ભારત ક્યારે બનશે $5 ટ્રિલિયનની અર્થવ્યવસ્થા? નાણામંત્રી સીતારમણે આપ્યો સંપૂર્ણ રોડમેપ
છેલ્લા એક-બે વર્ષથી વૈશ્વિક સ્તરે અનેક આર્થિક આંચકાઓ સામે આવી રહ્યા છે. ખાસ કરીને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને યુદ્ધના વાતાવરણને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે કાચા તેલના ભાવમાં અસ્થિરતા વધી છે, જેની સીધી અસર વિશ્વભરના દેશો સાથે ભારતની અર્થવ્યવસ્થા પર પણ જોવા મળી રહી છે. વૈશ્વિક પડકારોને કારણે 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો, 2030 સુધીમાં 5 ટ્રિલિયન ડૉલરનું અર્થતંત્ર હાંસલ કરવાનો અને 2070 સુધીમાં નેટ ઝીરો ઉત્સર્જન લક્ષ્ય પ્રાપ્ત કરવાનો માર્ગ થોડો મુશ્કેલ જણાઈ રહ્યો હતો. પરંતુ, દેશના કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં એક વિગતવાર જવાબ આપીને તમામ અટકળો અને ચિંતાઓ પર વિરામ મૂકી દીધો છે.
IMF ના અંદાજ સાથે લક્ષ્યાંકની દિશા સ્પષ્ટ
રાજ્યસભામાં પૂછાયેલા એક પ્રશ્નના લેખિત જવાબમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓએ ભારતના વિકાસની ગતિને સહેજ ધીમી જરૂર કરી છે, પરંતુ દેશ પોતાના આર્થિક લક્ષ્યો તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ (IMF) ના એપ્રિલ 2026 ના ‘વર્લ્ડ ઈકોનોમિક આઉટલુક’ રિપોર્ટનો ટાંકો આપતાં તેમણે માહિતી આપી હતી કે, વર્તમાન ભાવ આધારિત ગણતરી મુજબ ભારતનું કુલ સ્થાનિક ઉત્પાદન (GDP) નાણાકીય વર્ષ 2028-29 સુધીમાં 5.1 ટ્રિલિયન ડૉલરની સપાટી સ્પર્શી શકે છે. આ સિદ્ધિ મેળવવા માટે ભારત સરકાર રોકાણ, ઉત્પાદન, ખેતીવાડી, નિકાસ, આંતરમાળખાકીય સુવિધાઓ અને ડિજિટલ ઈકોનોમી પર આધારિત એક વ્યાપક વ્યૂહરચના પર કામ કરી રહી છે.
ઉત્પાદન અને MSME ક્ષેત્રને મજબૂત બનાવવા ખાસ યોજનાઓ
અર્થતંત્રની કરોડરજ્જુ ગણાતા ઉત્પાદન અને MSME ક્ષેત્ર માટે સરકારે ખાસ યોજનાઓ અમલી બનાવી છે. નાણામંત્રીએ ઉમેર્યું કે રોજગાર નિર્માણ અને સ્થાનિક ઉત્પાદન વધારવા માટે પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ (PLI) સ્કીમ, ‘મેક ઈન ઈન્ડિયા’, નેશનલ લોજિસ્ટિક્સ પોલિસી અને પીએમ ગતિ શક્તિ માસ્ટર પ્લાનને વધુ ગતિ આપવામાં આવી રહી છે. નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે ઇમરજન્સી ક્રેડિટ ગેરંટી સુધારીને નવી વ્યાખ્યાઓ લાગુ કરવામાં આવી છે, જેનાથી ટ્રેડ રીસીવેબલ્સ ડિસ્કાઉન્ટિંગ સિસ્ટમ (TReDS) વધુ સક્ષમ બની છે. આ સિવાય ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ (GeM) અને પીએમ વિશ્વકર્મા યોજના દ્વારા દેશના પરંપરાગત કારીગરો અને MSME એકમોને આર્થિક ટેકો અપાઈ રહ્યો છે.
સેવા ક્ષેત્ર, કૃષિ અને નવતર ઉદ્યોગોનું યોગદાન
ભારતના ગ્રોથમાં સેવા ક્ષેત્રનો સિંહફાળો રહ્યો છે. સરકારે ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (GCC), આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને મેડિકલ વેલ્યુ ટ્રાવેલ ક્ષેત્રે મોટું રોકાણ કર્યું છે. તાજેતરના બજેટ 2026-27 માં સેવા ક્ષેત્રના વિસ્તાર માટે નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હોસ્પિટાલિટી અને પ્રાદેશિક મેડિકલ સેન્ટર્સની જાહેરાત કરવામાં આવી છે.
બીજી તરફ, 5 ટ્રિલિયન ડૉલરની સફરમાં કૃષિ ક્ષેત્ર અતિ મહત્વનું છે. આ માટે સિંચાઈ યોજનાઓ, ડિજિટલ ફાર્મિંગ સોલ્યુશન્સ, પાક વૈવિધ્યીકરણ અને કોલ્ડ સ્ટોરેજ માળખામાં સુધારા કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત સેમિકન્ડક્ટર, બાયોફાર્માસ્યુટિકલ્સ, રેર અર્થ મિનરલ્સ, ક્લીન એનર્જી અને એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ જેવા ઉભરતા નવીનતમ ક્ષેત્રો આગામી દાયકામાં ભારતના આર્થિક વિકાસના મુખ્ય એન્જિન સાબિત થશે. સરકારના જાહેર મૂડી ખર્ચ (CapEx), ટેક્સ સિસ્ટમના સુધારા અને FDI ના સતત પ્રવાહથી આ લક્ષ્યાંક નિર્ધારિત સમયમાં પૂર્ણ થવાનો વિશ્વાસ વ્યક્ત કરાયો છે.