‘એરપોર્ટથી સીધા ફાંસીના માચે…’ શેખ હસીનાના સ્વદેશ વાપસીના દાવા પર બાંગ્લાદેશી વિદ્યાર્થી નેતાની સીધી ધમકી
બાંગ્લાદેશમાં ઓગસ્ટ ૨૦૨૪માં થયેલા વિદ્યાર્થી અને જન આંદોલન બાદ દેશ છોડીને ભારત ભાગી ગયેલાં ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાની ભારતમાંથી સ્વદેશ પરત ફરવાની યોજના સામે વિરોધનો વંટોળ ઉઠ્યો છે. શેખ હસીનાએ ચાલુ વર્ષના ડિસેમ્બર મહિના સુધીમાં બાંગ્લાદેશ પાછા ફરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જેની સામે વિદ્યાર્થી આંદોલનના અગ્રણી નેતા અને નેશનલ સિટીઝન પાર્ટી (NCP) ના કન્વીનર નાહિદ ઇસ્લામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. ઢાકામાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન બોલતા તેમણે ધમકીભર્યા લહેજામાં કહ્યું છે કે જો શેખ હસીના દેશમાં પગ મૂકશે તો તેમને એરપોર્ટ પરથી જ સીધા ફાંસીના માચે ચડાવવામાં આવશે.
રાજકીય સમજૂતી થશે તો પણ જનતા રસ્તા પર રહેશે
સંસદમાં વિપક્ષના મુખ્ય દંડક અને વિદ્યાર્થી નેતા નાહિદ ઇસ્લામે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જો વડા પ્રધાન તારિક રહેમાન દિલ્હી અથવા અન્ય કોઈ વૈશ્વિક શક્તિઓ સાથે કૂટનીતિક સમજૂતી કરીને શેખ હસીનાને સુરક્ષિત રીતે વતનમાં પાછા લાવવાનો પ્રયાસ કરશે, તો પણ દેશની જનતા તેને સ્વીકારશે નહીં. તેમણે ઉમેર્યું કે ‘જુલાઈ ક્રાંતિ’ દરમિયાન શહીદ થયેલા યુવાનોના પરિવારો અને દેશના નાગરિકો જ્યાં સુધી શેખ હસીનાને તેમના ગુનાઓ માટે ફાંસીની સજા ન મળે ત્યાં સુધી રસ્તા પર જ રહેશે અને પોતાનો વિરોધ ચાલુ રાખશે.

નવી સરકાર સામે પણ નાહિદ ઇસ્લામનો આક્રોશ
પોતાના સંબોધનમાં નાહિદ ઇસ્લામે માત્ર શેખ હસીના પર જ નહીં, પરંતુ તખ્તાપલટ પછી અસ્તિત્વમાં આવેલી નવી સરકારની કાર્યપ્રણાલી પર પણ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કડક ચેતવણી આપતા સ્પષ્ટ કર્યું હતું કે ૧૫ વર્ષ જૂની સત્તા સામે તેમના જન આંદોલનનો મુખ્ય હેતુ કોઈ વ્યક્તિ વિશેષ કે નેતાને ગાદી પર બેસાડવાનો નહોતો. આ આંદોલન દેશમાંથી સરમુખત્યારશાહી, ગેરકાયદે વસૂલી, અને વ્યાપક ભ્રષ્ટાચારને કાયમી ધોરણે નાબૂદ કરવા માટે કરવામાં આવ્યું હતું.
તેમણે અસંતોષ વ્યક્ત કરતાં કહ્યું કે, છેલ્લા કેટલાક મહિનાઓમાં દેશની સત્તા બદલાઈ હોવા છતાં સામાન્ય નાગરિકોની સ્થિતિમાં કોઈ સુધારો આવ્યો નથી. આજે પણ લાંચરૂશ્વત, ભ્રષ્ટાચાર, વીજળી અને ગેસની તીવ્ર અછત જેવી મૂળભૂત સમસ્યાઓ દેશમાં યથાવત છે. સરકારે દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનારા શહીદોના પરિવારો અને ઘાયલોની મદદ કરવા માટે હજુ સુધી કોઈ નક્કર કે અસરકારક પગલાં લીધાં નથી, જ્યારે કે તેઓ આ રાષ્ટ્રની સાચી સંપત્તિ છે.

૧૫ વર્ષ જૂની સરકારનો આંકડાકીય અને આક્રમક અંત
ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ ૨૦૨૪ માં બાંગ્લાદેશી વિદ્યાર્થીઓના નેતૃત્વ હેઠળ શરૂ થયેલા વિશાળ અને આક્રમક વિરોધ પ્રદર્શન બાદ શેખ હસીનાનું ૧૫ વર્ષ જૂનું એકહથ્થુ શાસન ધરાશાયી થયું હતું. વિરોધ પ્રદર્શન એટલું ઉગ્ર બની ગયું હતું કે પ્રદર્શનકારીઓએ વડા પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન પર દાવો બોલી દીધો હતો. પરિસ્થિતિ વણસતાં શેખ હસીનાએ તાત્કાલિક ધોરણે હેલિકોપ્ટર દ્વારા દેશ છોડીને ભારતમાં આશ્રય લેવાની ફરજ પડી હતી. ત્યારથી તેઓ ભારતમાં જ રહી રહ્યા છે, પરંતુ હવે તેમની વાપસીના અહેવાલોથી બાંગ્લાદેશમાં ફરી એકવાર રાજકીય ઉત્તેજના અને હિંસાનો ભય વધી ગયો છે.