અમેરિકામાં FAAની સિસ્ટમમાં ખામીથી 20 હજારથી વધુ ફ્લાઇટ્સ પ્રભાવિત, 5 કલાક સુધી મુસાફરો પરેશાન
અમેરિકામાં એર ટ્રાફિક કંટ્રોલની કોમ્યુનિકેશન સિસ્ટમમાં સર્જાયેલી ટેકનિકલ ખામીએ હવાઈ મુસાફરીને અસર પહોંચાડી છે. 14 નવેમ્બર, 2026ના રોજ સામે આવેલી આ સમસ્યાને કારણે 20 હજારથી વધુ ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ હતી. લગભગ પાંચ કલાક સુધી ચાલેલી આ મુશ્કેલી પાછળ ખામીયુક્ત રાઉટર જવાબદાર હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. અમેરિકાના પરિવહન વિભાગ અને ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) દ્વારા હવે આ ઘટનાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.
FAAની કોમ્યુનિકેશન સિસ્ટમમાં કેવી રીતે સર્જાઈ સમસ્યા?
અમેરિકાની હવાઈ મુસાફરીનું સંચાલન કરતી FAAની કોમ્યુનિકેશન સિસ્ટમમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાતા ફ્લાઇટ કામગીરી ખોરવાઈ હતી. આ સિસ્ટમ એર ટ્રાફિક કંટ્રોલ અને વિમાનો વચ્ચે સંચાર જાળવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તેમાં ખામી સર્જાતા અનેક ફ્લાઇટ્સના સંચાલન પર અસર પડી હતી.
પ્રાથમિક માહિતી પ્રમાણે, આ સમસ્યા પાછળ L3Harris કંપની દ્વારા સ્થાપિત કરવામાં આવેલા રાઉટરની ખામી જવાબદાર હોઈ શકે છે. કંપની જૂની ટેલિકોમ્યુનિકેશન લાઇનોને આધુનિક ફાઇબર નેટવર્કમાં રૂપાંતરિત કરવાનું કામ કરી રહી હતી. આ દરમિયાન સિસ્ટમમાં મુશ્કેલી ઊભી થઈ હોવાની આશંકા છે.
અરકાનસાસ અને ટેક્સાસમાં સ્થાપિત રાઉટર પર શંકા
અમેરિકાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, અરકાનસાસ અને ટેક્સાસમાં સ્થાપિત કરવામાં આવેલા રાઉટર્સની ભૂમિકા તપાસવામાં આવી રહી છે. જોકે, અત્યાર સુધી ટેકનિકલ ખામીનું ચોક્કસ કારણ જાહેર કરવામાં આવ્યું નથી.
અમેરિકાના પરિવહન સચિવ સીન ડફીએ આ ઘટનાને ગંભીર ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે FAAની એક એવી સિસ્ટમ હતી, જેણે જરૂરિયાતના સમયે યોગ્ય રીતે કામ કર્યું નહીં. હાલમાં તપાસનો મુખ્ય હેતુ એ જાણવાનો છે કે સમસ્યા ઇન્સ્ટોલેશન દરમિયાન થયેલી ભૂલને કારણે સર્જાઈ કે પછી રાઉટર જ ખામીયુક્ત હતું.
ડફીના જણાવ્યા અનુસાર, આ મામલે L3Harris કંપનીની કામગીરીની પણ તપાસ કરવામાં આવી રહી છે. બેદરકારી, ઇન્સ્ટોલેશનની ભૂલ કે સાધનોની ખામીમાંથી કયું કારણ જવાબદાર છે તે હજુ સ્પષ્ટ થયું નથી.

જૂની ટેલિકોમ્યુનિકેશન સિસ્ટમ ફરી ચર્ચામાં
આ ઘટના બાદ FAAની જૂની ટેલિકોમ્યુનિકેશન વ્યવસ્થાની વિશ્વસનીયતા અંગે પણ સવાલો ઊભા થયા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ સિસ્ટમમાં અનેક વખત ટેકનિકલ સમસ્યાઓ સર્જાઈ ચૂકી છે. ક્યારેક ફાઇબર કેબલ કપાઈ જવાથી, તો ક્યારેક ભૂલથી ફાઇલો ડિલીટ થવાથી કામગીરી ખોરવાઈ હતી. કેટલીક વખત ટેકનિકલ સાધનોમાં ખામી સર્જાતા પણ હવાઈ સેવાઓને અસર પહોંચી છે.
નિષ્ણાતો અને અધિકારીઓની ચિંતા એ છે કે આધુનિક ટેકનોલોજીના યુગમાં પણ અમેરિકાની હવાઈ સુરક્ષા માટે મહત્ત્વપૂર્ણ એવી કેટલીક વ્યવસ્થાઓ જૂની ટેકનોલોજી પર નિર્ભર છે. જ્યાં સુધી આ સિસ્ટમનું યોગ્ય આધુનિકીકરણ નહીં થાય ત્યાં સુધી આવી સમસ્યાઓ ફરી સર્જાવાની શક્યતા રહેશે.

20 હજારથી વધુ ફ્લાઇટ્સ પર અસર, મુસાફરોની મુશ્કેલી વધી
લગભગ પાંચ કલાક સુધી ચાલેલી આ ટેકનિકલ સમસ્યાને કારણે 20 હજારથી વધુ ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ હતી. આવી સ્થિતિમાં મુસાફરોને એરપોર્ટ પર લાંબી રાહ જોવી પડી હતી અને અનેક ફ્લાઇટ્સના સમયપત્રકમાં ફેરફાર કરવાની સ્થિતિ ઊભી થઈ હતી.
આ ઘટનાએ અમેરિકાની એર ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમમાં આધુનિકીકરણની જરૂરિયાત ફરી એકવાર સામે મૂકી છે. હવે તપાસમાં રાઉટરની ખામીની પુષ્ટિ થાય છે કે નહીં અને આટલી મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ પ્રભાવિત થવા પાછળ અન્ય કોઈ ટેકનિકલ કારણ હતું કે નહીં તે જોવાનું રહેશે.
FAA અને સંબંધિત કંપનીની તપાસ બાદ જ સમગ્ર ઘટનાની સાચી હકીકત સામે આવશે. હાલમાં સૌથી મોટો સવાલ એ છે કે ભવિષ્યમાં આવી ટેકનિકલ સમસ્યાઓ ટાળવા માટે અમેરિકાનું ઉડ્ડયન તંત્ર કયા પગલાં લેશે.
