99% ગેરકાયદે સંપત્તિ હાથ બહાર! CJI સૂર્યા કાંતે વૈશ્વિક સિસ્ટમ સામે ઉઠાવ્યા સવાલ
આજના આધુનિક યુગમાં સરહદો વગર વહેતા ગેરકાયદેસર નાણાં વૈશ્વિક અર્થતંત્ર માટે સૌથી મોટો પડકાર બની ગયા છે. બ્લેક મની, મની લોન્ડરિંગ અને આર્થિક ગુનાઓ કેવળ કોઈ એક દેશ પૂરતા સીમિત નથી રહ્યા, પરંતુ તે આખા વિશ્વની આર્થિક શિસ્તને અંદરથી પોકળ બનાવી રહ્યા છે. તાજેતરમાં કેમ્બ્રિજ ખાતે આયોજિત ’43મા ઇન્ટરનેશનલ સિમ્પોઝિયમ ઓન ઇકોનોમિક ક્રાઇમ’ના સમાપન સત્રને સંબોધિત કરતી વખતે ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યા કાંતે આ ગંભીર મુદ્દા પર આકરી ટીકા કરી હતી. તેમણે આપેલી એક રોચક અને આંખ ઉઘાડનારી સરખામણીએ આખા વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે.
સીજેઆઈ સૂર્યા કાંતે જણાવ્યું હતું કે, જો વિશ્વમાં થતા મની લોન્ડરિંગના વૈશ્વિક અંદાજો સાચા માનવામાં આવે, તો દર વર્ષે એટલું ગેરકાયદેસર નાણું લોન્ડર (સફેદ) કરવામાં આવે છે કે તેનાથી પૃથ્વી પર રહેતા તમામ ૮ અબજ લોકોને એક-એક લેપટોપ ખરીદીને આપી શકાય, અને છતાંય સરકારી તિજોરીમાં ખાસ્સા નાણાં બચી જાય! આ સરખામણી દર્શાવે છે કે આર્થિક ગુનાઓનો વ્યાપ કેટલો વિશાળ છે અને તેની સામે આપણી કાનૂની વ્યવસ્થા કેટલી વામણી પુરવાર થઈ રહી છે.

રિકવરીનો દર: ૧૦૦માંથી માત્ર ૧ ટકા જ સફળતા
ન્યાયમૂર્તિ સૂર્યા કાંતે કડવી વાસ્તવિકતા રજૂ કરતા કહ્યું કે, ગેરકાયદે સંપત્તિના આ અફાટ દરિયામાંથી રિકવરીની વાત કરીએ તો ચિત્ર અત્યંત નિરાશાજનક છે. આંકડાઓ દર્શાવે છે કે ગેરકાયદેસર રીતે કમાયેલી સંપત્તિમાંથી ૧ ટકાથી પણ ઓછો હિસ્સો ક્યારેય જપ્ત કે રિકવર કરી શકાય છે. બાકીની ૯૯ ટકા સંપત્તિ માત્ર ભાષણો, સરકારી અહેવાલો અને આંકડાકીય કાગળોમાં જ રહી જાય છે.
તેમણે ઉમેર્યું કે હવે આંતરરાષ્ટ્રીય મંચો પરથી માત્ર ખાલી વાતો કે ભાષણો આપવાનો સમય પૂરો થઈ ગયો છે. હવે આપણે “ઇન્સ્ટિટ્યૂશનલાઇઝ્ડ ઇન્ટરડિક્શન” એટલે કે સંસ્થાકીય વિરોધ અને મજબૂત મિકેનિઝમ તરફ આગળ વધવું પડશે. આપણો હેતુ માત્ર ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલવાનો જ ન હોવો જોઈએ, પરંતુ તેમની ગેરકાયદે સંપત્તિ ટાંચમાં લેવાનો અને પીડિતોને આર્થિક રાહત અપાવવાનો હોવો જોઈએ.
કાનૂની સિદ્ધાંતો અને ભારતનું કાનૂની માળખું
પોતાના સંબોધનમાં CJI એ બે મહત્વના કાનૂની સૂત્રો (Legal Maxims) નો ઉલ્લેખ કર્યો હતો: ૧. Fraus omnia corrumpit – કપટ અથવા વિજયી ફ્રોડ એ દરેક વસ્તુને દૂષિત કરી દે છે જેને તે સ્પર્શે છે. ૨. Nemo debet locupletari ex aliena jactura – કોઈ પણ વ્યક્તિએ બીજાના નુકસાનની કિંમતે સમૃદ્ધ થવું જોઈએ નહીં.
આ સિદ્ધાંતોને ટાંકીને તેમણે સ્પષ્ટ કર્યું કે આર્થિક ગુનાઓને નાથવાનો એકમાત્ર રસ્તો “ગુનામાંથી મળતા નફાને જ ખતમ કરી દેવો” છે. ભારતમાં આ દિશામાં લેવાયેલા પગલાં અંગે વાત કરતા તેમણે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), ૨૦૦૨ અને ભગોડા આર્થિક અપરાધી કાયદો (Fugitive Economic Offenders Act), ૨૦૧૮ નો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે ભારતમાં સંપત્તિની જપ્તી, જડતી અને confiscation માટે મજબૂત કાનૂની જોગવાઈઓ બનાવવામાં આવી છે.
પ્રત્યાર્પણ (Extradition) સામે મ્યુચ્યુઅલ લીગલ આસિસ્ટન્સનું મહત્વ
વિદેશ ભાગી ગયેલા આર્થિક ગુનેગારોને પાછા લાવવાના ભારતના પ્રયાસો અંગે વાત કરતા સીજેઆઈ એ એક અત્યંત મહત્વનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે અનુભવ દર્શાવે છે કે વિદેશી જમીન પરથી ભગોડા ગુનેગારોનું પ્રત્યાર્પણ (Extradition) કરાવવા કરતાં મ્યુચ્યુઅલ લીગલ આસિસ્ટન્સ (પરસ્પર કાનૂની સહાયતા) દ્વારા ગેરકાયદે સંપત્તિ પાછી લાવવી વધુ ભરોસાપાત્ર અને ઝડપી રસ્તો છે.

ભારત લાંબા સમયથી યુકે (UK) માંથી કિંગફિશર એરલાઇન્સના ભૂતપૂર્વ પ્રમોટર વિજય માલ્યા અને પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડના આરોપી નીરવ મોદીના પ્રત્યાર્પણ માટે લડત લડી રહ્યું છે. માલ્યાના કેસમાં લંડનની વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટે ૨૦૧૮માં જ પ્રત્યાર્પણની ભલામણ કરી હતી, છતાં પ્રક્રિયા હજુ સુધી પૂર્ણ થઈ શકી નથી. આવા કિસ્સાઓ સાબિત કરે છે કે પ્રત્યાર્પણની કાનૂની પ્રક્રિયાઓ ખૂબ લાંબી અને જટિલ હોય છે, જ્યારે સંપત્તિ જપ્તી પર ધ્યાન કેન્દ્રિત કરવાથી ગુનેગારોની આર્થિક તાકાત તોડી શકાય છે.
વૈશ્વિક સહયોગ અને સરહદો વગરનો ગુનો
આજના ડિજિટલ યુગમાં અનીતિથી કમાયેલા નાણાં સરહદોને ગણકારતા નથી. CJI સૂર્યા કાંતે ભારપૂર્વક કહ્યું કે, “ગેરકાયદે સંપત્તિ અને આર્થિક ગુનાઓનો સ્વભાવ એવો છે કે તે કોઈ પણ દેશની સાર્વભૌમત્વતા કે સરહદોનો આદર કરતા નથી.” સંધિઓ (Treaties) પર હસ્તાક્ષર થાય કે દેશો વચ્ચે વિશ્વાસ ઊભો થાય, તેના કરતાં વધુ ઝડપથી નાણાં એક દેશમાંથી બીજા દેશમાં ટ્રાન્સફર થઈ જાય છે.
કોઈ પણ દેશ, પછી તે ગમે તેટલો સમૃદ્ધ કે શક્તિશાળી હોય, તે એકલો આ ગુનાઓ સામે લડી શકે નહીં. આજે વિશ્વ પાસે ‘નોન-કન્વિક્શન-બેઝ્ડ ફોરફિચર’, ‘અનએક્સપ્લેન્ડ વેલ્થ ઓર્ડર્સ’, ‘બેનિફિશિયલ ઓનરશિપ રજિસ્ટ્રીઝ’ અને ‘ફાઇનાન્સિયલ ઇન્ટેલિજન્સ શૅરિંગ’ જેવા અદ્યતન સાધનો ઉપલબ્ધ છે. પરંતુ મુશ્કેલી સાધનોની અછતની નથી, પરંતુ તેનો એકસાથે અને સક્રિય રીતે ઉપયોગ કરવાની દાનતની છે. જો એક દેશ ફોરફિચર ઓર્ડર બહાર પાડે અને બીજો દેશ તરત જ તેનો અમલ કરે, તો જ આ ગુનાઓ પર લગામ લગાવી શકાશે.
આંતરિક પડકારો: PMLA નો દુરુપયોગ અને ડિજિટલ એરેસ્ટ
પોતાના પ્રવચનમાં માત્ર વૈશ્વિક વાતો કરવાને બદલે સીજેઆઈ એ ભારતની કાનૂની વ્યવસ્થાની ખામીઓ અને પડકારોનો પણ નિષ્પક્ષતાથી સ્વીકાર કર્યો હતો. તેમણે સ્વીકાર્યું કે ભારતની કાનૂની સિસ્ટમ સંપૂર્ણપણે નિર્દોષ નથી અને PMLA ના દુરુપયોગના આરોપો પણ સામે આવ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ન્યાયપાલિકાની પ્રાથમિક જવાબદારી યોગ્ય કાનૂની પ્રક્રિયા (Due Process), પ્રમાણસરતા (Proportionality) અને નિર્દોષતાની ધારણા (Presumption of Innocence) ની રક્ષા કરવાની છે.
આ સંદર્ભમાં તેમણે સુપ્રીમ કોર્ટના કેટલાક મહત્વપૂર્ણ ચુકાદાઓ ટાંક્યા:
પંકજ બંસલ વિ. યુનિયન ઓફ ઇન્ડિયા: આ કેસમાં સુપ્રીમ કોર્ટે ધરપકડના લેખિત કારણો આપવાનું ફરજિયાત બનાવ્યું.
અરવિંદ કેજરીવાલ કેસ: લાંબા સમય સુધી કેસ ચાલ્યા વગર જેલમાં રાખવા (Pre-trial Detention) ના મુદ્દે કોર્ટે માનવ અધિકારો અને કાનૂની મર્યાદાઓ પર ભાર મૂક્યો.
આ ઉપરાંત, તેમણે હાલમાં વધી રહેલા “ડિજિટલ એરેસ્ટ” નામના સાયબર ફ્રોડ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. જેમાં ઠગ ભોળા નાગરિકોને પોલીસ, જજ કે અધિકારી બનીને વીડિયો કૉલ દ્વારા ડરાવે છે અને નાણાં પડાવી લે છે.
