બીજિંગ બનવા જઈ રહ્યું છે ‘Super-Aged’ સિટી, અર્થવ્યવસ્થા પર તોળાતું ગંભીર સંકટ
ચીનની રાજધાની બીજિંગમાં કુદકે ને ભૂસકે વધી રહેલી વૃદ્ધોની વસ્તી આગામી વર્ષોમાં સરકાર માટે એક મોટો સંકટ અને ચિંતાનો વિષય બની શકે છે. બીજિંગ ખૂબ જ ઝડપથી એક ‘સુપર-એજ્ડ’ (Super-aged) એટલે કે અતિશય વૃદ્ધ વસ્તી ધરાવતા શહેરમાં ફેરવાઈ રહ્યું છે. તાજેતરના સત્તાવાર અહેવાલો મુજબ, વર્ષ 2035 સુધીમાં બીજિંગનો દર ત્રીજો નાગરિક 60 વર્ષ કે તેથી વધુ ઉંમરનો હશે. આનો સીધો અર્થ એ થાય છે કે શહેરની કુલ વસ્તીનો લગભગ એક-તૃતીયાંશ (33% થી વધુ) હિસ્સો વૃદ્ધોનો થઈ જશે.
વસ્તી ગણતરીના નિયમો અનુસાર, જ્યારે કોઈ શહેરમાં 60 વર્ષથી વધુ ઉંમરની વસ્તી 30% ના આંકડાને વટાવી જાય છે, ત્યારે તેને સત્તાવાર રીતે ‘સુપર-એજ્ડ’ શહેર ગણવામાં આવે છે. બીજિંગ વર્ષ 2035 સુધીમાં આ શ્રેણીમાં સામેલ થઈ જશે, જ્યાં વૃદ્ધોની કુલ સંખ્યા 70 લાખની નજીક પહોંચી જવાનો અંદાજ છે.

2035 સુધીમાં ‘સુપર-એજ્ડ’ શહેર બનવાની શક્યતા
સરકારી અખબાર ‘બીજિંગ ડેઇલી’ના અહેવાલ મુજબ, બીજિંગ 2035 સુધીમાં અત્યંત વૃદ્ધ વસ્તી ધરાવતું શહેર બનવાની પૂરેપૂરી શક્યતા છે. એટલે કે આજથી બરાબર 9 વર્ષ પછી ચીનની રાજધાની બીજિંગની શેરીઓ, બજારો અને જાહેર સ્થળો પર ચારેય બાજુ વૃદ્ધ લોકો જ વધુ જોવા મળશે.
જન્મદર વધારવા માટે સરકારનુંંગી તોંગી બજેટ
રોઇટર્સના અંદાજ મુજબ, ચીનના નીતિ-નિર્માતાઓએ હવે વસ્તી નિયોજન અને વસ્તી વધારાને દેશની આર્થિક અને વ્યૂહાત્મક પ્રાથમિકતાઓમાં સૌથી ઉપર રાખી દીધું છે. અહેવાલનું માનીએ તો ઘટતા જન્મદરને ફરીથી વધારવા અને નવા યુગલોને બાળકો પેદા કરવા પ્રોત્સાહિત કરવા માટે આ વર્ષે ચીન સરકારને લગભગ 180 અબજ યુઆન (લગભગ 26.92 અબજ ડોલર) નો ભારે વિરાટ ખર્ચ કરવો પડી શકે છે.
બીજિંગમાં કૂદકે ને ભૂસકે વધી રહી છે વૃદ્ધોની સંખ્યા
અહેવાલ અનુસાર, ગત વર્ષના અંત સુધીમાં (2025 ના અંત સુધીમાં) બીજિંગમાં 60 વર્ષ અને તેથી વધુ ઉંમરના કાયમી નિવાસીઓની સંખ્યા 52.9 લાખ (5.29 મિલિયન) સુધી પહોંચી ગઈ હતી. આ આંકડો શહેરની કુલ વસ્તીના લગભગ 24.3 ટકા એટલે કે લગભગ ચોથો ભાગ છે. વૃદ્ધોની આ ઝડપથી વધતી સંખ્યા અને તેમની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બીજિંગ તંત્ર તેમની સામાજિક અને આર્થિક સુરક્ષા માટે ખાસ પગલાં ભરી રહ્યું છે.
ચીનની અર્થવ્યવસ્થા અને વર્કફોર્સ પર ગંભીર અસર
કામકાજી યુવાનોની વસ્તી ઘટવાથી ચીનની અર્થવ્યવસ્થા, પેન્શન બજેટ અને આરોગ્ય સેવાઓ પર ભારે દબાણ આવી રહ્યું છે. આ સંકટથી નિપટવા માટે બીજિંગ તંત્ર મૂળભૂત પેન્શનની રકમ વધારવા, વૃદ્ધો માટે ’15-મિનિટ કેર સર્વિસ નેટવર્ક’ અને જગ્યાએ જગ્યાએ ભોજન સહાયતા કેન્દ્રો (Meal Services) જેવી સુવિધાઓ તૈયાર કરી રહ્યું છે.
ચીનની કુલ વસ્તી વર્ષ 2022 થી સતત ઘટી રહી છે અને ઝડપથી વૃદ્ધ થઈ રહી છે. આનાથી સરકારની એ આર્થિક યોજનાઓ સામે મોટી મુશ્કેલીઓ ઊભી થઈ છે, જેનો હેતુ ઘરઆંગણે વપરાશ (Consumption) વધારવાનો અને દેવાને નિયંત્રિત કરવાનો છે. આવા સમયે જ્યારે પેન્શન બજેટ પહેલેથી જ ભારે તણાવમાં છે, ત્યારે કરોડો અનુભવી લોકો કાર્યબળ (વર્કફોર્સ) માંથી બહાર થવાના આરે છે.
વસ્તી વિષયક નિષ્ણાતો અને અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે આજે બાળકોની ઓછી સંખ્યાનો અર્થ ભવિષ્યમાં નાના પરિવારો અને સ્થાનિક વપરાશમાં ધીમી વૃદ્ધિ થશે, જે ચીનના આર્થિક પ્રભુત્વ માટે એક મોટો ઝટકો સાબિત થઈ શકે છે.

