શેખ હસીનાની બાંગ્લાદેશ વાપસી માટે ભારતની બે શરતો! લશ્કર ભજવશે મહત્ત્વની ભૂમિકા, ફેર ટ્રાયલની પણ માંગ
બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની વતન વાપસીને લઈને ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાજદ્વારી હલચલ તેજ થઈ છે. મીડિયા અહેવાલો અનુસાર, ભારતે હસીનાની વાપસી માટે બે મહત્ત્વપૂર્ણ શરતો રજૂ કરી છે. ભારત ઇચ્છે છે કે બાંગ્લાદેશી લશ્કર તેમની વાપસીની પ્રક્રિયામાં સીધી ભૂમિકા ભજવે અને સાથે જ તેમને ન્યાયપૂર્ણ સુનાવણીની ખાતરી આપવામાં આવે. આ મુદ્દે ભારતે બાંગ્લાદેશની BNP નેતૃત્વવાળી સરકાર સમક્ષ પોતાની અપેક્ષાઓ રજૂ કરી હોવાનું કહેવાય છે.
ઓગસ્ટ 2024માં સત્તા ગુમાવ્યા બાદ શેખ હસીના બાંગ્લાદેશ છોડીને ભારત આવી ગયાં હતાં. ત્યારથી તેઓ ભારતમાં રહે છે. બીજી તરફ, બાંગ્લાદેશમાં તેમની સામે ગંભીર કાયદાકીય કાર્યવાહી ચાલી રહી છે. નવેમ્બર 2025માં એક અદાલતે તેમની ગેરહાજરીમાં તેમને મૃત્યુદંડની સજા સંભળાવી હતી. આવી સ્થિતિમાં તેમની વતન વાપસીનો મુદ્દો બંને દેશો વચ્ચે સંવેદનશીલ રાજદ્વારી પ્રશ્ન બની ગયો છે. ભારત આ વિવાદનો ઉકેલ લાવવા માટે માર્ગ શોધી રહ્યું છે. જોકે, ભારત દ્વારા મૂકવામાં આવેલી બંને શરતોની સ્વતંત્ર રીતે સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

1. ભારતની પ્રથમ શરત: શેખ હસીનાની વાપસીમાં બાંગ્લાદેશી લશ્કરની ભૂમિકા
મીડિયા અહેવાલો અનુસાર, ભારતની પ્રથમ શરત એ છે કે શેખ હસીનાને બાંગ્લાદેશ પરત લઈ જવાની જવાબદારી ત્યાંનું લશ્કર સંભાળે. ભારત ઇચ્છે છે કે તેમની વાપસીની પ્રક્રિયા સુરક્ષિત અને વ્યવસ્થિત રીતે પૂર્ણ થાય.આ માટે બે વિકલ્પો સૂચવવામાં આવ્યા હોવાનું કહેવાય છે. પ્રથમ વિકલ્પ મુજબ, બાંગ્લાદેશી લશ્કર દિલ્હીમાં પોતાનું લશ્કરી વિમાન મોકલે અને તેના દ્વારા હસીનાને ઢાકા લઈ જાય. બીજા વિકલ્પ તરીકે ભારત-બાંગ્લાદેશ સરહદ પર કોઈ નિર્ધારિત સ્થળે બાંગ્લાદેશી લશ્કર તેમનો કબજો સંભાળી શકે છે.
નોંધનીય છે કે ઓગસ્ટ 2024માં જ્યારે શેખ હસીના બાંગ્લાદેશ છોડીને ભારત આવ્યાં હતાં, ત્યારે પણ તેમણે લશ્કરી વિમાનનો ઉપયોગ કર્યો હતો. તે સમયે બાંગ્લાદેશમાં તેમની સરકાર સામે મોટા પાયે વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં હતાં અને રાજકીય સ્થિતિ અત્યંત તંગ બની હતી.હવે તેમની સંભવિત વાપસી માટે પણ લશ્કરની ભૂમિકા મહત્ત્વપૂર્ણ ગણાઈ રહી છે. જોકે, આ અંગે બાંગ્લાદેશ સરકાર કે લશ્કર તરફથી કોઈ સત્તાવાર સંમતિ જાહેર કરવામાં આવી હોવાની માહિતી નથી.
2. બીજી શરત: ફેર ટ્રાયલ અને મૃત્યુદંડ સામે અપીલની તક
ભારતની બીજી મહત્ત્વપૂર્ણ શરત શેખ હસીનાના કાયદાકીય અધિકારો અને સુરક્ષા સાથે જોડાયેલી છે. ભારત ઇચ્છે છે કે બાંગ્લાદેશ સરકાર તેમને ન્યાયપૂર્ણ સુનાવણીની ખાતરી આપે. ખાસ કરીને જો તેમને મૃત્યુદંડની સજા આપવામાં આવી હોય, તો તેની સામે અપીલ કરવાનો કાયદાકીય અધિકાર મળવો જોઈએ.નવેમ્બર 2025માં બાંગ્લાદેશની એક અદાલતે શેખ હસીનાને તેમની ગેરહાજરીમાં મૃત્યુદંડની સજા સંભળાવી હતી. તેમના પર જુલાઈ 2024ના વિદ્યાર્થી આંદોલન દરમિયાન વિરોધ પ્રદર્શનકારીઓ સામે કરવામાં આવેલી કાર્યવાહી સાથે સંબંધિત ગંભીર આરોપો છે.
અહેવાલો અનુસાર, ભારત ઇચ્છે છે કે આ કેસમાં ફરીથી સુનાવણી કરવામાં આવે, જેથી હસીનાને પોતાનો પક્ષ રજૂ કરવાની પૂરતી તક મળી શકે. ભારતની આ માંગનો મુખ્ય હેતુ કાયદાકીય પ્રક્રિયાની નિષ્પક્ષતા અને ન્યાયસંગતતા સુનિશ્ચિત કરવાનો હોવાનું કહેવાય છે.આ દરમિયાન ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે શુક્રવારે જણાવ્યું હતું કે પ્રત્યાર્પણ એક કાયદાકીય બાબત છે અને તેની પ્રક્રિયા કાયદા અનુસાર જ હાથ ધરવામાં આવશે. ભારતના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે હસીનાની વાપસીનો મુદ્દો માત્ર રાજકીય નહીં, પરંતુ કાયદાકીય પ્રક્રિયા સાથે પણ જોડાયેલો છે.

3. ડિસેમ્બર 2026માં વાપસીની ઇચ્છા, BNPનો વિરોધ
અહેવાલો અનુસાર, શેખ હસીનાએ ડિસેમ્બર 2026માં બાંગ્લાદેશ પરત ફરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. આ માટે તેમણે દિલ્હીમાં આવેલા બાંગ્લાદેશી દૂતાવાસ પાસે પોતાનો પાસપોર્ટ અને રાષ્ટ્રીય ઓળખ કાર્ડ (NID) મેળવવા વિનંતી કરી છે. જોકે, બાંગ્લાદેશ સરકારે તેમને પાસપોર્ટ આપવાનો ઇનકાર કર્યો હોવાનું જણાવવામાં આવ્યું છે.
બીજી તરફ, બાંગ્લાદેશની BNP પાર્ટી તરફથી હસીનાની વાપસીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. BNPના સંયુક્ત મહાસચિવ અને સાંસદ ખૈરુલ કબીર ખોકોએ ANI સાથેની વાતચીતમાં આરોપ લગાવ્યો હતો કે પાસપોર્ટની માંગણી કરીને હસીના દેશમાં અસ્થિરતા પેદા કરવા માગે છે.તેમણે વધુમાં દાવો કર્યો હતો કે હસીના સામે માનવતા વિરુદ્ધના ગુનાઓ, અપહરણ અને હત્યા સહિતના ગંભીર આરોપો છે. તેમના મતે, બાંગ્લાદેશના રાજકારણમાં હસીનાના પરત ફરવાની કોઈ શક્યતા નથી.
