8મું પગાર પંચ: જો 2.57 ફિટમેન્ટ ફેક્ટર લાગુ થશે તો કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં કેટલો મોટો ઉછાળો આવશે?
દેશના લાખો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે ૮મા પગાર પંચ (8th Pay Commission) ને લઈને ભારે ઉત્સુકતાનો માહોલ જોવા મળી રહ્યો છે. નવા પગાર પંચનો અમલ થયા બાદ કર્મચારીઓના માસિક પગાર અને નિવૃત્તિ લાભોમાં કેટલો વધારો થશે, તેનો સમગ્ર આધાર ‘ફિટમેન્ટ ફેક્ટર’ (Fitment Factor) પર નિર્ભર કરે છે. અગાઉ ૭મા પગાર પંચ દરમિયાન સરકારે ૨.૫૭ નો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કર્યો હતો, જેના કારણે લઘુત્તમ બેઝિક સેલરી ₹૭,૦૦૦ થી વધીને સીધી ₹૧૮,૦૦૦ થઈ ગઈ હતી.
જો કેન્દ્ર સરકાર ૮મા પગાર પંચમાં પણ આ જ ૨.૫૭ ના ફિટમેન્ટ ફેક્ટરનો આંકડો જાળવી રાખે છે, તો વિવિધ લેવલના કર્મચારીઓના બેઝિક પગાર અને ઘરે લઈ જવાતી (ટેક-હોમ) સેલરીમાં મોટો ઉછાળો જોવા મળી શકે છે.
શું છે આ ફિટમેન્ટ ફેક્ટર?
તકનીકી રીતે સમજીએ તો ફિટમેન્ટ ફેક્ટર એ એક ચોક્કસ ગુણાંક (Multiplier) છે. નવા પગાર પંચમાં નવો બેઝિક પગાર નક્કી કરવા માટે વર્તમાન ૭મા પગાર પંચના બેઝિક પગારને આ ગુણાંક વડે ગુણવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો ૨.૫૭ નું ફિટમેન્ટ ફેક્ટર જાળવી રાખવામાં આવે, તો કર્મચારીના વર્તમાન બેઝિક પગારને ૨.૫૭ વડે ગુણીને નવો મૂળ પગાર નક્કી કરવામાં આવશે.

વિવિધ લેવલના કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે?
લેવલ ૧ (MTS): હાલમાં આ કક્ષાના કર્મચારીઓનો શરૂઆતી બેઝિક પગાર ₹૧૮,૦૦૦ છે. ૨.૫૭ ના ગુણાકાર સાથે નવો બેઝિક પગાર વધીને ₹૪૬,૨૬૦ થશે. આનાથી તેમના બેઝિક પેમાં દર મહિને સીધો ₹૨૮,૨૬૦ નો વધારો નોંધાશે.
લેવલ ૪ (LDC): લોઅર ડિવિઝન ક્લાર્ક અથવા આ કેડરના કર્મચારીઓનો વર્તમાન બેઝિક પગાર ₹૨૫,૫૦૦ છે. ૨.૫૭ નો ફિટમેન્ટ ફેક્ટર લાગુ પડતાં તે વધીને ₹૬૫,૫૩૫ થઈ જશે, જે દર્શાવે છે કે બેઝિક સેલરીમાં ₹૪૦,૦૩૫ નો સીધો વધારો થશે.
લેવલ ૬ (આસિસ્ટન્ટ/સિનિયર ક્લાર્ક): સિનિયર ક્લાર્ક કે મદદનીશ કક્ષાના કર્મચારીઓનો વર્તમાન બેઝિક પગાર ₹૩૫,૪૦૦ છે. નવી ગણતરી મુજબ તેમનો બેઝિક વધીને ₹૯૦,૯૭૮ થઈ શકે છે, એટલે કે દર મહિને ₹૫૫,૫૭૮ નો નોંધપાત્ર ઉછાળો આવશે.
લેવલ ૧૦ (Class 1 Officer): પ્રથમ વર્ગના અધિકારીઓનો વર્તમાન બેઝિક પગાર ₹૫૬,૧૦૦ છે. ૨.૫૭ ના ફિટમેન્ટ ફેક્ટર સાથે તેમનો નવો બેઝિક પગાર વધીને ₹૧,૪૪,૧૭૭ સુધી પહોંચી શકે છે. આ કેટેગરીમાં બેઝિક સેલરીમાં ₹૮૮,૦૭૭ નો મોટો વધારો જોવા મળશે.

ભથ્થાઓ અને DA ની ગણતરીમાં ફેરફાર
નવા પગાર પંચના અમલની સાથે માત્ર બેઝિક પગાર જ નહીં પરંતુ વિવિધ ભથ્થાઓનું માળખું પણ સંપૂર્ણપણે પુનઃગઠિત થશે. નવું પગાર પંચ લાગુ થતાં જ તત્કાલીન મોંઘવારી ભથ્થું (DA) શૂન્ય (૦%) કરી દેવામાં આવશે અને તેને નવા બેઝિક પગારમાં મર્જ કરી દેવાશે. ત્યારબાદ શૂન્યથી મોંઘવારી ભથ્થાની નવી ગણતરી શરૂ થશે.
આ ઉપરાંત, ઘરભાડા ભથ્થું (HRA) પણ X, Y અને Z કેટેગરીના શહેરોના આધારે નવા બેઝિક પગાર પર જ નક્કી કરવામાં આવશે. પરિણામે, કર્મચારીઓને મળતા અન્ય એલાઉન્સ જેવા કે ટ્રાવેલ એલાઉન્સ અને મેડિકલ એલાઉન્સમાં પણ વધારો થશે, જેનાથી કર્મચારીઓની ચોખ્ખી ટેક-હોમ સેલરી ખૂબ વધી જશે.