RBI પર્સનલ અને મોબાઇલ લોન ધારકોને રાહત: ચુકવણી પછી ફોન અનલોક કરવામાં વિલંબ થાય તો કલાકના ₹૨૫૦ વળતર
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ લોન વસૂલાત (Loan Recovery) સંબંધિત પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા અને ગ્રાહકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અત્યંત કડક માર્ગદર્શિકા જારી કરી છે. નવી માર્ગદર્શિકા અનુસાર, લોન આપનારી બેંકો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા કરવામાં આવતી ગેરવર્તણૂક, ગ્રાહકોને અયોગ્ય રીતે હેરાનગતિ અને મોબાઇલ અનલોકિંગમાં થતા વિલંબ સામે હવે કડક નાણાકીય દંડની જોગવાઈ કરવામાં આવી છે. આ નવા નિયમો ૧ જાન્યુઆરી, ૨૦૨૭ થી સમગ્ર દેશમાં અમલી બનશે.
સમય મર્યાદા નક્કી અને પરિવારજનોને પરેશાન કરવા પર રોક
આરબીઆઈ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે રિકવરી એજન્ટો હવે ગ્રાહકોને ધમકાવી કે અયોગ્ય સંદેશાઓ મોકલી શકશે નહીં. વસૂલાત માટેના ફોન કોલ્સ કરવા માટે ચોક્કસ સમય નક્કી કરવામાં આવ્યો છે. એજન્ટો ફક્ત સવારે ૮:૦૦ વાગ્યાથી સાંજે ૭:૦૦ વાગ્યાની વચ્ચે જ ગ્રાહકનો સંપર્ક કરી શકશે. આ સમયગાળા સિવાય અથવા વારંવાર કોલ કરીને માનસિક તણાવ આપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ ઉપરાંત, લોન લેનાર વ્યક્તિ સિવાય તેના પરિવારના સભ્યો, સંબંધીઓ કે મિત્રોને રિકવરીના નામે અસ્વસ્થ કરવા કે ધમકી આપવા પર કડક રોક લગાવવામાં આવી છે. ગ્રાહકની અંગત માહિતી, ફોટા કે વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાહેર કરીને તેને સામાજિક રીતે બદનામ કરવાનો પ્રયાસ કરનાર એજન્ટો અને બેંકો સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
મોબાઇલ લોન અને પ્રતિ કલાક ₹૨૫૦ વળતરનો કડક નિયમ
હાલના સમયમાં ઇલેક્ટ્રોનિક્સ અને ખાસ કરીને મોબાઇલ ફોન પર ઇએમઆઈ (EMI) લોન લેવાનું ચલણ વધ્યું છે. આ સંદર્ભે પણ આરબીઆઈએ મહત્વપૂર્ણ નિયમો બનાવ્યા છે. જો કોઈ ગ્રાહકે મોબાઇલ ખરીદવા માટે લોન લીધી હોય, તો બેંક કે ફાઇનાન્સ કંપની માત્ર તે જ ચોક્કસ મોબાઇલ ડિવાઇસને લોક કરી શકે છે. અન્ય કોઈ પર્સનલ કે કાર લોનની વસૂલાત માટે ગ્રાહકનો ફોન લોક કરી શકાશે નહીં. વધુમાં, ફોન લોક કરવામાં આવે તો પણ ઈમરજન્સી કોલ્સ અને ઈનકમિંગ સુવિધાઓ ચાલુ રાખવી ફરજિયાત રહેશે.
સૌથી મહત્વની બાબત એ છે કે ગ્રાહક પોતાની બાકી રકમ અથવા બાકી હપ્તો ભરી દે, તેના એક કલાકની અંદર જ બેંકે ડિવાઈસ અનલોક કરીને તમામ સેવાઓ પૂર્વવત કરવી પડશે. જો બેંક કે ફાઈનાન્સ કંપની અનલોકિંગમાં એક કલાકથી વધુ વિલંબ કરે છે, તો તેમણે ગ્રાહકને પ્રતિ કલાક ₹૨૫૦ ના દરે વળતર ચૂકવવું પડશે.
ઓળખપત્ર ફરજિયાત અને ફરિયાદ નિવારણ વ્યવસ્થા
હવેથી દરેક રિકવરી એજન્ટ પાસે સંબંધિત બેંક કે ફાઇનાન્સ કંપનીનું અધિકૃત આઈડી કાર્ડ અને ઓથોરિટી લેટર હોવો અનિવાર્ય રહેશે. બેંકે ગ્રાહકના ઘરે કે ઓફિસે એજન્ટ મોકલતા પહેલા તેની પૂર્વ જાણ કરવી પડશે. જો બેંક પોતાની રિકવરી એજન્સી બદલે છે, તો તેની માહિતી પણ ગ્રાહકને અગાઉથી આપવી પડશે.
જો કોઈ ગ્રાહક સાથે ગેરવર્તણૂક થાય છે, તો બેંકે તેની ફરિયાદ નોંધવા માટે સરળ ઓનલાઈન અને ઓફલાઈન પ્લેટફોર્મ પૂરું પાડવું પડશે. આરબીઆઈના આ ક્રાંતિકારી નિર્ણયોથી દેશભરના કરોડો લોન ધારકોને બિનજરૂરી માનસિક ત્રાસમાંથી મોટી રાહત મળશે.