હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતીય ક્રૂ ધરાવતા જહાજ પર હુમલો, ૧૫ મિનિટનું અલ્ટીમેટમ આપી એન્જિન રૂમ પર છોડાઈ મિસાઈલ
મધ્ય પૂર્વના વ્યૂહાત્મક અને સંવેદનશીલ ગણાતા હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) નજીક દરિયાઈ સુરક્ષાને લઈને અતિ ગંભીર અને ચિંતાજનક ઘટના સામે આવી છે. ૩૦ ક્રૂ સભ્યો ધરાવતા અને ભારતીય નાવિકોની હાજરી ધરાવતા એક વેપારી જહાજ પર સશસ્ત્ર હુમલો થયો હોવાના અહેવાલોથી વૈશ્વિક દરિયાઈ બજાર અને શિપિંગ ક્ષેત્રે ભારે અફડાતફડી મચી ગઈ છે.
મધ્ય પૂર્વ એશિયામાં ચાલી રહેલા ભૌગોલિક રાજકીય તણાવ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ નજીક એક મોટી અપ્રિય ઘટના ઘટી છે. ૩૦ જેટલા ક્રૂ સભ્યોને લઈને જઈ રહેલા એક વાણિજ્યિક વેપારી જહાજે પોતાના પર હુમલો થયો હોવાનો કટોકટીનો સંદેશ (Distress Signal) મોકલતા વૈશ્વિક સંરક્ષણ અને શિપિંગ ક્ષેત્રે સનાટો વ્યાપી ગયો છે. શિન્હુઆ સમાચાર એજન્સી દ્વારા મેળવવામાં આવેલા VHF મેરીટાઇમ રેડિયો ચેનલના ઓડિયો રેકોર્ડિંગ આધારિત અહેવાલોમાં આ ચોંકાવનારી ઘટનાની વિગતો સપાટી પર આવી છે.
મળતી માહિતી મુજબ, આ ઘટના સમયે જહાજમાં ભારતીય ક્રૂ સભ્યો પણ તૈનાત હતા, જેના કારણે ભારતીય દરિયાઈ સુરક્ષા અને વિદેશ મંત્રાલય માટે પણ આ સ્થિતિ ચિંતાજનક બની છે.
રેડિયો કોલ પર આપેલી ચેતવણી અને ૧૫ મિનિટનું અલ્ટીમેટમ
વાયરલ થયેલા અને એજન્સી દ્વારા પ્રાપ્ત કરાયેલા રેડિયો ઓડિયો રેકોર્ડિંગમાં નાવિકે ખુલાસો કર્યો છે કે, જહાજને રેડિયો ચેનલ પર એક કોલ પ્રાપ્ત થયો હતો. કૉલ કરનારે પોતાની ઓળખ યુએસ મિલિટરી ઓપરેટર તરીકે આપી હતી. કૉલ પર વેપારી જહાજને વારંવાર ચેતવણી આપવામાં આવી રહી હતી કે તે ઈરાની જળસીમા (Iranian Territorial Waters) તરફ આગળ વધીને આંતરરાષ્ટ્રીય દરિયાઈ નિયમોનું ભંગ કરી રહ્યું છે.
રેકોર્ડિંગમાં કૉલ કરનાર વ્યક્તિ સ્પષ્ટ શબ્દોમાં કહેતી સંભળાય છે કે, “તમે ઈરાન તરફ આગળ વધીને નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છો. તમને અગાઉ પણ ઘણી વખત ચેતવણીઓ આપવામાં આવી છે. હવે હું તમારા જહાજના એન્જિન રૂમ પર સીધો ગોળીબાર કરવાની તૈયારી કરી રહ્યો છું.” આ સાથે જ જહાજના ક્રૂ સભ્યોને પોતાનો જીવ બચાવવા માટે એન્જિન રૂમ તાત્કાલિક ખાલી કરવા ૧૫ મિનિટનો સમય આપવામાં આવ્યો હતો.

‘દિશા’ જહાજનો કટોકટીનો સંદેશ અને મિસાઈલ પ્રહાર
અલ્ટીમેટમ આપ્યાની બરાબર ૧૫ મિનિટની અંદર જહાજ પર મિસાઈલ કે ભારે શસ્ત્ર વડે પ્રહાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદના રેકોર્ડિંગમાં જહાજે પોતાની ઓળખ ‘દિશા’ (Disha) તરીકે આપી હતી અને વિનંતી સાથે કટોકટીનો સંદેશ મોકલ્યો હતો કે તેમના પર સફળતાપૂર્વક હુમલો કરવામાં આવ્યો છે અને જહાજ ભારે આફતમાં મૂકાયું છે.
હોર્મુઝ સ્ટ્રેટ એ વિશ્વનો સૌથી મહત્વપૂર્ણ તેલ અને વાણિજ્યિક શિપિંગ માર્ગ માનવામાં આવે છે. આ વિસ્તારમાં વેપારી જહાજો પર સતત થઈ રહેલા હુમલા અને ઈરાની જળસીમા નજીક વધતી લશ્કરી હલચલને કારણે વૈશ્વિક સપ્લાય ચેઇન અને ઇંધણના પરિવહન પર ગંભીર આડઅસરો પડવાની ભીતિ સેવાઈ રહી છે.

દરિયાઈ સુરક્ષા એજન્સીઓ અને આંતરરાષ્ટ્રીય સમુદાય તૈનાત
આ હુમલા બાદ પર્સિયન ગલ્ફ અને ઓમાનના અખાતમાં પેટ્રોલિંગ કરી રહેલી આંતરરાષ્ટ્રીય દરિયાઈ સુરક્ષા એજન્સીઓ અને ભારતીય નૌકાદળના જહાજો પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. ૩૦ ક્રૂ સભ્યોની સલામતી સુનિશ્ચિત કરવા અને જહાજને થયેલા નુકસાનનો અંદાજ લગાવવા માટે બચાવ કામગીરી અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
વૈશ્વિક સ્તરે હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલી આ અસ્થિરતા વચ્ચે આંતરરાષ્ટ્રીય શિપિંગ કંપનીઓને આ રૂટ પરથી પસાર થતી વખતે અત્યંત સાવચેતી રાખવાની અને તમામ સુરક્ષા પ્રોટોકોલનું સખતપણે પાલન કરવાની કડક સૂચના આપવામાં આવી છે.