દિવાળી ખરીદી પહેલાં મોટા સમાચાર: સુરતની સાડીઓ અને કપડાંના ભાવ કેમ અચાનક ઉછળ્યા?
સુરતના ઉધના વિસ્તારમાં આવેલી ગોવિંદ નગર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ૫૦૦થી વધુ પાવરલૂમ યુનિટ્સ ધમધમે છે. અહીં ‘મલ્લિકા ટેક્સટાઇલ્સ’ ચલાવતા કેસરાલી પીરઝાદા છેલ્લા ૨૫ વર્ષથી કાપડના ઉત્પાદન સાથે જોડાયેલા છે. ૪૮ પાવરલૂમ મશીનો, યાર્ન ટ્વિસ્ટિંગ અને વોર્પિંગ મશીનોથી સજ્જ તેમના યુનિટમાં ૨૫ કારીગરો રાત-દિવસ કામ કરે છે. જોકે, આ વખતે ફેક્ટરી ચલાવવાનો ખર્ચ અભૂતપૂર્વ રીતે વધી ગયો છે અને તેની પાછળનું સીધું કારણ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલું યુદ્ધ છે.
ક્રૂડ ઓઇલના સપ્લાયમાં વિઘ્ન આવતા જ એલપીજી (LPG) રાંધણગેસની ભારે અછત સર્જાઈ. પાવરલૂમમાં કામ કરતા મજૂરો માટે ખોરાક બનાવવો મુશ્કેલ બની ગયો. પરિણામે, બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળના હજારો શ્રમિકો પોતાના વતન તરફ પાછા ફરવા લાગ્યા. એપ્રિલ મહિનામાં ઉધના રેલ્વે સ્ટેશન પર હજારો મજૂરોની ભીડ જામી હતી. શ્રમિકો વતનમાં એકાદ મહિનો રોકાયા, જેના કારણે ફેક્ટરીઓ બંધ રાખવી પડી. જ્યારે તેઓ પાછા ફર્યા ત્યારે તેમણે વેતનમાં વધારાની માંગ કરી. પીરઝાદા જણાવે છે કે, જે કારીગરોને પહેલાં પ્રતિ મીટર ૧.૮૦ રૂપિયા ચૂકવાતા હતા, તેમને હવે ૧.૯૫ રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે.

કાચા માલના ભાવમાં ભડકો અને કાર્ટેલનો સિકંજો
ક્રૂડ ઓઇલના ભાવ ૧૨૦ ડોલરથી ઘટીને ૯૫ ડોલર આસપાસ આવ્યા હોવા છતાં, પોલિએસ્ટર કાપડ માટે જરૂરી પીએમવાઈ (POY – પાર્શિયલી ઓરિએન્ટેડ યાર્ન) ના ભાવ ઘટી રહ્યા નથી. પહેલાં જે યાર્ન ૧૪૦-૧૫૦ રૂપિયા પ્રતિ કિલો મળતું હતું, તે હવે ૧૮૦ રૂપિયાની આસપાસ સ્થિર છે. ભારત સરકાર દ્વારા યાર્નના ભાવ પર કોઈ નિયામક સંસ્થાનું નિયંત્રણ ન હોવાથી મોટા ઉદ્યોગપતિઓનું ‘કાર્ટેલ’ કૃત્રિમ ભાવવધારો જાળવી રાખે છે.
બીજી તરફ, પ્રોડક્શન ખર્ચ વધવા છતાં વેપારીઓ ગ્રે (કાચું) કાપડ જૂના ભાવે જ ખરીદવા માટે દબાણ કરી રહ્યા છે. વધુ પડતી સ્પર્ધાના કારણે ૧૧૦ મીટરના ગ્રે કાપડના થાનનો ભાવ ૧૩ રૂપિયાથી ઘટીને ૧૨.૮૦ રૂપિયા પ્રતિ મીટર થઈ ગયો છે, જે ઉત્પાદકો માટે પડતા પર પાટુ સમાન છે.
સુરતમાં કમાણી અને પરપ્રાંતીય શ્રમિકોનું જીવન
ઉત્તર પ્રદેશના પ્રતાપગઢથી સુરત આવેલા ૪૨ વર્ષીય કુંવરલાલ વર્મા જેવા હજારો શ્રમિકો આ સમગ્ર ચક્રનો મહત્વનો ભાગ છે. કુંવરલાલ દર મહિને ૧૨,૦૦૦ થી ૧૫,૦૦૦ રૂપિયા ઘેર મોકલે છે, જેથી તેમના બાળકોનું શિક્ષણ ચાલુ રહી શકે.
ગેસની અછતના કારણે તેઓ પણ બે મહિના માટે વતન ગયા હતા. કુંવરલાલ કહે છે, “અહીં અમે ૧૨-૧૨ કલાકની શિફ્ટમાં કામ કરીએ છીએ. જો મારો સાથીદાર ન આવે તો ક્યારેક સ સતત ૩૬ કલાક પણ કામ કરવું પડે છે. અમે લીંબાયતમાં ચાર જણા એક રૂમ ભાડે રાખીને રહીએ છીએ. દરરોજ ૭૦૦ થી ૭૫૦ રૂપિયા કમાઈને હું દરેક પૈસો બચાવવાનો પ્રયાસ કરું છું જેથી મારા બાળકોને આવી મજૂરી ન કરવી પડે.”
ડાઇંગ અને પ્રિન્ટિંગ મિલોનો ૧૫ ટકાનો વધારો
ઉત્પાદકોની મુશ્કેલીઓ અહીં પૂરી નથી થતી. સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસિંગ એસોસિએશન (SGTPA) એ સપ્ટેમ્બરથી કાપડ પ્રોસેસિંગના દરોમાં ૧૫ ટકાનો વધારો જાહેર કર્યો છે. ડાઇંગ મિલો કાપડને પ્રોસેસ કરવા માટે કોલસા આધારિત વરાળનો ઉપયોગ કરે છે.
સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં યુદ્ધના કારણે ઈન્ડોનેશિયાથી આવતા આયાતી કોલસાના પુરવઠાને મોટી અસર થઈ છે. યુદ્ધ શરૂ થયા બાદ આયાતી કોલસાના ભાવ ૬,૦૦૦ રૂપિયાથી વધીને ૯,૫૦૦ રૂપિયા પ્રતિ ટન થઈ ગયા છે. ચોમાસામાં સ્થાનિક લિગ્નાઈટનું ખનન અટકી જતાં મિલોએ મોંઘા આયાતી કોલસા પર નિર્ભર રહેવું પડ્યું છે. આ ભાવવધારા સામે વેપારીઓની સંસ્થા ‘ફોસ્ટા’ (FOSTTA) એ ભારે વિરોધ નોંધાવ્યો છે અને વધારો પાછો ખેંચવાની માંગ કરી છે.
આ દિવાળીએ ગ્રાહકોના ખિસ્સા પર પડશે ૩૦ ટકાનો બોજ
સુરત ટેક્સટાઇલ માર્કેટના પ્રતિનિધિઓના જણાવ્યા મુજબ, દિવાળીના તહેવારોમાં કાપડના ભાવમાં ૩૦ ટકા જેટલો અભૂતપૂર્વ વધારો જોવા મળશે. જે સાડી ગયા વર્ષે ૨૦૦ રૂપિયામાં મળતી હતી, તે આ વર્ષે ૨૬૦ રૂપિયાથી ઓછી કિંમતમાં નહીં મળે.
સુરતનું ટેક્સટાઇલ ઇકોસિસ્ટમ ખૂબ જ વિશાળ છે. અહીં ૭૫,૦૦૦ વેપારી દુકાનો, ૮૦,૦૦૦ વણાટ ફેક્ટરીઓ અને ૪૦૦ પ્રોસેસિંગ મિલો આવેલી છે, જેમાં ૧૮ લાખથી વધુ લોકોને રોજગારી મળે છે. સપ્ટેમ્બર મહિનામાં દેશભરમાંથી જથ્થાબંધ વેપારીઓ નવી ડિઝાઇન અને કપડાંની ખરીદી કરવા સુરત આવે છે. જોકે, આ વખતે મોંઘવારીના કારણે સામાન્ય ગ્રાહકોએ કાપડની ગુણવત્તા સાથે સમજૂતી કરવી પડશે અથવા વધુ પૈસા ખર્ચવા પડશે.
સુરતનું ઘટી રહેલું ઉત્પાદન
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષના કારણે પેટ્રોકેમિકલ સપ્લાય ચેઇન ખોરવાઈ ગઈ છે. ચીનમાં પીટીએ (PTA) નું ઉત્પાદન ૫૦ ટકા ઘટી ગયું છે, જેના કારણે કાચા માલની અછત સર્જાઈ છે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, સુરતનું દૈનિક કાપડ ઉત્પાદન જે પહેલાં ૬ કરોડ મીટર હતું, તે ઘટીને હવે ૪.૫ કરોડ મીટરથી પણ ઓછું થઈ ગયું છે. વધતા જતા પ્રોડક્શન કોસ્ટને પહોંચી વળવા અસમર્થ ઘણી ફેક્ટરીઓએ સપ્તાહમાં સાતના બદલે પાંચ દિવસ જ કામ કરવાનું શરૂ કર્યું છે. પશ્ચિમ એશિયાનું યુદ્ધ ભલે હજારો કિલોમીટર દૂર લડાઈ રહ્યું હોય, પરંતુ તેની સીધી અસર સુરતના વણકરો, શ્રમિકો અને આ દિવાળીએ કપડાં ખરીદનારા દેશના સામાન્ય નાગરિકો પર પડી રહી છે.
