વંદે માતરમ્ થી Gen Z સુધી: ભાજપની નવી ટીમે ઘડી વ્યૂહરચના, દેશવ્યાપી મેગા પ્લાન તૈયાર
દિલ્હી સ્થિત ભારતીય જનતા પાર્ટીના મુખ્યાલય ખાતે પાર્ટીની નવનિયુક્ત રાષ્ટ્રીય ટીમની પ્રથમ ઔપચારિક બેઠક યોજાઈ હતી. રાષ્ટ્રીય પ્રમુખ નિતિન નવીનની અધ્યક્ષતામાં યોજાયેલી આ મહત્વપૂર્ણ બેઠકમાં સંગઠનાત્મક મજબૂતી, આગામી ચૂંટણીઓની તૈયારીઓ અને યુવા પેઢી (Gen Z) સુધી પહોંચ વધારવા અંગે કેટલાક નિર્ણાયક પગલાં લેવામાં આવ્યા છે. આ બેઠકમાં ૬૫ નવા હોદ્દેદારો તેમજ અનેક અનુભવી નેતાઓ હાજર રહ્યા હતા. આ દરમિયાન પક્ષના હોદ્દેદારોને બૂથ સ્તર સુધી સક્રિયતા વધારવા અને સરકારી યોજનાઓને જનજન સુધી પહોંચાડવા માટે ક્ષેત્રિય સ્તરે કામ કરવા સૂચના આપવામાં આવી હતી.
આ બેઠકમાં સૌથી મોટો રાજકીય સંદેશ ‘વંદે માતરમ્’ ના સન્માન અને તેની ઐતિહાસિક વિરાસતને લઈને આપવામાં આવ્યો હતો. પાર્ટીએ આ રાષ્ટ્રીય ગીતના ગૌરવ અને જાગૃતિ માટે દેશવ્યાપી અભિયાન ચલાવવાનો પ્રસ્તાવ પસાર કર્યો છે.
વંદે માતરમ્ ના ૧૫૦ વર્ષ: દેશવ્યાપી જાગૃતિ અભિયાન
ભાજપની આ બેઠકમાં રાષ્ટ્રીય ગીત વંદે માતરમ્ ના સન્માન અને તેની ઐતિહાસિક વિરાસતની રક્ષા માટે ખાસ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. પક્ષે કોંગ્રેસ કાર્યસમિતીના એ જૂના નિર્ણયનો વિરોધ કર્યો હતો જેમાં વંદે માતરમ્ ની માત્ર શરૂઆતની બે કડીઓ જ ગ્રાહ્ય રાખવાની વાત કહેવામાં આવી હતી. ભાજપનું માનવું છે કે વંદે માતરમ્ એ ભારતની રાષ્ટ્રીય ચેતના, સ્વતંત્રતા સંગ્રામ અને રાષ્ટ્રગૌરવનું અમર પ્રતીક છે.
આથી, પાર્ટીએ નક્કી કર્યું છે કે વંદે માતરમ્ નો ઐતિહાસિક સંદર્ભ, તેનો સાચો અર્થ અને દેશની આઝાદીમાં તેનું યોગદાન દેશના ખૂણે-ખૂણે પહોંચાડવામાં આવશે. આ અભિયાનને માત્ર રાજકીય મુદ્દા સુધી મર્યાદિત ન રાખતાં, ખાસ કરીને શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને યુવા વર્ગમાં આ અંગે વિશિષ્ટ જાગૃતિ કાર્યક્રમો આયોજિત કરાશે.
Gen Z અને યુવા વર્ગ સુધી સીધી પહોંચ
નવી રાષ્ટ્રીય ટીમે આજની યુવા પેઢી એટલે કે ‘Gen Z’ સાથે જોડાવા માટે એક વિશિષ્ટ વ્યૂહરચના તૈયાર કરી છે. ભાજપનું માનવું છે કે યુવા મતદારોની વિચારસરણી, તેમની જરૂરિયાતો અને તેમના પ્રશ્નોને સમજવા માટે તેમની સાથે સીધો સંવાદ જરૂરી છે.
આ માટે નિતિન નવીન, સ્મૃતિ ઈરાની, વિનોદ તાવડે, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને છત્તીસગઢના મંત્રી ઓ.પી. ચૌધરી જેવા અગ્રણી નેતાઓની એક વિશેષ ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ સીધી યુવાનો વચ્ચે જઈને તેમની સાથે સંવાદ કરશે. આ ઉપરાંત, સ્થાનિક સમસ્યાઓના ઉકેલ માટે યુવાનો અને Gen Z ની ભાગીદારી સુનિશ્ચિત કરવાના હેતુથી દરેક સ્તરે ‘નેશનલ ઈનોવેશન ચેલેન્જ’ જેવી સ્પર્ધાઓ પણ યોજવામાં આવશે.
૧૭ સપ્ટેમ્બરથી ‘સેવા પખવાડિયું’ અને ૧૪ લાખ આંગણવાડીઓનો સંપર્ક
ભાજપના મહામંત્રી વિનોદ તાવડેએ બેઠકની વિગતો આપતાં જણાવ્યું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ૧૭ સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે ‘સેવા પખવાડિયું’ યોજાશે. વડાપ્રધાન મોદીના જાહેર જીવન અને સુશાસનના ૨૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોવાથી આ વખતે ૧૭ સપ્ટેમ્બરથી એક મહિના સુધી ‘સેવા સન્માન’ કાર્યક્રમ ચલાવવામાં આવશે.
આ અભિયાન હેઠળ, ભાજપના કાર્યકરો દેશભરની 14 લાખથી વધુ આંગણવાડીઓ સુધી પહોંચશે અને ત્યાંના કાર્યકરોનું સન્માન કરશે. પક્ષના કાર્યકરોને દરેક સેવાની ટૂંકી વિડિઓ ક્લિપ્સ (રીલ્સ) બનાવવા અને તેને ડિજિટલ પ્લેટફોર્મ પર શેર કરવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. આ સમયગાળા દરમિયાન, આયુષ્માન ભારત, કિસાન સન્માન નિધિ જેવી તમામ જાહેર કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ સુધી પહોંચવા માટે આરોગ્ય શિબિરો, રક્તદાન શિબિરો અને વૃક્ષારોપણ જેવા મોટા પાયે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
સરકારના ૨૫ વર્ષના સુશાસન પર ડિજિટલ અને ફોટો પ્રદર્શની
નરેન્દ્ર મોદીના જાહેર સેવામાં ૨૫ વર્ષ પૂર્ણ થવાની થીમ પર દેશભરમાં ડિજિટલ અને ફોટો પ્રદર્શનીઓ યોજવામાં આવશે. બુદ્ધિજીવી વર્ગ માટે સભાઓ, સુશાસન સેમિનાર અને વિવિધ સામાજિક વર્ગો સાથે બેઠકો યોજાશે. આ સમગ્ર રાષ્ટ્રીય અભિયાનના કન્વીનર તરીકે ભાજપ મહામંત્રી વિનોદ તાવડે જવાબદારી સંભાળશે, જ્યારે દરેક રાજ્યમાં આ માટે ૭ સભ્યોની વિશેષ ટીમ રચવામાં આવશે.
સાંજે યોજાયેલી બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી રાષ્ટ્રીય ટીમના હોદ્દેદારો અને પ્રદેશ નેતૃત્વ સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાને આગામી રાજ્ય સભા અને વિધાનસભા ચૂંટણીઓ, સંગઠનાત્મક મજબૂતી અને પક્ષના ભવિષ્યના રોડમેપ અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. એકંદરે, ભાજપે પોતાના કેડરને ગ્રાઉન્ડ લેવલ પર સક્રિય કરવા સાથે યુવા પેઢીને સાથે જોડવા માટે મોટો માસ્ટરપ્લાન તૈયાર કરી લીધો છે.


