‘બાંગ્લાદેશ પૂર્વ સરહદે નવું પાકિસ્તાન બન્યું’: સજીબ વાજેદની ભારતને ચેતવણી

4 Min Read

‘બાંગ્લાદેશ હવે ભારત માટે બીજું પાકિસ્તાન બનવાના આરે, ISIનો ખુલ્લો હાથ’: શેખ હસીનાના પુત્ર સજીબ વાઝેદની ગંભીર ચેતવણી

બાંગ્લાદેશમાં વર્ષ ૨૦૨૪ની રાજકીય ઉથલપાથલ બાદ કથળતી જતી સુરક્ષા પરિસ્થિતિ વચ્ચે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પુત્ર સજીબ વાઝેદ જોય (Sajeeb Wazed Joy) એ એક સનસનાટીભર્યો દાવો કર્યો છે. નવી દિલ્હીમાં યોજાયેલી એક ખાસ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જોયે ચેતવણી આપી છે કે વર્તમાન બાંગ્લાદેશી વહીવટીતંત્ર હેઠળ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI ને દેશમાં ‘ખુલ્લો હાથ’ મળી ગયો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે બાંગ્લાદેશમાં થઈ રહેલા આ ઝડપી ફેરફારો ભારત તેમજ સમગ્ર વિશ્વની સુરક્ષા માટે એક મોટો ખતરો બની રહ્યા છે.

‘વિશ્વભરમાં આતંકવાદીઓનો નવો સમૂહ બાંગ્લાદેશમાંથી આવશે’

પ્રેસ કોન્ફરન્સમાં બોલતા સજીબ વાઝેદ જોયે આરોપ લગાવ્યો હતો કે આંતરિમ સરકાર આવ્યા બાદથી જ જેલમાં બંધ સેંકડો ખતરનાક આતંકવાદીઓ અને દોષિત ગુનેગારોને મુક્ત કરી દેવામાં આવ્યા છે. તેમણે કહ્યું, “અમારી અવામી લીગ સરકારના કાર્યકાળ દરમિયાન જે આતંકવાદીઓને કાનૂની પ્રક્રિયા બાદ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા, તેમને આજે મુક્તપણે ફરવા દેવામાં આવી રહ્યા છે. હિઝબુત-તહરિર જેવા આતંકી સંગઠનો હવે દેશની શેરીઓમાં ખુલ્લેઆમ કૂચ કરી રહ્યા છે અને અલ-કાયદાના કાર્યકરો જાહેર સભાઓમાં ભાષણો આપી રહ્યા છે.”

- Advertisement -

hasina.jpg

તેમણે ઉમેર્યું કે જો આ પરિસ્થિતિને આંતરષ્ટ્રીય સ્તરે ત્વરિત રોકવામાં નહીં આવે, તો આવનારા સમયમાં વિશ્વભરમાં ફેલાનારા આતંકવાદીઓનો નવો સમૂહ બાંગ્લાદેશની ધરતી પરથી તૈયાર થશે.

- Advertisement -

ભારત માટે પૂર્વ મોરચે ‘બીજું પાકિસ્તાન’ ઊભું થવાનું જોખમ

ભારત માટે પ્રાદેશિક સુરક્ષાના પડકારો અંગે વાત કરતા જોયે અત્યંત ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે ભારતની પશ્ચિમ સરહદે તો પાકિસ્તાન પહેલેથી જ પડકારરૂપ છે, પરંતુ હવે તેના પૂર્વ મોરચે પણ ‘બીજું પાકિસ્તાન’ આકાર લઈ રહ્યું છે. પાકિસ્તાનની ISI બાંગ્લાદેશી વહીવટમાં ઊંડો પ્રભાવ જમાવી રહી છે, જે ભારતીય સરહદો અને રાષ્ટ્રીય સુરક્ષા માટે સીધો અને મોટો ખતરો છે.

આ સાથે જ તેમણે ભારતીય મીડિયાને વિનંતી કરી કે તેઓ બાંગ્લાદેશની આ વાસ્તવિક સ્થિતિને વૈશ્વિક મંચ પર સતત ઉજાગર કરતા રહે. આંતરરાષ્ટ્રીય રાજકારણનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે જે રીતે અમેરિકા અને પાકિસ્તાનના સંબંધોમાં ઝડપી બદલાવ આવ્યો છે, તે જોતા ભૂ-રાજકીય પરિસ્થિતિઓ ખૂબ ઝડપથી બદલાઈ શકે છે.

ડિસેમ્બરમાં શેખ હસીના બાંગ્લાદેશ પરત ફરશે

આ જ પત્રકાર પરિષદ દરમિયાન એક વિશાળ જાહેરાત કરતા પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ ડિસેમ્બર મહિનામાં પોતાના વતન બાંગ્લાદેશ પરત ફરવાની યોજના જાહેર કરી છે. ઓગસ્ટ ૨૦૨૪ માં વિદ્યાર્થીઓના હિંસક વિરોધ પ્રદર્શન અને શાસન પરિવર્તન બાદ દેશ છોડ્યાના આશરે બે વર્ષ પછી તેઓ માતૃભૂમિ પર પગ મુકશે.

- Advertisement -

ચોક્કસ તારીખ જાહેર કર્યા વિના હસીનાએ અત્યંત ભાવુક અને કડક શબ્દોમાં કહ્યું, “મને જેલમાં ધકેલી દેવામાં આવે કે મારી હત્યા કરી દેવામાં આવે, પરંતુ ડર ક્યારેય મારા દેશવાસીઓ પ્રત્યેની મારી ફરજ નક્કી કરી શકે નહીં. મેં ૧૯૭૫ માં મારો સમગ્ર પરિવાર ગુમાવ્યો હતો અને છ વર્ષ દેશનિકાલમાં વિતાવ્યા હતા. મને મારા પોતાના ભવિષ્ય કે જીવની ચિંતા નથી, મને માત્ર બાંગ્લાદેશના ભવિષ્યની ચિંતા છે.”

તેમણે સ્પષ્ટ કર્યું કે તેમનું પુનરાગમન માત્ર રાજકીય સત્તા કે ખુરશી મેળવવા માટે નથી, પરંતુ બાંગ્લાદેશને ફરીથી શાંતિ, સમૃદ્ધિ અને વિકાસના સાચા માર્ગ પર લાવવા માટે છે.

‘૨૦૨૪ નો વિરોધ શાંતિપૂર્ણ આંદોલન નહોતો’

તાજેતરના ઇતિહાસ પર પ્રકાશ ફેંકતા શેખ હસીનાએ દાવો કર્યો હતો કે જુલાઈ-ઓગસ્ટ ૨૦૨૪ દરમિયાન થયેલું આંદોલન કોઈ સ્વયંભૂ કે શાંતિપૂર્ણ વિદ્યાર્થી આંદોલન નહોતું. તે એક સુનિયોજિત અને સંકલિત ષડયંત્ર હતું, જેમાં નિર્દોષ વિદ્યાર્થીઓનો ઉપયોગ હિંસા ભડકાવવા અને સત્તાપલટો કરવા માટે કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે રાજ્યના વડા તરીકે જાહેર સંપત્તિ અને દેશના નાગરિકોના જાનમાલનું રક્ષણ કરવું તેમની પ્રાથમિક ફરજ હતી.

Share This Article