અમેરિકાના ઇતિહાસમાં સૌથી મોટું રોકાણ: ભારતીય એસ્સાર ગ્રૂપ ₹૧.૫ લાખ કરોડના ખર્ચે બનાવશે યુએસનો સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ
વૈશ્વિક ઔદ્યોગિક ક્ષેત્રે ભારતીય બહુરાષ્ટ્રીય કંપનીઓનો ડંકો વાગી રહ્યો છે. ભારતનું પ્રખ્યાત વ્યાપાર સમૂહ એસ્સાર ગ્રૂપ (Essar Group) યુનાઇટેડ સ્ટેટ્સમાં અત્યાર સુધીનો સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ સ્થાપવા માટે અંદાજે ૧૮ બિલિયન ડોલર (લગભગ ₹૧.૫ લાખ કરોડ) નું વિશાળ રોકાણ કરવા જઈ રહ્યું છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે આ ઐતિહાસિક પ્રોજેક્ટની સત્તાવાર જાહેરાત કરતાં તેને અમેરિકી ઇતિહાસમાં સ્ટીલ ઉદ્યોગનું સૌથી મોટું અને વિશ્વના સૌથી મોટા પ્રોજેક્ટ્સમાંનું એક ગણાવ્યું છે.
એસ્સાર ગ્રૂપની અમેરિકન સબસિડિયરી કંપની ‘મેસાબી મેટાલિક્સ’ (Mesabi Metallics) દ્વારા આયોવા (Iowa) રાજ્યમાં આ અદ્યતન સ્ટીલ પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવશે. આ પ્લાન્ટની વાર્ષિક સ્ટીલ ઉત્પાદન ક્ષમતા અંદાજે ૧૦ મિલિયન ટન (૧ કરોડ ટન) હશે. યુએસ વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિક અને પ્રોજેક્ટના અધિકારીઓના જણાવ્યા મુજબ, ખાણકામ અને સ્ટીલ પ્લાન્ટનું સંયુક્ત રોકાણ $૧૭.૫ બિલિયનથી $૧૮ બિલિયન વચ્ચે રહેશે.
હજારો અમેરિકનો માટે રોજગારીની તકો
વ્હાઇટ હાઉસ ખાતેથી જાહેરાત કરતી વખતે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે આ મહાપ્રોજેક્ટથી અમેરિકી અર્થતંત્રને ભારે વેગ મળશે. તેમના દાવા અનુસાર, પ્લાન્ટના નિર્માણ દરમિયાન આશરે ૬,૦૦૦ બાંધકામ ક્ષેત્રની (Construction) નોકરીઓ અને ત્યારબાદ ૨,૦૦૦ થી વધુ કાયમી મેન્યુફેક્ચરિંગ નોકરીઓ ઊભી થશે. આ ઉપરાંત, આયર્ન ઓરના ખાણકામ સાથે જોડાયેલી અન્ય રોજગારીઓ મળીને કુલ ૮,૦૦૦ થી વધુ નવી નોકરીઓનું સર્જન થશે.
સંપૂર્ણ સપ્લાય ચેઇન અમેરિકામાં જ બનશે
એસ્સાર ગ્રૂપનો આ પ્રોજેક્ટ માત્ર એક સ્ટીલ ઉત્પાદન એકમ પૂરતો મર્યાદિત નથી, પરંતુ કંપની યુનાઇટેડ સ્ટેટ્સની ધરતી પર જ એક સંપૂર્ણ અને સંકલિત (Integrated) સપ્લાય ચેઇન તૈયાર કરી રહી છે. સ્ટીલ બનાવવા માટે જરૂરી કચો માલ એટલે કે આયર્ન ઓર (કચું લોખંડ) પડોશી રાજ્ય મિનેસોટા (Minnesota) માં આકાર લઈ રહેલી નવી ખાણમાંથી મેળવવામાં આવશે.
President Trump reverses years of anti-mining policy with one of the largest steel plants in American history: a $15B Mesabi Metallics mill. 🇺🇸
⛏️ Creating 1,750 permanent Iowa jobs
⛏️ Supports 6,000 construction jobs
⛏️ Projected to add $95B to U.S. economy over next decade pic.twitter.com/poR0roYEY6
— The White House (@WhiteHouse) September 28, 2026
આયર્ન ઓરને મિનેસોટાની ખાણમાંથી એક્સેસ કરી આયોવા સ્થિત પ્લાન્ટમાં લાવવામાં આવશે, જ્યાં આધુનિક ટેકનોલોજીની મદદથી ઉચ્ચ ગુણવત્તાવાળા સ્ટીલનું ઉત્પાદન કરાશે.
૫૦ વર્ષ પછી બનશે અમેરિકાની પ્રથમ નવી ખાણ
એસ્સાર ગ્રૂપના ચેરમેન રેવંત રુઈયાના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટના મહત્વપૂર્ણ ભાગ રૂપે ગ્રૂપ મિનેસોટામાં આયર્ન ઓરની ખાણના વિકાસ માટે એકલું $૩ બિલિયન (અંદાજે ₹૨૫,૦૦૦ કરોડ) નું રોકાણ કરશે. કંપનીના મતે, આ ખાણ છેલ્લા ૫૦ વર્ષથી પણ વધુ સમયગાળામાં યુનાઇટેડ સ્ટેટ્સમાં નિર્માણ પામનારી સૌથી પહેલી નવી આયર્ન ઓર ખાણ બની રહેશે.
ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ બાબતે ભાર મૂકતા કહ્યું હતું કે કાચા માલના ખોદકામથી લઈને આખરી સ્ટીલ પ્રોડક્ટના ઉત્પાદન સુધીની તમામ પ્રક્રિયા અમેરિકાની અંદર જ પૂર્ણ કરવામાં આવશે, જે ‘મેક ઇન યુએસએ’ નીતિને મજબૂત બનાવશે.
ઉત્પાદન ક્યારે શરૂ થશે અને ફંડિંગનું માળખું
આ સમગ્ર પ્રોજેક્ટ એક લાંબા ગાળાની વ્યૂહાત્મક યોજનાનો ભાગ છે અને તેને સંપૂર્ણ રીતે વિકસાવવામાં અંદાજે ૧૦ વર્ષનો સમય લાગવાની શક્યતા છે. કંપનીએ વર્ષ ૨૦૩૦ ની આસપાસ પ્લાન્ટમાંથી કોમર્શિયલ સ્ટીલ ઉત્પાદન શરૂ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આ એકમમાં પર્યાવરણને અનુકૂળ અને અત્યાધુનિક સ્ટીલ મેકિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.
અહીં ઉત્પાદિત સ્ટીલનો ઉપયોગ અમેરિકાના સ્થાનિક માર્કેટમાં આંતરમાળખાકીય સુવિધાઓ માટે કરવામાં આવશે, તેમજ અન્ય મિત્ર દેશોમાં તેની નિકાસ પણ કરી શકાશે. આ વિશાળ પ્લાન્ટ સંપૂર્ણપણે ખાનગી ભંડોળ (Private Funding) થી બનાવવામાં આવી રહ્યો છે. જોકે, મિનેસોટા સ્થિત આયર્ન ઓર ખાણ માટે યુએસ એક્સપોર્ટ-ઇમ્પોર્ટ બેંક (US EXIM Bank) દ્વારા જરૂરી નાણાકીય સહાય અને મંજૂરીઓ પૂરી પાડવામાં આવી છે.
