અદાણી ફાઉન્ડેશન દ્વારા નવી દિલ્હી ખાતે AVPN વેલકમ ડિનરનું ભવ્ય આયોજન: ડૉ. પ્રીતિ અદાણીએ આપ્યો સ્થાયી પરિવર્તન અને પરોપકારનો સબળ સંદેશ
દેશના આર્થિક અને સામાજિક ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપનાર અદાણી ગ્રુપની સામાજિક કલ્યાણ શાખા અને AVPN ગ્લોબલ કોન્ફરન્સ 2026ના સ્ટ્રેટેજિક પાર્ટનર ‘અદાણી ફાઉન્ડેશન’ દ્વારા નવી દિલ્હીના ઐતિહાસિક ભારત મંડપમ ખાતે દેશ-વિદેશના લગભગ ૨,૦૦૦ થી વધુ અગ્રણી પ્રતિનિધિઓ માટે એક ભવ્ય અને ગૌરવપૂર્ણ વેલકમ ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાજિક પ્રભાવ અને પરોપકાર ક્ષેત્રે એશિયાના સૌથી મોટા પ્લેટફોર્મ ‘AVPN’ (Asian Venture Philanthropy Network) ની આ ૧૩મી ગ્લોબલ કોન્ફરન્સ પ્રથમ વખત ભારતના આતિથ્ય હેઠળ યોજાઈ રહી છે. આ આંતરરાષ્ટ્રીય મંચ પર વિશ્વભરના જાણીતા પરોપકારીઓ, નીતિ-નિર્માતાઓ, સમાજસેવકો અને ક્ષેત્રીય નિષ્ણાતો એક છત નીચે એકત્રિત થયા હતા.
આ ગૌરવશાળી પ્રસંગે સભાને સંબોધતા અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડૉ. પ્રીતિ અદાણીએ જણાવ્યું હતું કે, “જ્યારે સમગ્ર વિશ્વ આજે ભારત અને એશિયા તરફ વિકાસના નવા એન્જિન તરીકે આશાસ્પદ નજરે જોઈ રહ્યું છે, ત્યારે આવા વૈશ્વિક પરોપકારી નેતાઓનું ભારતના આંગણે સ્વાગત કરવું એ અમારા માટે ભારે ગૌરવની વાત છે. અદાણી ફાઉન્ડેશનની વિતેલા ૩૦ વર્ષની સફરે અમને એ સ્પષ્ટ શીખવ્યું છે કે સાચું અને સ્થાયી પરિવર્તન હંમેશા સમુદાયોને પાયાના સ્તરેથી સશક્ત બનાવવાથી જ આવે છે. વર્તમાન સમયમાં સામાજિક પડકારો વધુ જટિલ અને બહુપરિમાણીય બની રહ્યા છે, તેથી આપણે માત્ર એકલદોકલ પ્રયાસો કરવાને બદલે એકબીજાના સફળ પ્રયોગોમાંથી શીખીને એવી મજબૂત અને દીર્ઘકાલીન ભાગીદારી બનાવવી પડશે જે સામાજિક પ્રભાવને સમાજના છેવાડાના માનવી સુધી પહોંચાડી શકે.”
૩૦ વર્ષની નિષ્ઠાપૂર્વકની સફર અને ૧.૩ કરોડથી વધુ જીવનમાં પરિવર્તન
આ મહત્વપૂર્ણ વૈશ્વિક સંવાદ અદાણી ફાઉન્ડેશનના લોકકલ્યાણના ૩૦ વર્ષ પૂર્ણ થવાના એક ઐતિહાસિક અવસરે થઈ રહ્યો છે. ૧૧ ઓગસ્ટ ૧૯૯૬ના રોજ સ્થાપિત થયેલા અદાણી ફાઉન્ડેશને પોતાની સફરના ત્રણ દાયકા દરમિયાન દેશના ખૂણે-ખૂણે પહોંચીને અભૂતપૂર્વ કાર્ય કર્યું છે.
શિક્ષણ, આરોગ્ય, કૌશલ્ય વિકાસ, આજીવિકા સક્ષમીકરણ અને પર્યાવરણ સુરક્ષા જેવા પાયાના ક્ષેત્રોમાં ફાઉન્ડેશને ભારતના ૨૨ રાજ્યોના ૭,૨૦૦ થી વધુ ગામડાઓમાં પોતાની સક્રિય ઉપસ્થિતિ દર્શાવી છે. અત્યાર સુધીમાં ૧.૩ કરોડથી વધુ લોકોના જીવનમાં સકારાત્મક અને ગુણાત્મક બદલાવ આણવામાં ફાઉન્ડેશન સફળ રહ્યું છે. પાયાના સ્તરે સતત રહીને લોકોની વાસ્તવિક જરૂરિયાતોને સમજીને કાર્ય કરવાની ફાઉન્ડેશનની શૈલીએ લાખો પરિવારના જીવનધોરણમાં સુધાર આણ્યો છે.
₹૬૦,૦૦૦ કરોડની વિશાળ પ્રતિબદ્ધતા: હેલ્થકેર અને શિક્ષણ ક્ષેત્રે નવી ક્રાંતિ
શ્રી ગૌતમ અદાણીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ અદાણી પરિવારે દેશમાં સ્વાસ્થ્ય સેવાઓ, કૌશલ્ય વિકાસ અને ઉચ્ચ શિક્ષણના વ્યાપક સુધારા માટે ₹૬૦,૦૦૦ કરોડના અભૂતપૂર્વ યોગદાનની પ્રતિબદ્ધતા જાહેર કરી છે.
આ ભવ્ય વિઝન અંતર્ગત દેશમાં ‘અદાણી હેલ્થ સીટીઝ’ (Adani Health Cities) ની સ્થાપના કરવામાં આવી રહી છે. આ હેલ્થ સીટીઝમાં 1,000 બેડની અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હોસ્પિટલો, વિશ્વસ્તરીય સંશોધન કેન્દ્રો અને મેડિકલ કોલેજો સાથેનું એક સંકલિત અને મજબૂત હેલ્થકેર ઇકોસિસ્ટમ ઊભું કરવામાં આવશે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો મુંબઈ અને અમદાવાદ જેવા મુખ્ય શહેરોમાં ઝડપથી આકાર લઈ રહ્યો છે. આ ઉપરાંત, ગ્રામીણ અને પછાત વિસ્તારોમાં સ્વાસ્થ્ય સુવિધાઓ સુધારવાના ભાગરૂપે ફાઉન્ડેશન બિહારના પીરપૈંતીમાં 200 બેડની સુવિધાયુક્ત હોસ્પિટલની સ્થાપના પણ કરી રહ્યું છે.
વ્યાપક સામાજિક પહેલો: ‘કર્મ શિક્ષા’ થી લઈને ‘અદાણી સક્ષમ’
અદાણી ફાઉન્ડેશનનું મિશન માત્ર મર્યાદિત ક્ષેત્રો સુધી સીમિત નથી પરંતુ તે માનવ વિકાસના દરેક પાસાને સ્પર્શે છે:
આંખોની સંભાળ (i-Care): ગ્રામીણ વિસ્તારોમાં દ્રષ્ટિહીનતા નિવારણ અને નેત્ર સંભાળ માટે ખાસ ઝુંબેશ.
કર્મ શિક્ષા અને અદાણી યુનિવર્સિટી: અમદાવાદ સ્થિત ‘અદાણી યુનિવર્સિટી’ અને ‘કર્મ શિક્ષા’ પહેલ દ્વારા દેશના યુવાનોને ઉચ્ચ દરજ્જાનું શિક્ષણ અને સંશોધનની તકો પૂરી પાડવામાં આવે છે.
અદાણી સક્ષમ (Adani Saksham): યુવાનોને કૌશલ્યવર્ધિત કરીને તેમને રોજગારી અને સ્વરોજગારી માટે સક્ષમ બનાવવાનો વ્યાપક વ્યાવસાયિક તાલીમ કાર્યક્રમ.
મહાન મહિલા ઉદ્યોગસાહસિકતા: ફાઉન્ડેશનનો ખાસ મહિલા સશક્તિરણ કાર્યક્રમ સમગ્ર ભારતમાં 10 લાખથી વધુ મહિલાઓને નાના અને ગૃહ ઉદ્યોગો દ્વારા આર્થિક રીતે આત્મનિર્ભર અને સશક્ત બનાવવા તરફ સતત કાર્યરત છે.
હોંગકોંગથી નવી દિલ્હી: ‘યુનિફાઇડ કોલેબોરેશન પ્લેટફોર્મ’ ની દિશામાં આગળ વધતું કદમ
નવી દિલ્હી ખાતે યોજાયેલો આ વૈશ્વિક સંવાદ હોંગકોંગમાં યોજાયેલી ‘AVPN ગ્લોબલ કોન્ફરન્સ 2025’ ની એ સફળ ચર્ચાને આગળ ધપાવે છે, જ્યાં ડૉ. પ્રીતિ અદાણીએ સમગ્ર એશિયન ખંડમાં પરોપકારી અનુભવો, સંસાધનો અને જ્ઞાનને એકબીજા સાથે જોડવા માટે ‘યુનિફાઇડ કોલેબોરેશન પ્લેટફોર્મ’ (Unified Collaboration Platform) સ્થાપિત કરવાનું આહ્વાન કર્યું હતું.
નવી દિલ્હીમાં રજૂ થયેલો તેમનો સંદેશ આ જ વિચારને વધુ દ્રઢ અને મજબૂત બનાવે છે. જેમાં વિવિધ દેશોની સફળ પદ્ધતિઓ (Best Practices) ને એકબીજામાં અપનાવીને સામાજિક પ્રભાવને વૈશ્વિક સ્તરે વ્યાપક બનાવવાની હિમાયત કરવામાં આવી છે.
વિકસિત ભારત ૨૦૪૭ અને ગ્લોબલ સાઉથ માટે નવી આશા
અદાણી ફાઉન્ડેશન માટે, AVPN સાથેની આ વ્યાપક ભાગીદારી ભારતના પાયાના સ્તરના ત્રણ દાયકાના સમૃદ્ધ અને સફળ અનુભવોને વૈશ્વિક મંચ પર રજૂ કરવાની સાથોસાથ સમગ્ર એશિયામાંથી નવું શીખવાની અને નવીનતમ પ્રયોગો અપનાવવાની શ્રેષ્ઠ તકોનું સર્જન કરે છે.
પોતાના સંબોધનના સમાપનમાં ડૉ. પ્રીતિ અદાણીએ ભારપૂર્વક ઉમેર્યું હતું કે, “ભારત જ્યારે ઝડપી ગતિએ ‘વિકસિત ભારત ૨૦૪૭’ ના સ્વપ્નને સાકાર કરવા તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે દેશની આર્થિક અને સામાજિક પ્રગતિ માત્ર આંકડાઓ સુધી સીમિત ન રહેતા, દેશના સામાન્ય નાગરિકો અને સ્થાનિક સમુદાયો માટે વધુ બહેતર, ગુણવત્તાયુક્ત અને સમાન તકોનું નિર્માણ કરનારી હોવી જોઈએ.”


