ફ્રેન્ચ ફ્રાઇઝનું વધુ પડતું સેવન કિડની પર કેવી અસર કરે છે? જાણીતા તબીબે જણાવી દરરોજ ખાવાની ગંભીર અસરો
ફ્રેન્ચ ફ્રાઇઝ નાના બાળકોથી લઈને મોટેરાઓ સુધીના તમામ લોકોનું ફેવરિટ ફાસ્ટ ફૂડ છે. બર્ગર હોય, પિઝા હોય કે સાંજના નાસ્તાની વાત હોય, મોટાભાગના લોકો ફ્રેન્ચ ફ્રાઇઝ ઓર્ડર કરવાનું પસંદ કરતા હોય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ક્રિસ્પી અને મસાલેદાર લાગતી આ ફ્રાઇઝ તમારા શરીર અને ખાસ કરીને તમારી કિડની (Kidneys) પર કેવી નકારાત્મક અસર પાડે છે?
કિમ્સ હોસ્પિટલ (KIMS Hospital) ના એન્ડ્રોલોજિસ્ટ ડોક્ટર વિશ્વાસ એમ.આર. ના જણાવ્યા અનુસાર, જો ફ્રેન્ચ ફ્રાઇઝને દરરોજ અથવા તો વધુ પ્રમાણમાં ખોરાકમાં સામેલ કરવામાં આવે, તો તે લાંબા ગાળે કિડનીની કાર્યક્ષમતા પર ગંભીર અસર કરી શકે છે. ખાસ કરીને હોટેલ્સ કે ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટ્સમાં મળતી ફ્રાઇઝ વધુ નુકસાનકારક હોય છે.
ફ્રેન્ચ ફ્રાઇઝ શા માટે કિડની માટે નુકસાનકારક સાબિત થાય છે?
બટાકા પોતે કિડની માટે કોઈ ઝેરી કે નુકસાનકારક ખોરાક નથી. મૂળ સમસ્યા ત્યારે ઊભી થાય છે જ્યારે બટાકાને ખુબ જ ઊંચા તાપમાને તેલમાં ડીપ ફ્રાય (Deep Fry) કરવામાં આવે છે અને તેના પર પુષ્કળ પ્રમાણમાં મીઠું અને પ્રોસેસ્ડ મસાલાઓ ઉમેરવામાં આવે છે.
જ્યારે આ પ્રકારની ફ્રાઇઝનું નિયમિત સેવન કરવામાં આવે છે, ત્યારે તે શરીરમાં સોડિયમ (Sodium) અને સેચ્યુરેટેડ ફેટનું પ્રમાણ અત્યંત વધારી દે છે. કિડનીનું મુખ્ય કામ લોહીમાંથી ઝેરી તત્વો અને વધારાનું પાણી ગાળીને બહાર કાઢવાનું છે, પરંતુ આ પ્રકારની જીવનશૈલીથી કિડની પર વધારાનું દબાણ ઊભું થાય છે.

વધુ પડતું મીઠું (સોડિયમ) અને હાઈ બ્લડ પ્રેશરનું જોખમ
ફ્રેન્ચ ફ્રાઇઝને સ્વાદિષ્ટ બનાવવા માટે તેના પર ઉપરથી વધુ પડતું મીઠું છાંટવામાં આવે છે. રેસ્ટોરેન્ટ્સ અને ફાસ્ટ ફૂડ ચેઇન્સમાં વપરાતા પ્રોસેસ્ડ મસાલાઓમાં સોડિયમનું પ્રમાણ ખૂબ ઊંચું હોય છે.
શરીરમાં પાણી ભરાઈ રહેવું: સોડિયમનું પ્રમાણ વધવાથી શરીર કોષોમાં પાણી પકડી રાખે છે (Fluid Retention).
બ્લડ પ્રેશરમાં વધારો: શરીરમાં ફ્લુઇડ વધવાથી લોહીનું દબાણ એટલે કે હાઈ બ્લડ પ્રેશર (High BP) થાય છે.
કિડની પર માાડી અસર: હાઈ બ્લડ પ્રેશર અને ક્રોનિક કિડની ડિસીઝ (CKD) વચ્ચે સીધો સંબંધ છે. હાઈ બીપીને કારણે કિડનીની બારીક રક્તવાહિનીઓ નબળી પડે છે, જેનાથી કિડની ફિલ્ટર કરવાની પોતાની ક્ષમતા ધીમે ધીમે ગુમાવવા લાગે છે.
શું ફ્રેન્ચ ફ્રાઇઝ ખાવાથી કિડની સ્ટોન (પથરી) થઈ શકે?
માત્ર ફ્રેન્ચ ફ્રાઇઝ ખાવાથી સીધી રીતે કિડની સ્ટોન થઈ જાય તેવું કહેવું સંપૂર્ણપણે યોગ્ય નથી, કારણ કે પથરી થવા પાછળ ઘણા કારણો જવાબદાર હોય છે. જેમ કે ઓછું પાણી પીવું, આનુવંશિક કારણો, કેલ્શિયમનું અસંતુલન અને મેટાબોલિક ક્ષતિઓ.
આમ છતાં, ફ્રેન્ચ ફ્રાઇઝ કિડની સ્ટોનનું જોખમ ચોક્કસપણે વધારી શકે છે. તેમાં રહેલું અત્યાધિક સોડિયમ પેશાબ (Urine) મારફતે કેલ્શિયમના ઉત્સર્જનને વધારી દે છે. જ્યારે પેશાબમાં કેલ્શિયમનું પ્રમાણ વધે છે, ત્યારે તે યુરિક એસિડ અથવા ઓક્સાલેટ સાથે મળીને નાના-નાના સ્ફટિકો બનાવે છે, જે આગળ જતાં કિડની સ્ટોનનું રૂપ ધારણ કરી લે છે.
ક્રોનિક કિડની ડિસીઝ (CKD) અને ડાયાબિટીસનું જોખમ
એ વાત સાચી છે કે ફ્રેન્ચ ફ્રાઇઝ ખાવાથી સીધા જ સીકેડી (CKD) થતી નથી, પરંતુ ફ્રાઇઝ જેવી હાઈ-સોડિયમ, હાઈ-કેલરી અને ફેટથી ભરપૂર વસ્તુઓ ખાવાની ટેવ શરીરના મેટાબોલિઝમને બગાડે છે.
આવા પ્રોસેસ્ડ ફૂડથી વજન ઝડપથી વધે છે અને ઓબેસિટી (મેદસ્વિતા) થાય છે. મેદસ્વિતાને કારણે ટાઇપ-2 ડાયાબિટીસ અને હાઇપરટેન્શનનું જોખમ બેગણું થઈ જાય છે. ડાયાબિટીસ અને હાઈ બીપી એ કિડની ફેલ્યોર થવાના બે સૌથી મોટા મુખ્ય કારણો છે. તેથી અડકતરી રીતે ફ્રેન્ચ ફ્રાઇઝ કિડનીને ભારે નુકસાન પહોંચાડી શકે છે.
ફ્રેન્ચ ફ્રાઇઝના ક્રેવિંગને કંટ્રોલ કરવા અને સુરક્ષિત રહેવાના ઉપાયો
જો તમને ફ્રેન્ચ ફ્રાઇઝ ખાવાનો ખૂબ શોખ હોય, તો તેનો અર્થ એ નથી કે તમારે તેને જિંદગીભર માટે છોડી દેવી પડશે. પરંતુ કેટલીક સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે:
ક્યારેક જ ખાઓ: ફ્રેન્ચ ફ્રાઇઝને દરરોજ કે અઠવાડિયામાં અલ્ટરનેટિવ દિવસોમાં ખાવાને બદલે મહિનામાં એક કે બે વાર જ ખાઓ.
ઘરે જ બનાવો: બહારનું તેલ ઘણીવાર વારંવાર રી-યુઝ થયેલું હોય છે, જે કેન્સર અને હૃદયરોગનું કારણ બને છે. ઘરે ઓછા તેલમાં અથવા એર ફ્રાયર (Air Fryer) નો ઉપયોગ કરીને ફ્રાઇઝ બનાવો.
મીઠું ઓછું વાપરો: ફ્રાઇઝ પર પ્રોસેસ્ડ મસાલા કે વધુ પડતું મીઠું છાંટવાનું ટાળો. તેના બદલે કુદરતી હર્બ્સ કે હળવા મરીના પાવડરનો ઉપયોગ કરી શકો છો.
પાણી પુષ્કળ પીઓ: જો તમે ક્યારેક ફાસ્ટ ફૂડ ખાઓ છો, તો શરીરમાંથી સોડિયમને બહાર ફેંકવા માટે દિવસ દરમિયાન પુષ્કળ પાણી પીઓ.

