₹1,000 કરોડનું દેવું, બોટલોના કરોડો રૂપિયાના બિલ અને હવે Bira 91 પર મોટો સંકટ
ભારતના યુવાનોમાં પોતાની એક ખાસ ઓળખ બનાવનાર અને દેશની પ્રથમ ક્રાફ્ટ બિયર બ્રાન્ડ તરીકે જાણીતી ‘બીરા 91’ (Bira 91) હાલમાં તેના સૌથી ખરાબ આર્થિક તબક્કામાંથી પસાર થઈ રહી છે. કંપની પર દેવાનો બોજ એટલો વધી ગયો છે કે હવે તેના અસ્તિત્વ સામે જ મોટો સવાલ ઊભો થયો છે.
હજુ તો જુલાઈ મહિનામાં જ કંપનીના સ્થાપક અંકુર જૈને રાજીનામું આપ્યા બાદ કર્મચારીઓએ થોડો રાહતનો શ્વાસ લીધો હતો, ત્યાં જ હવે કંપની પર ઇન્સોલ્વન્સી (દિવાળિયાપણું) ની તલવાર લટકી રહી છે. કાચની બોટલ બનાવતી જાણીતી કંપની ‘હિન્દુસ્થાન નેશનલ ગ્લાસ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ’ (HNGIL) એ બીરા 91 ની પેરન્ટ કંપની B9 બેવરેજીસને બાકી નીકળતા નાણાં ન ચૂકવવા બદલ ડિફોલ્ટ નોટિસ ફટકારી છે.

શું છે આખો વિવાદ? (રૂ. 11.77 કરોડનું લેણું)
મળતી વિગતો અનુસાર, ગ્લાસ બોટલ ઉત્પાદક કંપની HNGIL એ B9 બેવરેજીસ પાસે પોતાના રૂ. 11.77 કરોડના લેણાંની વસૂલાત માટે કાનૂની દાનવો શરૂ કર્યા છે.
વાત એમ હતી કે B9 બેવરેજીસે પોતાની બિયર માટે ખાસ પ્રકારની કાચની બોટલો બનાવવાનો ઓર્ડર HNGIL ને આપ્યો હતો. HNGIL ના દાવો અનુસાર, તેમણે ઓર્ડર મુજબ આશરે 51.42 લાખ (5.142 મિલિયન) બોટલોનું ઉત્પાદન પણ કરી દીધું હતું. પરંતુ, આટલો મોટો ઓર્ડર તૈયાર થઈ ગયા પછી પણ બીરા 91 એ ન તો આ બોટલોનો ઉપાડ કર્યો કે ન તો તેનું બિલ ચૂકવ્યું.
લાંબા સમય સુધી નાણાં ન મળતા આખરે HNGIL એ કાયદાકીય માર્ગ અપનાવવાનો નિર્ણય લીધો છે.
NCLT અને દિવાળિયાપણાની નોટિસ
HNGIL એ B9 બેવરેજીસને ઇન્સોલ્વન્સી એન્ડ બેન્ક્રપ્સી કોડ (IBC) ના સેક્શન 8 હેઠળ સત્તાવાર નોટિસ મોકલી છે. કોર્પોરેટ ક્ષેત્રમાં કોઈપણ કંપની સામે ‘નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ’ (NCLT) માં દિવાળિયાપણાની પ્રક્રિયા (CIRP) શરૂ કરતા પહેલા આવી નોટિસ આપવી ફરજિયાત હોય છે.
કાયદાના નિયમો મુજબ:
B9 બેવરેજીસ પાસે નોટિસ મળ્યા તારીખથી માત્ર 10 દિવસનો સમય છે.
કંપનીએ આ 10 દિવસની અંદર કાં તો 11.77 કરોડ રૂપિયાની ચુકવણી કરવી પડશે અથવા ભૂતકાળમાં આ મામલે કોઈ વિવાદ રહ્યો હોય તો તેનો યોગ્ય રેકોર્ડ રજૂ કરવો પડશે.
જો બીરા 91 આ સમયગાળામાં રકમ ચૂકવવામાં નિષ્ફળ રહેશે, તો HNGIL સીધી NCLT નો સંપર્ક કરશે અને કંપની સામે દિવાળિયાપણાની કાર્યવાહી શરૂ કરાવશે.
રૂ. 1,000 કરોડથી વધુનું દેવું અને સ્થાપકની એક્ઝિટ
બીરા 91 ની મુશ્કેલીઓ માત્ર આ 11 કરોડ રૂપિયા પૂરતી સીમિત નથી. તેની માતૃ કંપની B9 બેવરેજીસ લાંબા સમયથી ઊંડી આર્થિક કટોકટીમાં ફસાયેલી છે.
કંપની પર રૂ. 1,000 કરોડથી વધુનું દેવું થઈ ગયું છે. આશ્ચર્યની વાત એ છે કે આ ગંજાવર દેવાની પર્સનલ ગેરેંટી પોતે સ્થાપક અંકુર જૈને આપી હતી. જેમ-જેમ દેવું વધતું ગયું અને તેના વ્યાજનો બોજ વધતો ગયો, તેમ-તેમ કંપની પાસે રોકડ રકમ (Cash Flow) ની ભારે અછત સર્જાવા લાગી.
પરિણામે, કંપનીની આર્થિક સ્થિતિ એટલી કથળી ગઈ કે:
સ્થાપકનું રાજીનામું: જુલાઈ મહિનામાં સ્થાપક અને પ્રમોટર અંકુર જૈને બોર્ડના તમામ હોદ્દાઓ અને એક્ઝિક્યુટિવ પદો પરથી રાજીનામું આપી દેવું પડ્યું હતું. તેમના પરિવારના સભ્યોએ પણ કંપનીથી અંતર બનાવી લીધું છે.
ઇન્વેસ્ટર્સની શરત: જાપાનની ‘કિરિન હોલ્ડિંગ્સ’ (Kirin Holdings) અને ‘પીક XV પાર્ટનર્સ’ (Peak XV Partners) જેવા મોટા ફંડિંગ હાઉસિસ, જેણે બીરા 91 માં કરોડોનું રોકાણ કર્યું હતું, તેમણે નવું ફંડ આપવા માટે એક જ શરત મૂકી હતી – અંકુર જૈનની એક્ઝિટ અને નવું નેતૃત્વ. આ શરતને કારણે જ અંકુર જૈને બહાર નીકળવું પડ્યું હતું.

કર્મચારીઓનો રોષ અને ઉત્પાદન પર બ્રેક
કંપનીની ખાડે ગયેલી નાણાકીય સ્થિતિની સૌથી માઠી અસર તેના કર્મચારીઓ અને ઉત્પાદન પર પડી છે.
છેલ્લા ઘણા સમયથી કર્મચારીઓને પગાર મળ્યા નહોતા. આશરે 250 થી વધુ કર્મચારીઓએ કોર્પોરેટ ગવર્નન્સની નિષ્ફળતા અને બાકી નીકળતા પગાર અંગે સત્તાવાર ફરિયાદો નોંધાવી હતી. આ ઉપરાંત, જરૂરી કાચો માલ અને બોટલો ન હોવાને કારણે કંપનીના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સમાં ઉત્પાદન પણ ઠપ થઈ ગયું છે અથવા ખોરવાઈ ગયું છે.
ભારતમાં ક્રાફ્ટ બિયરનો ક્રેઝ શરૂ કરનાર અને યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય બનેલી બ્રાન્ડ ‘બીરા 91’ આજે પોતાના જ ખોટા નાણાકીય વ્યવસ્થાપનને કારણે અસ્તિત્વની લડાઈ લડી રહી છે.
જો કંપની HNGIL ના 11.77 કરોડ રૂપિયા ચૂકવવામાં નિષ્ફળ જશે, તો NCLT ની દિવાળિયાપણાની પ્રક્રિયા શરૂ થશે. આ પ્રક્રિયા બાદ કંપનીના સંચાલનનો હક તેના પ્રમોટર્સ પાસેથી છીનવાઈ જશે અને એક એડમિનિસ્ટ્રેટર કંપની ચલાવશે. રામ ભરોસે ચાલી રહેલી આ કંપની માટે આગામી 10 દિવસ અત્યંત નિર્ણાયક સાબિત થવાના છે.
