લશ્કર-એ-તૈયબાના મોરચા યુનાઇટેડ લિબરેશન કાઉન્સિલનો પત્ર: કાશ્મીરી પંડિતોને ગણાવ્યા દિલ્હીના એજન્ટ
જમ્મુ-કાશ્મીરમાં શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો વચ્ચે કાશ્મીરી પંડિત કર્મચારીઓની સુરક્ષા પર ફરી એકવાર મોટું સંકટ ઘેરાયું છે. ખીણમાં ફરજ રહેલા કાશ્મીરી પંડિત કર્મચારીઓને લક્ષ્ય બનાવીને ઓનલાઈન માધ્યમો દ્વારા ધમકીભર્યો પત્ર જારી કરવામાં આવ્યો છે. આ વખતે આતંકવાદીઓએ અત્યંત ખતરનાક વલણ અપનાવતા પત્રમાં કર્મચારીઓના ઘરના નંબર, શેરી નંબર અને વ્યક્તિગત વિગતો પણ જાહેર કરી દીધી છે, જેના કારણે કાશ્મીરી પંડિત સમુદાયમાં ભારે ફાળ અને ચિંતાનો માહોલ સર્જાયો છે.
યુનાઇટેડ લિબરેશન કાઉન્સિલના નામે મોકલાયો ધમકીભર્યો પત્ર
મળતી માહિતી મુજબ, આ ધમકી ઓનલાઈન પ્લેટફોર્મ પર ‘યુએલસી’ (ULC – United Liberation Council) ગ્રુપના નામે પોસ્ટ કરવામાં આવી છે. આ સંગઠન આતંકી જૂથ લશ્કર-એ-તૈયબા (LeT) નો જ એક મોરચો હોવાનું માનવામાં આવી રહ્યું છે. અહેમદ બિલાલ નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવેલા આ પત્રમાં કાશ્મીરી પંડિત કર્મચારીઓને સીધી ચેતવણી આપવામાં આવી છે.
પત્રમાં લખવામાં આવ્યું છે કે, “અમે તમને પહેલા પણ ચેતવણી આપી ચૂક્યા છીએ. અમે આ લોકોની દરેક ગતિવિધિ પર ખૂબ જ બારીકાઈથી નજર રાખી રહ્યા છીએ.” આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતો પર આક્ષેપ કર્યો છે કે તેઓ દેશદ્રોહી છે અને દિલ્હીમાં બેઠેલા તેમના આકાઓના ઈશારે કામ કરી રહ્યા છે.
કાશ્મીરમાં રહેતા લોકો સુરક્ષિત હોવાનો વિવાદાસ્પદ દાવો
આતંકી પત્રમાં વધુમાં એક વિચિત્ર દાવો કરવામાં આવ્યો છે કે, જે કાશ્મીરી પંડિતો મૂળથી કાશ્મીર છોડીને બહાર ગયા નથી તેઓ સુરક્ષિત છે અને તેમને કોઈ નુકસાન પહોંચાડવામાં આવશે નહીં. પરંતુ જે કર્મચારીઓ વિસ્થાપિત થયા પછી કે સરકારી યોજનાઓ હેઠળ કામ માટે પાછા ફર્યા છે તેઓ ‘આરએસએસ (RSS) ના એજન્ડા’ ને અનુસરી રહ્યા છે અને તેમને લક્ષ્ય બનાવવામાં આવશે.
અગાઉ પણ આવા ધમકીભર્યા પત્રો જારી કરવામાં આવ્યા હતા જેમાં કર્મચારીઓના નામ અને ટેલિફોન નંબરનો ઉલ્લેખ હતો, પરંતુ આ વખતે ઘર અને શેરીના સરનામા જાહેર કરી દેવાતા આતંકીઓની પહોંચ અંગે ગંભીર સવાલો ઊભા થયા છે.
ટેલિગ્રામ એકાઉન્ટ પર ‘કિલિંગ પોલ’ અને સાયબર સેલમાં આકરા પગલાં
આ મામલો માત્ર ધમકી સુધી સીમિત નથી રહ્યો. આતંકી સમર્થકોએ ટેલિગ્રામ એકાઉન્ટ પર કાશ્મીરી પંડિત કર્મચારીઓની કથિત રીતે ‘ટાર્ગેટેડ કિલિંગ’ શરૂ કરવા માટે એક ઓનલાઈન પોલ (મતદાન) શરૂ કરવાની મંજૂરી માગી હોવાનું સામે આવ્યું છે. આતંકવાદીઓની આ માનવતાહીન હિલચાલ સામે કાયદાકીય એજન્સીઓ તાત્કાલિક એક્શનમાં આવી છે.
આ ધમકી અને ઓનલાઈન પજવણી સામે નવી દિલ્હી સ્થિત ઓનલાઈન સાયબર ક્રાઈમ સેલમાં સત્તાવાર આતંકવાદ વિરોધી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સાયબર હેરાસમેન્ટ અને ટેરરિઝમ કાયદા હેઠળ નોંધાયેલી આ ફરિયાદમાં તાત્કાલિક ધોરણે ડિજિટલ ફોરેન્સિક તપાસ શરૂ કરવાની માગ કરવામાં આવી છે, જેથી ટેલિગ્રામ અને અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ચલાવનારા આતંકી નેટવર્કને ટ્રેસ કરી શકાય.
સુરક્ષા એજન્સીઓએ આ ધમકીભર્યા પત્રની ગંભીર નોંધ લીધી છે અને ખીણમાં વસતા તથા સરકારી સેવામાં જોડાયેલા કાશ્મીરી પંડિત કર્મચારીઓની સુરક્ષા સમીક્ષા તેજ કરી દીધી છે.
