નકલી અને ગેરકાયદેસર દવાઓ સામે રાજ્ય સરકારની ‘ઝીરો ટોલરન્સ’ નીતિ: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની કડક સૂચના

By
Halima Shaikh
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a...
5 Min Read

મોટો ધમાકો! ઉત્તર પ્રદેશથી ગુજરાત સુધી ફેલાયેલા નકલી દવાના નેટવર્કનો પર્દાફાશ, જાણો મંત્રી પ્રફુલ પાનશેરીયાએ શું આપી ચેતવણી?

ગાંધીનગર સચિવાલય ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં ‘ખોરાક અને ઔષધ નિયમન તંત્ર’ (FDCA) ની ઓગસ્ટ-૨૦૨૬ દરમિયાન રાજ્યભરમાં હાથ ધરાયેલી કામગીરીની ઉચ્ચસ્તરીય સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રીએ રાજ્યના નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર અસામાજિક તત્વો સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અપનાવીને કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવા માટે તંત્રને સ્પષ્ટ અને આકરા આદેશો આપ્યા હતા.

મેડિકલ સેક્ટરમાં FDCA ની કડક કાર્યવાહી: ૫૦ લાયસન્સ રદ, ૨ ફેક્ટરીઓને ક્લોઝર ઓર્ડર

મંત્રી પ્રફુલ પાનશેરીયાએ કામગીરીની વિગતો આપતા જણાવ્યું હતું કે, FDCA દ્વારા હાથ ધરાયેલી સઘન તપાસ દરમિયાન નિયમોના ગંભીર ઉલ્લંઘન અને ક્ષતિઓ જણાતાં ૫૦ દવા પેઢીઓના વેચાણ પરવાના (લાયસન્સ) રદ કરવામાં આવ્યા છે.

- Advertisement -

ઉપરાંત, રિસ્ક બેઝ્ડ ઈન્સ્પેક્શન હેઠળ:

  • ૨ દવા ઉત્પાદક પેઢીઓને ક્લોઝર ઓર્ડર આપવામાં આવ્યા છે.

  • ૮ ઉત્પાદક પેઢીઓના પરવાના સ્થગિત કરાયા છે.

  • ૧૧ દવાઓના બનાવટ (મેન્યુફેક્ચરિંગ) પરવાના રદ કરવામાં આવ્યા છે.

  • લેબોરેટરી તપાસમાં અપ્રમાણસર કે સબ-સ્ટેન્ડર્ડ જાહેર થયેલી ૨૦ દવાઓના ઉત્પાદકો સામે કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે.

  • રાજ્યમાં ૪૨ બ્લડ સ્ટોરેજ સેન્ટર્સની તપાસ કરાઈ હતી, જેમાંથી ૩ ને ક્લોઝર ઓર્ડર અને ૧૨ ને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે.

ગ્રામ્ય વિસ્તારોમાં દર્દીઓને ગુણવત્તાયુક્ત સારવાર મળે તે હેતુથી એન્ટીબાયોટિક દવાઓની ગુણવત્તા ચકાસવા માટે વિશેષ ડ્રાઇવ યોજવામાં આવી હતી, જેમાં કુલ ૫૮૮ દવાઓના નમૂનાઓ લેવામાં આવ્યા હતા.

- Advertisement -

નશાકારક અને બનાવટી દવાઓના નેટવર્ક પર ત્રાટકી પોલીસ અને FDCA ની ટીમ

રાજ્યમાં નશાકારક અને બનાવટી દવાઓના ગેરકાયદેસર કારોબારને ડામવા માટે અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણાની પેઢીઓ પર સઘન દરોડા પાડવામાં આવ્યા છે. વડોદરા જિલ્લાના વાઘોડિયા ખાતે SOG સાથે સંયુક્ત તપાસ કરીને મેડિકલ સ્ટોરની બાજુની દુકાનમાંથી ટ્રામાડોલ સહિતના નશાકારક ઈન્જેક્શનનો જથ્થો જપ્ત કરી NDPS ACT હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ ઉપરાંત, બનાવટી ‘Nicardia Retard 10’ ટેબ્લેટ્સના વેચાણ અંગે ૩૦થી વધુ સ્થળોએ તપાસ હાથ ધરી રૂ. ૧.૭૫ લાખથી વધુનો શંકાસ્પદ જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. આ કેસની તપાસમાં ઉત્તર પ્રદેશના લખનઉ સ્થિત સેના ફાર્માથી શરૂ થઈ અમદાવાદ અને સાણંદ સુધી વિસ્તરેલી આંતરરાજ્ય સપ્લાય ચેઈનનો પર્દાફાશ થયો છે. મૂળ ઉત્પાદક સુધી પહોંચવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ઓફિશિયલ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

તેમજ અમદાવાદના ત્રાગડ ખાતે ગેરકાયદે સંચાલિત ‘આનકી હર્બલ’માંથી રૂ. ૨.૬૮ લાખના કોસ્મેટિક્સ અને કપડવંજ-ધોળીકૂઇના બાવીશી દવાખાનામાંથી ‘નાના બાળકો માટે રતવાની દવા’નું ગેરકાયદે ઉત્પાદન ઝડપી પાડી રૂ. ૬૬,૪૦૦નો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

- Advertisement -

ખાદ્યપદાર્થોમાં ભેળસેળ સામે મોટી ઝુંબેશ: ₹૯૩ લાખથી વધુનો ૪૨,૯૮૮ કિગ્રા શંકાસ્પદ જથ્થો જપ્ત

આરોગ્ય મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે નાગરિકોને શુદ્ધ અને સાત્વિક આહાર મળે તે સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. FSSAI-2006 ના નિયમો હેઠળ ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન રાજ્યભરમાં ૨,૨૩૮થી વધુ ખાદ્ય વ્યવસાય સંચાલકોની તપાસ કરાઈ હતી અને ૨,૫૯૧ જેટલા નમૂનાઓ લેબોરેટરી પરીક્ષણ માટે મોકલાયા હતા.

દરોડા દરમિયાન તેલ, મરચા પાઉડર, ઘી અને દૂધ સહિત કુલ ૪૨,૯૮૮ કિલોગ્રામ શંકાસ્પદ ખાદ્યજથ્થો (જેની કિંમત ₹૯૩,૪૭,૧૩૪ થાય છે) જપ્ત કરવામાં આવ્યો હતો.

મુખ્ય જપ્તી વિગત:

  • પાટણ: ૧૪,૭૦૯ કિગ્રા તેલ અને ૬,૪૯૫ કિગ્રા ખાદ્ય તેલ

  • કામરેજ (સુરત): ૫,૧૫૭ કિગ્રા શંકાસ્પદ ઘી

  • જામનગર: ૭,૧૩૮ કિગ્રા શંકાસ્પદ દૂધ

  • ડીસા (બનાસકાંઠા): ૬,૦૭૧ કિગ્રા શંકાસ્પદ મરચાં પાઉડર

રેસ્ટોરન્ટ-ઢાબાઓનું સઘન ચેકિંગ અને ડેરી એનાલોગ સામે ઝુંબેશ

રાજ્યની રેસ્ટોરન્ટ્સ અને ઢાબાઓમાં સ્વચ્છતા જળવાય તે માટે ૧,૬૨૫થી વધુ એકમોનું નિરીક્ષણ કરાયું હતું. ગંભીર ક્ષતિઓ ધરાવતા ૩૦૬ એકમોને સુધારણા નોટિસ આપવામાં આવી હતી અને અતિશય બેદરકારી બદલ ૩૮ એકમોના લાયસન્સ રદ્દ કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહી સુરત મનપા, વલસાડ, આણંદ, જામનગર અને મહેસાણામાં હાથ ધરાઈ હતી.

બીજી તરફ, ડેરી એનાલોગના ગેરકાયદે ઉપયોગ સામે ૩,૦૭૮ પેઢીઓની તપાસ કરીને રૂ. ૭.૫૪ લાખની કિંમતનો ૨,૫૫૩.૧૦ કિગ્રા બિન-ગુણવત્તાયુક્ત ડેરી એનાલોગનો જથ્થો સ્થળ પર જ નાશ કરાવવામાં આવ્યો હતો.

તહેવારો નિમિત્તે સતત વોચ રાખવા આદેશ

પવિત્ર શ્રાવણ માસ અને આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને મંત્રીએ દૂધ, ઘી, તેલ, માવો અને મસાલા જેવી રોજિંદી વપરાશની વસ્તુઓનું વેચાણ કરતી પેઢીઓ પર સતત વોચ રાખવા તંત્રને કડક આદેશ આપ્યા છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે જાહેર જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ભેળસેળિયાઓ સામે આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ વધુ આક્રમક રીતે ચાલુ રહેશે.

Share This Article
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a wide range of topics including social issues, current events, and community stories with a focus on accuracy and cultural relevance. With a deep connection to Gujarati readers, Halima strives to present news that is informative, trustworthy, and easy to understand. Follow Halima Shaikh on Satya Day News for timely updates and meaningful content — all in your own language.