ગુજરાતમાં 6 વરસાદી સિસ્ટમ એકસાથે સક્રિય: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદનું યલો એલર્ટ

By
Satya Day
Satya Day is a dedicated contributor at Satya Day News, delivering timely, factual, and insightful news updates across various categories including politics, current affairs, social issues,...
3 Min Read
દક્ષિણ ગુજરાતમાં મોસમનો ૧૦૦% વરસાદ પૂર્ણ: ૧૬ અને ૧૭ ઓગસ્ટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
ગુજરાતમાં ચોમાસાની ઋતુએ ફરી એકવાર જોર પકડ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્ય પર એક સાથે ૬ જેટલી વિવિધ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના પરિણામે આગામી ૨ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની પૂર્ણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો સરેરાશ ૭૩.૮૬ ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જેમાં દક્ષિણ ગુજરાત ઝોન ૧૦૦ ટકાથી વધુ વરસાદ સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે છે.

દક્ષિણ ગુજરાત અને સંઘપ્રદેશમાં યલો એલર્ટ જારી

હવામાન વિભાગના બુલેટિન અનુસાર, શિયર ઝોન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ડિપ્રેશન, મોન્સુન ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને એક વધારાના ટ્રફના સંયુક્ત પ્રભાવથી મેઘરાજા પુનઃ મહેરબાન થયા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ મુસળધાર વરસાદની સંભાવના દર્શાવાઈ છે.
સમુદ્રમાં સર્જાયેલા ભારે કરંટ અને ખરાબ હવામાનની સ્થિતિને લીધે તંત્ર દ્વારા ૧૬ અને ૧૭ ઓગસ્ટ દરમિયાન તમામ માછીમારોને દરિયામાં ન જવાની અને કિનારે પાછા ફરી જવાની કડક સૂચના આપવામાં આવી છે.
Weather Update

ઝોન વાઇઝ વરસાદી આંકડા અને ખેડૂતોની સ્થિતિ

રાજ્યમાં અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાતમાં ૬૧.૧૨ ઇંચ (૧૦૦.૬૭%) વરસાદ નોંધાયો છે, જે ઝોન વાઇઝ સૌથી વધુ છે. પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૨૩.૭૩ ઇંચ, સૌરાષ્ટ્રમાં ૧૬.૬૪ ઇંચ, ઉત્તર ગુજરાતમાં ૧૬.૦૯ ઇંચ અને કચ્છ ઝોનમાં ૫.૭૩ ઇંચ વરસાદ નોંધાયો છે.
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં પાકની વાવણી પૂર્ણ થયા બાદ યોગ્ય અને પૂરતો વરસાદ થયો નથી. લાંબા વિરામને કારણે ખેડૂતોના જીવ અધ્ધર થઈ ગયા છે અને તેઓ આતુરતાથી મેઘમહેરની રાહ જોઈ રહ્યા છે. જગતના તાતનું કહેવું છે કે જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં થાય તો વાવેતર કરેલો પાક નિષ્ફળ જવાની ભીતિ છે.
Weather Update

સૌરાષ્ટ્ર અને અરવલ્લીમાં વરસાદી ઝાપટાં શરૂ

નવી વરસાદી સિસ્ટમની અસર હેઠળ રાજકોટ જિલ્લાના જેતપુર શહેરના તીનબત્તી ચોક, ફૂલવાડી, એમજી રોડ, મતવાશેરી અને જૂનાગઢ રોડ જેવા મુખ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. ધોરાજી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો જેવા કે ગેલેક્સી રોડ, સરદાર ચોક અને ત્રણ દરવાજા વિસ્તારમાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. બીજી તરફ ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લાના મોડાસા ગ્રામ્ય પંથકના મોટી ઈસરોલ, ઉમેદપુર અને જીવણપુર ગામોમાં પણ ઝાપટાં પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
Share This Article
Satya Day is a dedicated contributor at Satya Day News, delivering timely, factual, and insightful news updates across various categories including politics, current affairs, social issues, and regional developments. With a passion for truth and responsible journalism, Satya Day ensures that every story reflects accuracy, neutrality, and public relevance. Stay connected with Satya Day for news that matters.