ઈરાન સાથેના યુદ્ધે ખુલ્લી પાડી અમેરિકાની પોલ! કેટલી મિસાઈલો વપરાઈ, કેટલી બચી અને નવી બનાવવામાં કેટલા વર્ષ લાગશે?
અમેરિકાને દુનિયાની સૌથી મોટી અને આધુનિક સૈન્ય તાકાત ગણવામાં આવે છે. તેની પાસે અતિઆધુનિક લડાકુ વિમાનો, અદ્યતન મિસાઈલો, શક્તિશાળી યુદ્ધપોતો અને પરમાણુ શસ્ત્રોનો મોટો ભંડાર છે. પરંતુ ઈરાન સાથે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા સંઘર્ષે અમેરિકી સેના સામે એક એવો પડકાર ઊભો કરી દીધો છે, જેનો ઉકેલ માત્ર અઢળક નાણાં ખર્ચીને તરત લાવી શકાય તેમ નથી. યુદ્ધના કારણે અમેરિકાના કેટલાક અત્યંત મહત્વપૂર્ણ મિસાઈલ ભંડાર ખૂબ જ ઝડપથી ઘટી ગયા છે અને આ ખાલી પડેલા શસ્ત્રાગારને ફરીથી પૂર્ણ ક્ષમતાથી ભરવામાં વર્ષોનો સમય લાગી શકે છે.
આ ગંભીર ચિંતાને ધ્યાનમાં રાખીને અમેરિકી સંરક્ષણ મંત્રાલય એટલે કે પેન્ટાગોને દેશની મોટી હથિયાર ઉત્પાદક કંપનીઓને ઉત્પાદન પ્રક્રિયા ઝડપી બનાવવા માટે કડક સૂચનાઓ આપી છે. ડેપ્યુટી ડિફેન્સ સેક્રેટરી સ્ટીવ ફીનબર્ગે સંરક્ષણ ઉત્પાદન કરતી અગ્રણી કંપનીઓને ૨૧ દિવસનું અલ્ટીમેટમ આપતા એ જણાવવા કહ્યું છે કે તેઓ શસ્ત્રોનું ઉત્પાદન અને ડિલિવરી કેટલી ઝડપથી વધારી શકે તેમ છે. આ નિર્દેશ બોઇંગ (Boeing), લોકહીડ માર્ટિન (Lockheed Martin) અને રેટિઓન (RTX) જેવી વૈશ્વિક સ્તરની દિગ્ગજ કંપનીઓને આપવામાં આવ્યો છે.
કેટલો ખાલી થયો અમેરિકાનો મિસાઈલ ભંડાર?
સામાન્ય રીતે અમેરિકી સેનાના વાસ્તવિક શસ્ત્રાગાર અને સ્ટોકની સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવતી નથી. આથી ઉપલબ્ધ આંકડાઓ નિષ્ણાતોના અંદાજો પર આધારિત છે. પરંતુ વોશિંગ્ટન સ્થિત સિક્યુરિટી થીંક ટેન્ક ‘સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઈન્ટરનેશનલ સ્ટડીઝ’ (CSIS) ના વિશ્લેષણ પરથી પરિસ્થિતિ કેટલી ગંભીર છે તેનો સ્પષ્ટ અંદાજ મેળવી શકાય છે.

ઈરાન તરફથી કરવામાં આવેલા મિસાઈલ અને ડ્રોન હુમલાઓને હવામાં જ તોડી પાડવા માટે અમેરિકી સેનાએ મોટી સંખ્યામાં પોતાના અત્યાધુનિક પેટ્રિઅટ (Patriot) અને થાડ (THAAD) ઈન્ટરસેપ્ટર મિસાઈલોનો ઉપયોગ કરવો પડ્યો હતો. CSIS ના જુલાઈના મૂલ્યાંકન મુજબ, અમેરિકા પાસે પેટ્રિઅટ ઈન્ટરસેપ્ટરનો ભંડાર ૧,૦૦૦ થી પણ નીચે આવી ગયો હતો. બાદના અંદાજોમાં આ સંખ્યા ઘટીને આશરે ૭૫૯ થી ૮૨૭ જેટલી રહી ગઈ હોવાનું સામે આવ્યું છે. આ યુદ્ધ શરૂ થયું તે પહેલાં અમેરિકા પાસે આશરે ૨,૩૩૦ પેટ્રિઅટ ઈન્ટરસેપ્ટર્સ હતા. એટલે કે તેના મુખ્ય એર ડિફેન્સ સ્ટોકમાં ઓછામાં ઓછો ૬૫% જેટલો મોટો ઘટાડો નોંધાયો છે.
બીજી તરફ, થાડ (THAAD) સિસ્ટમની સ્થિતિ પણ ખૂબ ચિંતાજનક છે. સંઘર્ષ પહેલા અમેરિકા પાસે આશરે ૪૫૨ THAAD ઈન્ટરસેપ્ટર્સ ઉપલબ્ધ હતા, જે હવે ઘટીને માત્ર ૨૩૨ થી ૨૭૮ જેટલા જ રહી ગયા છે. આનો અર્થ એ થયો કે આ સિસ્ટમના સ્ટોકમાં પણ લગભગ ૩૮% થી વધુનો ઘટાડો થયો છે.
માત્ર ડિફેન્સ જ નહીં, હુમલો કરનારી આક્રમક મિસાઈલો પણ મોટાપ્રમાણમાં વપરાઈ
ચિંતા માત્ર દુશ્મનના હુમલા રોકવા પૂરતી સીમિત નથી. ઈરાન સામેના લશ્કરી અભિયાનમાં અમેરિકાએ તેની લાંબા અંતરની આક્રમક મિસાઈલોનો પણ છૂટથી ઉપયોગ કર્યો છે. CSIS ના વિશ્લેષણ મુજબ, ટોમાહોક ક્રૂઝ મિસાઈલ (Tomahawk), જેએસએસએમ (JASSM), પીએઆરએસએમ (PrSM) અને સ્ટાન્ડર્ડ મિસાઈલ (Standard Missile) જેવા મહત્વના હથિયારોના જથ્થા પર ભારે દબાણ ઊભું થયું છે. એપ્રિલ મહિનામાં જ CSIS એ સ્પષ્ટ કર્યું હતું કે યુદ્ધના શરૂઆતી ૩૯ દિવસના એર અને મિસાઈલ કેમ્પેઈનમાં અમેરિકાની સાત મુખ્ય શસ્ત્ર પ્રણાલીઓનો મોટો હિસ્સો વપરાઈ ચૂક્યો હતો.
‘વોશિંગ્ટન પોસ્ટ’ના એક અહેવાલ અનુસાર, યુદ્ધના પ્રથમ તબક્કામાં જ અમેરિકાએ ૧,૦૦૦ થી વધુ ટોમાહોક ક્રૂઝ મિસાઈલો દાગી દીધી હતી, જે તેના કુલ સક્રિય સ્ટોકના લગભગ એક-તૃતિયાંશ (૧/૩) ભાગ જેટલી હતી. આ ઉપરાંત JASSM નો પણ ચોથો ભાગ વપરાઈ ગયો હતો. એટલે કે મુખ્ય સમસ્યા એ નથી કે અમેરિકા પાસે આજે હથિયારો સાવ ખતમ થઈ ગયા છે, પરંતુ ખરી ચિંતા એ વાતની છે કે આ યુદ્ધ પૂરું થયા પછી સેનાને સુરક્ષિત સ્તર સુધી પહોંચાડવા માટે શસ્ત્રોનો જથ્થો ફરીથી એકઠો કરવામાં કેટલો સમય લાગશે.
નવી મિસાઈલો બનાવવામાં લાગશે વર્ષોનો સમય
અમેરિકાની ખરી મુશ્કેલી અહીંથી શરૂ થાય છે. આધુનિક અને હાઈ-ટેક મિસાઈલો એ કોઈ સામાન્ય ફેક્ટરીમાં ઝડપથી પ્રોસેસ થઈને બનતી ચીજવસ્તુઓ નથી. તેના નિર્માણ માટે અતિ જટિલ ઈલેક્ટ્રોનિક્સ, સેન્સર્સ, વિશિષ્ટ એન્જિન, ગાઈડન્સ સિસ્ટમ્સ અને અન્ય વિશિષ્ટ ભાગોની જરૂર પડે છે, જેની સપ્લાય ચેઈન પણ જટિલ હોય છે.
CSIS ના મે ૨૦૨૬ ના તાજેતરના વિશ્લેષણ અનુસાર, Tomahawk, Patriot અને THAAD મિસાઈલોને યુદ્ધ પહેલાના સ્ટોક લેવલ સુધી પહોંચાડવામાં વર્તમાન ઉત્પાદન દર મુજબ આશરે ત્રણ વર્ષ કે તેથી વધુ સમય લાગી શકે છે. તે જ રીતે, SM-3 અને SM-6 મિસાઈલોને પૂર્ણ ક્ષમતાએ લાવવામાં લગભગ બે વર્ષનો સમય લાગશે, જ્યારે JASSM અને PrSM નો પર્યાપ્ત જથ્થો તૈયાર કરવામાં કેટલાક મહિનાઓથી લઈને એક વર્ષ સુધીનો સમય લાગી શકે છે. આનો સીધો અર્થ એ થાય છે કે જો આ ગાળા દરમિયાન અમેરિકાને વિશ્વના કોઈ અન્ય મોરચે મોટું યુદ્ધ લડવાની નૌબત આવે, તો તેની પાસે પહેલા જેવી મજબૂત મિસાઈલ સુરક્ષા ઉપલબ્ધ નહીં હોય.
પેન્ટાગોને કંપનીઓને કેમ આપ્યું ૨૧ દિવસનું અલ્ટીમેટમ?
પેન્ટાગોન હવે માત્ર હાલના કારખાનાઓ પાસેથી કામ લેવા માંગતું નથી, પરંતુ સમગ્ર અમેરિકી સંરક્ષણ ઉત્પાદન ક્ષમતા (Defense Industrial Base) નો વ્યાપ વધારવા માગે છે. સ્ટીવ ફીનબર્ગે કંપનીઓને આદેશ આપ્યો છે કે તેઓ ઉત્પાદન ક્ષમતા વધારવા, ડિલિવરી ઝડપી બનાવવા અને પ્રોડક્શન સાયકલને ટૂંકાવવા માટેની નક્કર યોજનાઓ રજૂ કરે. પેન્ટાગોનનો ખાસ ભાર વાઈડ-એરિયા સર્વેલન્સ, એર-ડિફેન્સ સેન્સર્સ, ઈન્ટરસેપ્ટર્સ અને મિસાઈલ-ટ્રેકિંગ સિસ્ટમ્સના ઝડપી ઉત્પાદન પર છે.
આ અંગે ટ્રમ્પનો શો દાવો છે?
રસપ્રદ વાત એ છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સંરક્ષણ ક્ષેત્રની આ ચિંતાઓને સતત ફગાવતા રહ્યા છે. જુલાઈ મહિનામાં તેમણે દાવો કર્યો હતો કે અમેરિકા પાસે દુનિયાના કોઈપણ દેશ કરતાં વધુ હથિયારો છે અને જરૂરિયાત કરતાં પણ વધુ જથ્થો ઉપલબ્ધ છે. તાજેતરમાં ગુરુવારે પણ તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે અમેરિકા પાસે શસ્ત્રોનો વિપુલ ભંડાર છે અને સતત નવા શસ્ત્રો બનીને સેનામાં સામેલ થઈ રહ્યા છે.
આમ, હાલમાં બે પરસ્પર વિરોધી બાબતો સામે આવી રહી છે. એક તરફ વ્હાઈટ હાઉસ પાસે પૂરતા હથિયારો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ પેન્ટાગોન ઉત્પાદન ક્ષમતા ઝડપથી વધારવા માટે કંપનીઓ પર સતત દબાણ કરી રહ્યું છે.
અસલી ખતરો ચીન સામેના મોરચે?
સંરક્ષણ વિશ્લેષકોના મતે આ સંકટ માત્ર ઈરાન યુદ્ધ પૂરતું મર્યાદિત નથી. CSIS નું માનવું છે કે અમેરિકી શસ્ત્રાગારમાં થયેલા આ ઘટાડાથી ભવિષ્યમાં વેસ્ટર્ન પેસિફિક ક્ષેત્રમાં, ખાસ કરીને ચીન સાથેના સંભવિત તણાવ કે સંઘર્ષ દરમિયાન અમેરિકા માટે જોખમ અભૂતપૂર્વ રીતે વધી શકે છે. જો ચીન સામે મોરચો ખોલવો પડે તો પેટ્રિઅટ, થાડ અને લાંબા અંતરની આક્રમક મિસાઈલો જ સૌથી નિર્ણાયક સાબિત થશે. ઈરાન સાથેના આ યુદ્ધે અમેરિકી લશ્કરી તાકાતની એક મોટી નબળાઈ દુનિયા સામે છતી કરી દીધી છે કે – અમેરિકા પાસે અતિઆધુનિક શસ્ત્રો જરૂર છે, પરંતુ મોટા પાયા પર અને ખૂબ ઝડપથી તેનું પુનઃઉત્પાદન કરવાની ક્ષમતા અત્યારે તેના માટે મોટો પડકાર બની ગઈ છે.
