સોનમ વાંગચુકના હોસ્પિટલ ટ્રાન્સફરની અરજી હાઈકોર્ટે ફગાવી: પત્નીનો ગંભીર આરોપ “આ તબીબી સંભાળ નથી, ગેરકાયદેસર અટકાયત છે”
દિલ્હી હાઈકોર્ટે રવિવારે એક મહત્વપૂર્ણ સુનાવણી દરમિયાન સામાજિક કાર્યકર સોનમ વાંગચુકને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાંથી ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની વિનંતીને નકારી કાઢી છે. વાંગચુકના પત્ની ગીતાંજલિ જે અંગ્મો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતા કોર્ટે જણાવ્યું કે હાલ તેમને અન્યત્ર ખસેડવાની કોઈ તાત્કાલિક જરૂર જણાતી નથી. આ સાથે જ અદાલતે સરકાર પાસે વાંગચુકના સ્વાસ્થ્ય અંગે ત્રણ દિવસમાં ‘સ્ટેટસ રિપોર્ટ’ માંગ્યો છે અને આગામી સુનાવણી ૨૪ જુલાઈના રોજ નક્કી કરી છે.
સુનાવણી દરમિયાન જસ્ટિસ મીની પુષ્કર્ણાએ નોંધ્યું હતું કે, “વાંગચુક કોઈ અટકાયતમાં નથી. તેમના પત્ની, ભાઈ અને સાળાને હોસ્પિટલમાં પ્રવેશ આપવામાં આવ્યો છે અને તેમના માટે અલગ રૂમની વ્યવસ્થા પણ કરાઈ છે.” કોર્ટે ઉમેર્યું કે ‘દરેક જીવન કિંમતી છે’ અને સરકારનો આ નિર્ણય તબીબી સ્થિતિને ધ્યાનમાં રાખીને લેવાયો હોવાથી તેને મનસ્વી ગણી શકાય નહીં.

પત્ની અંગ્મોનો આક્રોશ: “૧૦૦થી વધુ પોલીસ તૈનાત, અમને હોસ્પિટલ પર ભરોસો નથી”
બીજી તરફ, સોનમ વાંગચુકના પત્ની ગીતાંજલિ જે અંગ્મોએ સિસ્ટમ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે કોર્ટમાં રજૂ કરેલી અરજી અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર કરેલી પોસ્ટમાં આક્રોશ ઠાલવતા કહ્યું:
“અમારા ફ્લોર પર ૩૦ અને આખી હોસ્પિટલમાં ૧૦૦થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત છે. અમારી હિલચાલ પર ભારે પ્રતિબંધો છે. આ કોઈ તબીબી સંભાળ નથી, પરંતુ એક ગેરકાયદેસર અટકાયત છે. કોઈ પણ પરિવારે પોતાના પ્રિયજનને કઈ હોસ્પિટલમાં સારવાર આપવી તે પસંદ કરવા માટે સિસ્ટમ સામે આટલી લડત આપવી ન જોઈએ.”
અંગ્મોએ આક્ષેપ કર્યો છે કે સરકારી હોસ્પિટલના સત્તાધીશો તેમને માત્ર ‘પસંદગીની માહિતી’ જ આપી રહ્યા છે અને વાંગચુકના હેલ્થ રિપોર્ટ્સ સંપૂર્ણપણે અપારદર્શક રાખવામાં આવ્યા છે. તેમણે સરકારી હોસ્પિટલ પરથી પોતાનો વિશ્વાસ ગુમાવ્યો હોવાનું કહીને વાંગચુકને તેમની પસંદગીની ખાનગી હોસ્પિટલમાં શિફ્ટ કરવાની માંગ કરી હતી.
૨૧ દિવસથી ભૂખ હડતાળ પર છે વાંગચુક: કપિલ સિબ્બલની દલીલો
જાણીતા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે વાંગચુક વતી કોર્ટમાં ધારદાર દલીલો કરી હતી. તેમણે કહ્યું, “વાંગચુક સામે કોઈ ગુનાહિત કેસ નથી, તેઓ કોઈ કસ્ટડીમાં નથી. તો શું ભારતનો એક મુક્ત નાગરિક એવું ન કહી શકે કે મારે મારી પસંદગીની હોસ્પિટલમાં સારવાર લેવી છે? હોસ્પિટલ વહીવટીતંત્ર તેમના અંગત ડોકટરો કે વકીલોને અંદર જવા દેતું નથી. તેમને કઈ દવાઓ આપવામાં આવી રહી છે તેની કોઈને ખબર નથી.”
નોંધનીય છે કે, સોનમ વાંગચુક NEET મેડિકલ પ્રવેશ પરીક્ષામાં થયેલી કથિત અનિયમિતતાઓ અને અન્ય મુદ્દાઓ પર શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) ના વિરોધ પ્રદર્શનના સમર્થનમાં ૨૮ જૂનથી અનિશ્ચિત મુદ્દતના ઉપવાસ પર ઉતર્યા છે. શનિવારે તેમની ભૂખ હડતાળના ૨૧મા દિવસે દિલ્હી પોલીસે જંતર-મંતર વિરોધ સ્થળ પરથી તેમને બળજબરીથી સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.
સરકાર પક્ષની દલીલ: “જીવનું જોખમ હતું, AIIMSમાં ખસેડવા તૈયાર”
સરકાર તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ (ASG) ચેતન શર્માએ કોર્ટને જણાવ્યું કે, આ ગરમ હવામાનમાં ૧૮થી વધુ દિવસો સુધી અન્નનો ત્યાગ કરવાને કારણે વાંગચુકના શરીરમાં ‘કીટોસિસ’ નામનું સિન્ડ્રોમ થઈ રહ્યું હતું. આ સ્થિતિ શરીરમાં પોટેશિયમનું સ્તર ઘટાડીને ‘હાયપોકેલેમિયા’ તરફ દોરી જાય છે, જે જીવલેણ આઘાત (Shock) નું કારણ બની શકે છે.

સરકારી પક્ષે દલીલ કરી કે વાંગચુકના જીવના જોખમને જોતા જ હાઈકોર્ટના અગાઉના આદેશ મુજબ આ પગલું લેવાયું હતું. કેન્દ્રના વકીલે ટિપ્પણી કરી કે, “તેમણે દેશના અન્ય નાગરિકોની જેમ સરકારી ડોકટરો પર ભરોસો રાખવો જોઈએ. જો તેઓ ઈચ્છે તો અમે તેમને દેશની પ્રીમિયર હોસ્પિટલ AIIMS (એઈમ્સ) માં ખસેડવા તૈયાર છીએ, જ્યાં ભારતના રાષ્ટ્રપતિ પણ સારવાર લે છે.” હોસ્પિટલના ડોકટરોએ કોર્ટને જણાવ્યું કે વાંગચુકને ઓરલ ફ્લુઈડ્સ (ORS) અને પોટેશિયમ આપવામાં આવ્યું છે, પરંતુ તેમણે ગ્લુકોઝની બોટલ (IV ફ્લુઈડ્સ) ચડાવવાની ના પાડી દીધી છે.
મેડિકલ રિપોર્ટમાં ગરબડનો આક્ષેપ
અરજીમાં એક ચોંકાવનારો દાવો એ પણ કરાયો છે કે સફદરજંગ હોસ્પિટલના રિપોર્ટ અને પરિવારે બહારથી કરાવેલા સ્વતંત્ર પરીક્ષણમાં ભારે વિસંગતતા છે. સરકારી બુલેટિનમાં પોટેશિયમનું સ્તર ૨.૯ મિલિગ્રામ બતાવીને કટોકટી ઊભી કરાઈ હતી, જ્યારે પરિવારે મેળવેલા લોહીના નમૂનાના સ્વતંત્ર ટેસ્ટમાં પોટેશિયમ સ્તર ૩.૬ મિલિગ્રામ આવ્યું હતું, જે સામાન્યની નજીક છે. અંગ્મોએ આક્ષેપ કર્યો છે કે સફદરજંગ હોસ્પિટલે જાણી જોઈને જાહેર હેલ્થ બુલેટિનમાંથી વાસ્તવિક આંકડા છુપાવ્યા છે જેથી વાંગચુકને હોસ્પિટલમાં કેદ રાખી શકાય.