂરતી મર્યાદિત નથી, પરંતુ હવે તે વાસ્તવિક જીવનમાં હિંસક સ્વરૂપ લઈ રહી છે. ૧૫ એપ્રિલના રોજ એન્થ્રોપિક (Anthropic) કંપનીના સેન ફ્રાન્સિસ્કો સ્થિત હેડક્વાર્ટરમાં એક અજાણ્યો શખ્સ સુરક્ષા તોડીને અંદર ઘૂસી ગયો હતો અને ગાર્ડને ધમકી આપી હતી કે કંપનીના એક વરિષ્ઠ એક્ઝિક્યુટિવની હત્યા થવાની છે. આ ઘટના ઓપનએઆઈ (OpenAI) ના સીઈઓ સેમ ઓલ્ટમેનના ઘર પર કથિત હુમલા અને આગ લગાડવાના પ્રયાસના ગણતરીના દિવસો બાદ જ બની હતી, જેના લીધે સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે.
રિપોર્ટમાં અન્ય એક ચોંકાવનારો કિસ્સો પણ બહાર આવ્યો છે, જેમાં એક વ્યક્તિએ નકલી ડોક્યુમેન્ટ્સના આધારે કંપનીમાં નોકરી માટે અરજી કરી હતી અને બાદમાં કર્મચારીઓના માસૂમ બાળકોને નુકસાન પહોંચાડવાની ધમકી આપી હતી. આ ઉપરાંત, જૂન મહિનામાં કસ્ટમર સપોર્ટ સાથે કનેક્ટ ન થઈ શકવાને કારણે ગુસ્સે ભરાયેલા એક ગ્રાહકે બંદૂક લઈને કંપનીની ઓફિસે ધસી જવાની પણ ચીમકી આપી હતી.

સુરક્ષા બજેટમાં કંપનીઓ દ્વારા ધરખમ વધારો
આ પ્રકારના સતત વધી રહેલા જોખમોને કારણે અગ્રણી ટેક કંપનીઓ પોતાના અધિકારીઓ અને ઓફિસ પરિસરની સુરક્ષા માટે અઢળક નાણાં ખર્ચી રહી છે. ‘ઇક્વિલર’ નામની સંસ્થાના વિશ્લેષણ મુજબ, વર્ષ ૨૦૨૫ માં એસએન્ડપી ૫૦૦ (S&P 500) યાદીમાં સામેલ ૩૮.૧ ટકા કંપનીઓએ એક્ઝિક્યુટિવ સુરક્ષા ખર્ચની સત્તાવાર જાહેરાત કરી છે, જે વર્ષ ૨૦૨૧ માં માત્ર ૨૬.૮ ટકા હતી. પેલાન્ટિર (Palantir), ઓરેકલ અને સેલ્સફોર્સ જેવી જાયન્ટ કંપનીઓએ પણ પોતાના મુખ્ય અધિકારીઓ પાછળ સુરક્ષા બંદોબસ્ત અત્યંત ચુસ્ત કરી દીધો છે. આ સુરક્ષામાં ૨૪ કલાક બોડીગાર્ડ્સની સુવિધા, બુલેટપ્રૂફ વાહનો અને ઘરની સિક્યોરિટી સિસ્ટમ અપગ્રેડ કરવાનો સમાવેશ થાય છે.
લોકોના આ ભયંકર ક્રોધ અને નફરત પાછળનું અસલી કારણ શું?
ટેકનોલોજી તરફ વધી રહેલી આ ધૃણા પાછળ મુખ્યત્વે રોજગારીની અસુરક્ષિતતા જવાબદાર છે. મશીનો જ્યારે માણસનું સ્થાન લેવા માંડે છે, ત્યારે મધ્યમ વર્ગમાં ભારે આર્થિક અસ્થિરતા સર્જાય છે. ‘ક્વિનીપિયાક યુનિવર્સિટી’ દ્વારા તાજેતરમાં કરાયેલા એક જાહેર સર્વેક્ષણ મુજબ, લગભગ ૫૫ ટકા અમેરિકન નાગરિકો દ્રઢપણે માને છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સમાજને ફાયદા કરતાં વધુ નુકસાન પહોંચાડી રહી છે.

આ ગંભીર પરિસ્થિતિ પર પોતાના વિચારો રજૂ કરતા પેલાન્ટિરના સીઈઓ એલેક્સ કાર્પે ખુલ્લેઆમ સ્વીકાર્યું હતું કે, જ્યારે પણ સામાન્ય લોકોને એવો આભાસ થાય છે કે તેમની વર્ષો જૂની નોકરીઓ અને આજીવિકા કાયમ માટે ખતમ થવાના આરે છે, ત્યારે સમાજમાં આવો આક્રોશ ફાટી નીકળવો બિલકુલ સ્વાભાવિક છે. ટેક કંપનીઓએ હવે માત્ર ટેકનોલોજીના વિકાસ પાછળ જ નહીં, પરંતુ તેનાથી સમાજ પર પડતી નકારાત્મક અસરોને ડામવા અને પોતાના માનવ સંસાધનોનું રક્ષણ કરવા માટે પણ ગંભીરતાથી વિચારવું પડશે.