રૂ. 14.90 કરોડનો હુકમ: નશાની લતમાંથી મુક્તિ મેળવવા હવે અમદાવાદ-સુરત ભાગવું નહીં પડે!
ગુજરાત સરકારે રાજ્યમાંથી નશાના દૂષણને ઉખાડી ફેંકવા અને વ્યસનથી પીડાતા લોકોને ફરીથી મુખ્યધારામાં લાવવા માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને સંવેદનશીલ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યની તમામ ૩૪ જિલ્લા હોસ્પિટલોમાં ૧૫-૧૫ બેડની ક્ષમતા ધરાવતા ‘ડી-એડિક્શન સેન્ટર્સ’ (નશામુક્તિ કેન્દ્રો) શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
આ યોજનાના સફળ અમલીકરણ માટે નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે રૂ. ૧૪.૯૦ કરોડના ખર્ચને વહીવટી મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી રાજ્યના અંતરિયાળ અને ગ્રામીણ વિસ્તારોના લોકોને પોતાના જ જિલ્લામાં આધુનિક અને વૈજ્ઞાનિક રીતે નશામુક્તિની સારવાર મળી રહેશે.

સ્થાનિક સ્તરે જ સારવાર: મોટા શહેરો પર નિર્ભરતા ઘટશે
અત્યાર સુધી રાજ્યમાં નશાની લતથી પીડાતા દર્દીઓ અને તેમના પરિવારો માટે સૌથી મોટી સમસ્યા એ હતી કે યોગ્ય સારવાર અને કાઉન્સેલિંગ માટે તેમણે અમદાવાદ, વડોદરા કે સુરત જેવા મોટા શહેરોની ખાનગી હોસ્પિટલો અથવા વિશેષ કેન્દ્રો પર નિર્ભર રહેવું પડતું હતું. આના કારણે પરિવારો પર ભારે આર્થિક અને માનસિક બોજ પડતો હતો.
નવી વ્યવસ્થા લાગુ થવાથી:
-
પોતાના જિલ્લામાં જ સુવિધા: દર્દીને પોતાના જ જિલ્લાની સિવિલ/જિલ્લા હોસ્પિટલમાં સારવાર મળશે.
-
ઓછા ખર્ચે શ્રેષ્ઠ સારવાર: સરકારી હોસ્પિટલોમાં સુવિધાઓ ઉપલબ્ધ થવાથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને ખાનગી કેન્દ્રોના મોટા ખર્ચમાંથી મુક્તિ મળશે.
-
પરિવારનો સાથ: દર્દી પોતાના ઘરની નજીક હોવાથી તેને પરિવારનો માનસિક ટેકો સતત મળતો રહેશે, જે નશામુક્તિની પ્રક્રિયામાં સૌથી મહત્વનો ભાગ ભજવે છે.
વૈજ્ઞાનિક પદ્ધતિ અને સર્વગ્રાહી સુવિધાઓ
આ ડી-એડિક્શન સેન્ટરો માત્ર દર્દીને ભરતી કરવા પૂરતા મર્યાદિત નહીં રહે, પરંતુ અહીં નશાની લતમાંથી મુક્તિ અપાવવા માટે વૈજ્ઞાનિક અને મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવશે.
દરેક સેન્ટરમાં નીચે મુજબની સુવિધાઓ ઉપલબ્ધ કરાશે:
-
ડિટોક્સિફિકેશન સારવાર (Detox Treatment): શરીરમાંથી નશાના ઝેરી તત્વોને તબીબી વિજ્ઞાનની મદદથી બહાર કાઢવાની પ્રક્રિયા.
-
IPD અને OPD સેવાઓ: દર્દીની સ્થિતિ મુજબ તેને હોસ્પિટલમાં દાખલ કરીને (In-Patient) અથવા માત્ર દવા-કાઉન્સેલિંગ આપીને (Out-Patient) સારવાર આપવામાં આવશે.
-
મનોવૈજ્ઞાનિક કાઉન્સેલિંગ અને થેરાપી: વ્યસન પાછળના માનસિક કારણો સમજીને દર્દીનું કાઉન્સેલિંગ કરવામાં આવશે.
-
પરિવાર પરામર્શ (Family Counseling): નશામુક્ત થયેલો વ્યક્તિ ફરીથી નશા તરફ ન વળે તે માટે પરિવારને પણ યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે.
-
પુનર્વસન (Rehabilitation): સારવાર બાદ વ્યક્તિ સમાજમાં સ્વમાનભેર જીવી શકે તે માટેનું વાતાવરણ ઊભું કરવામાં આવશે.

પ્રશિક્ષિત સ્ટાફ અને તબીબોની ટીમ થશે તૈનાત
નશામુક્તિ એ માત્ર દવાની પ્રક્રિયા નથી, પરંતુ તે એક લાંબી માનસિક લડાઈ છે. આ બાબતને ધ્યાનમાં રાખીને, દરેક કેન્દ્રમાં માત્ર ડોક્ટરો જ નહીં પરંતુ નિષ્ણાત સ્ટાફની આખી ટીમ કાર્યરત રહેશે.
દરેક સેન્ટરમાં તબીબો (Doctors), અનુભવી નર્સિંગ સ્ટાફ, પ્રશિક્ષિત કાઉન્સેલર્સ, સાયકોલોજિસ્ટ્સ (મનોવિજ્ઞાનીઓ) અને પુનર્વસન નિષ્ણાતો તૈનાત રહેશે. આ ટીમ દર્દીની શારીરિક તપાસ સાથે તેના માનસિક સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખશે, જેથી તેને એક જ છત નીચે સર્વાંગી સારવાર મળી શકે.
પારદર્શિતા અને ગુણવત્તા પર વિશેષ ભાર
યોજના કાગળ પર ન રહી જાય અને તેનો લાભ ખરેખર જરૂરિયાતમંદો સુધી પહોંચે તે માટે સરકારે કડક દેખરેખ પ્રણાલી (Monitoring System) તૈયાર કરી છે:
૧. GeM પોર્ટલ દ્વારા ખરીદી: સેન્ટર માટે જરૂરી તમામ તબીબી સાધનો, બેડ અને અન્ય સામગ્રીની ખરીદી કેન્દ્ર સરકારના ‘Government e-Marketplace’ (GeM) પોર્ટલ મારફતે કરવામાં આવશે, જેથી નાણાકીય પારદર્શિતા જળવાઈ રહે.
૨. નિયમિત મોનીટરિંગ: કામગીરીનું સરકારી સ્તરે સતત મોનિટરિંગ કરવામાં આવશે.
૩. સોશિયલ ઓડિટ અને થર્ડ પાર્ટી વેરિફિકેશન: આ કેન્દ્રોની ગુણવત્તા અને કામગીરીની ચકાસણી માટે થર્ડ પાર્ટી વેરિફિકેશન અને સોશિયલ ઓડિટ પણ કરવામાં આવશે.
નશા સામે ડબલ-એટેક: કડક કાયદા સાથે પુનર્વસનનો અભિગમ
ગુજરાત સરકારે છેલ્લા કેટલાક સમયથી નશાના ગેરકાયદેસર વેપાર અને ડ્રગ્સ સપ્લાય ચેઈન સામે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. સ્થાનિક પોલીસ અને એટીએફ (ATS) દ્વારા કરોડો રૂપિયાનો નશીલો પદાર્થ પકડીને સપ્લાયર્સ પર ત્રાટકવામાં આવી રહ્યું છે.
પરંતુ સરકાર એ વાત સારી રીતે જાણે છે કે માત્ર નશાનો પુરવઠો રોકવાથી આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે, તેની માંગ (Demand) પણ ઘટાડવી પડશે. જે લોકો કોઈ કારણસર વ્યસનના ચક્રવ્યૂહમાં ફસાઈ ગયા છે, તેમને ગુનેગાર માનવાના બદલે ‘દર્દી’ માનીને તેમની સારવાર કરવી જરૂરી છે. તમામ ૩૪ જિલ્લાઓમાં ડી-એડિક્શન સેન્ટરો શરૂ કરવાનો આ નિર્ણય સરકારના આ માનવીય અભિગમને વધુ મજબૂત બનાવે છે.
સામાજિક અને આર્થિક બદલાવ લાવતો નિર્ણય
નશાની લત માત્ર એક વ્યક્તિનું શરીર જ ખરાબ નથી કરતી, પરંતુ તેના આખા પરિવારની આર્થિક સ્થિતિ, માનસિક શાંતિ અને સામાજિક પ્રતિષ્ઠાને પણ બરબાદ કરી નાખે છે.
જ્યારે કોઈ વ્યસની વ્યક્તિ સમયસર સારવાર મેળવીને નશામુક્ત બને છે, ત્યારે માત્ર એક વ્યક્તિ નથી બચતી પરંતુ એક આખો પરિવાર આર્થિક અને માનસિક તારાજીમાંથી ઉગરી જાય છે. આ કેન્દ્રો શરૂ થવાથી રાજ્યમાં નશાગ્રસ્ત લોકોને નવું જીવન મળશે, ગુનાખોરી ઘટે તેવી શક્યતા વધશે અને એક સ્વસ્થ, સક્ષમ તથા વ્યસનમુક્ત સમાજના નિર્માણને નવી વેગ મળશે.