2026 નો નવો કાયદો: દેશભરમાં એક જ સમય ગણાશે માન્ય! નિયમભંગ પર દંડની જોગવાઈ.
ભારત સરકારે દેશભરમાં એકસમાન અને કાનૂની રીતે વ્યાખ્યાયિત સમય પ્રણાલી લાગુ કરવા તરફ એક ઐતિહાસિક પગલું ભર્યું છે. કેન્દ્રીય ઉપભોક્તા બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય દ્વારા ૨૭ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ ‘લીગલ મેટ્રોલોજી (ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઇમ) રૂલ્સ, ૨૦૨૬’ નું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.
આ નવા નિયમો હેઠળ, ભારતીય માનક સમય (IST) હવે ભારતભરમાં નાગરિક, વ્યાપારી, નાણાકીય અને કાનૂની હેતુઓ માટે સત્તાવાર અને કાનૂની સમય સંદર્ભ બની ગયો છે. સરકારી કચેરીઓ, ખાનગી વ્યવસાયો, બેંકિંગ ક્ષેત્ર અને દેશના મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એક જ સચોટ સમય મિલિસેકન્ડના તફાવત વગર ફોલો કરે તે સુનિશ્ચિત કરવાનો આ આદેશનો મુખ્ય ઉદ્દેશ્ય છે. આ નિયમો લીગલ મેટ્રોલોજી એક્ટ, ૨૦૦૯ની કલમ ૫૨ હેઠળ જારી કરવામાં આવ્યા છે અને ગેઝેટમાં પ્રકાશિત થયાના ૧૮૦ દિવસ બાદ અમલમાં આવશે.

IST બનશે દેશનો સાર્વત્રિક સ્ટાન્ડર્ડ ટાઈમ
આ નવા કાયદા હેઠળ સરકારી વહીવટ, પરિવહન (રેલવે અને એરલાઇન્સ), વ્યાપારિક કરારો, અદાલતી કાર્યવાહી અને નાણાકીય વ્યવહારો માટે IST ને જ એકમાત્ર સત્તાવાર સમય ગણવામાં આવશે.
જ્યાં સુધી કાયદાકીય રીતે કોઈ વિશેષ છૂટછાટ આપવામાં ન આવી હોય ત્યાં સુધી તમામ કાનૂની, વહીવટી અને સરકારી દસ્તાવેજોમાં દર્શાવેલ સમય માત્ર IST માં જ હોવો ફરજિયાત છે. ભારત સરકારે IST ને ભારતની અધિકૃત ટાઈમ સ્કેલ તરીકે વ્યાખ્યાયિત કરી છે, જેને CSIR-નેશનલ ફિઝિકલ લેબોરેટરી (NPLI) દ્વારા જાળવવામાં આવે છે. આ સમય UTC(NPLI) માં ૫ કલાક અને ૩૦ મિનિટ ઉમેરીને મેળવવામાં આવે છે.
અન્ય ટાઈમ ઝોનના ઉપયોગ પર નિયંત્રણો
નવા નિયમો સાથે ભારત બહારના કે અન્ય ટાઈમ ઝોનના બિનજરૂરી કે સામાન્ય ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કોઈ પણ સંસ્થા સામાન્ય વહીવટી કે જાહેર હેતુઓ માટે અન્ય ટાઈમ ઝોન દર્શાવી કે રેકોર્ડ કરી શકશે નહીં.
જોકે, આમાં અમુક વાજબી અપવાદો રાખવામાં આવ્યા છે:
વિદેશી ટાઈમ ઝોન દર્શાવવાની છૂટ: જો કોઈ કાયદો, માર્ગદર્શિકા કે આંતરરાષ્ટ્રીય વ્યવહાર માટે જરૂરી હોય, તો વિદેશી ટાઈમ ઝોન દર્શાવી શકાશે, પરંતુ તેની સાથે IST સમય પણ સ્પષ્ટ રીતે લેબલ કરેલો હોવો જોઈએ.
વૈજ્ઞાનિક સંશોધનો: વૈજ્ઞાનિક સંશોધન, એસ્ટ્રોનોમી (ખગોળશાસ્ત્ર) અને નેવિગેશન જેવા વિશેષ ક્ષેત્રો માટે પૂર્વ મંજૂરી સાથે વૈકલ્પિક ટાઈમ સ્કેલનો ઉપયોગ કરી શકાશે.
જાહેર સ્થળો પર IST ડિસ્પ્લે કરવું ફરજિયાત
સરકારી કચેરીઓ અને જાહેર સંસ્થાઓએ પોતાની તમામ સમય-આધારિત સિસ્ટમોને માન્ય ટાઈમિંગ સોર્સ દ્વારા IST સાથે સિંક્રનાઇઝ (એકસમાન) કરવી પડશે.
ખાસ કરીને રેલવે સ્ટેશનો, એરપોર્ટ્સ, બસ સ્ટેશનો અને તમામ મુખ્ય સરકારી કચેરીઓમાં એકદમ સચોટ અને ચકાસી શકાય તેવા (Traceable) સ્ત્રોતમાંથી મેળવેલ IST દર્શાવવું હવે કાયદાકીય રીતે ફરજિયાત બનશે. આનાથી જાહેર સેવાઓમાં સમયનો વિરોધાભાસ દૂર થશે અને ઘડિયાળોના તફાવતને કારણે થતી પરેશાનીઓનો અંત આવશે.
મહત્વપૂર્ણ ક્ષેત્રો (Critical Sectors) માટે ખાસ સૂચનાઓ
સરકારે દેશના આર્થિક અને ડિજિટલ માળખા સાથે જોડાયેલા ક્ષેત્રો માટે અત્યંત કડક સમય-સિંક્રોનાઇઝેશનના ધોરણો નક્કી કર્યા છે. આમાં નીચેના ક્ષેત્રોનો સમાવેશ થાય છે:
ટેલિકોમ્યુનિકેશન (Telecommunications)
બેંકિંગ અને નાણાકીય સેવાઓ (Financial Services)
પાવર અને એનર્જી ગ્રીડ (Energy Sector)
ડેટા સેન્ટર્સ અને આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર
આ ક્ષેત્રોમાં કાર્યરત કંપનીઓએ તેમની સિસ્ટમનો સમય UTC(NPLI) સાથે જોડાયેલા અધિકૃત સ્ત્રોતમાંથી જ મેળવવો પડશે. આ માટે NPLI, રિજનલ રેફરન્સ સ્ટેન્ડર્ડ્સ લેબોરેટરીઝ (RRSL), NavIC-આધારિત ડિવાઈસીસ અને નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) જેવા સત્તાવાર સ્ત્રોતોનો ઉપયોગ કરવાનો રહેશે. સમયના ડિસેમિનેશન માટે નેટવર્ક ટાઈમ પ્રોટોકોલ (NTP) અને પ્રીસિઝન ટાઈમ પ્રોટોકોલ (PTP) જેવી સ્ટાન્ડર્ડ સિસ્ટમ્સનો ઉપયોગ કરવામાં આવશે.

સમય સુરક્ષામાં ભારતની ‘NavIC’ સિસ્ટમ ભજવશે મહત્વની ભૂમિકા
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) દ્વારા વિકસાવવામાં આવેલી દેશી નેવિગેશન સિસ્ટમ NavIC હવે ભારતની સમય સુમેળ પ્રણાલીનો મુખ્ય આધાર બનશે.
નિયમો અનુસાર, ક્રિટિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતી સંસ્થાઓએ બેકઅપ ટાઈમિંગ સિસ્ટમ રાખવી પડશે, જેમાં NavIC ને પ્રાથમિક કે ગૌણ ટાઈમિંગ સંદર્ભ તરીકે સામેલ કરવું પડશે. ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ (GNSS) આધારિત તમામ ટાઇમિંગ ઉપકરણોએ ઓછામાં ઓછું એક ટાઇમિંગ સિગ્નલ સીધું NavIC સેટેલાઇટ કોન્સ્ટેલેશન અથવા માન્ય ભારતીય સ્ત્રોતમાંથી મેળવવું જરૂરી રહેશે.
સાયબર સુરક્ષા અને બેકઅપ સિસ્ટમનું કડક પાલન
આજના ડિજિટલ યુગમાં સમયની સચોટતા પર સાયબર હુમલાનું જોખમ રહેલું છે. તેથી, સરકારે ટાઈમ સિસ્ટમ્સની સાયબર સિક્યોરિટી પર વિશેષ ભાર મૂક્યો છે:
હાઇજેકિંગ અને સ્પૂફિંગ સામે રક્ષણ: સંસ્થાઓએ જામિંગ (Jamming), સ્પૂફિંગ (Spoofing) અને સાયબર અટેક સામે પોતાની સિસ્ટમ સુરક્ષિત રાખવી પડશે.
બેકઅપ એટમિક ક્લોક્સ: જો મુખ્ય સમય સ્ત્રોતમાં કોઈ ખામી સર્જાય, તો સેવાઓ અટક્યા વગર ચાલુ રહે તે માટે સંસ્થાઓએ અત્યંત સ્થિર એવી ‘એટોમિક ક્લોક્સ’ (Atomic Clocks) અથવા સેકન્ડરી ઓથોરાઈઝ્ડ સોર્સનો ઉપયોગ કરવો પડશે.
રિડન્ડન્સી: ટાઈમ સોર્સમાં ફેરફાર કે હેરફેર થવાથી સમગ્ર સિસ્ટમ ખોરવાઈ ન જાય તે માટે ‘રિડન્ડન્ટ ટાઈમ સિંક્રોનાઈઝેશન સિસ્ટમ’ જાળવવી પડશે.
સમયાંતરે ઓડિટ અને ઉલ્લંઘન બદલ દંડની જોગવાઈ
આ નવા નિયમોનું સુચારુ પાલન થાય છે કે નહીં તેની ચકાસણી કરવા માટે સરકાર દ્વારા સમયાંતરે ‘ટાઈમ ઓડિટ’ કરવામાં આવશે. લીગલ મેટ્રોલોજી ડિવિઝન આ નિયમોની દેખરેખ અને અમલીકરણ કરશે.
જો કોઈ વ્યક્તિ, કંપની કે એજન્સી આ નિયમો અથવા જારી કરાયેલા આદેશોનું ઉલ્લંઘન કરશે, તો તેમની સામે લીગલ મેટ્રોલોજી એક્ટ, ૨૦૦૯ હેઠળ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. લીગલ મેટ્રોલોજીના ડિરેક્ટર કે અધિકૃત અધિકારી તપાસ કરી શકાશે અને નિયમભંગના કિસ્સામાં યોગ્ય દંડ ફટકારી શકશે.
