શરીરમાં પોષક તત્વોની ઉણપ વગર વિટામિન લેવું કેટલું જોખમી છે? જાણો ડાયેટરી સપ્લિમેન્ટ્સ વિશેના સાચા નિયમો
આજકાલની ભાગદોડ ભરેલી જીવનશૈલી અને અનિયમિત ખાનપાનના કારણે સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે વિટામિન, મિનરલ્સ અને વિવિધ આહાર પૂરવણીઓ (Dietary Supplements) પર આધાર રાખનારા લોકોની સંખ્યામાં મોટો વધારો થયો છે. સામાન્ય રીતે લોકો એવું માનતા હોય છે કે વિટામિનની ગોળીઓ ખાવાથી શરીરને તાકાત મળે છે અને તે તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. પરંતુ, શું તમારું શરીર ખરેખર આ સપ્લિમેન્ટ્સની માંગ કરે છે કે નહીં તે જાણ્યા વગર તેનું સેવન કરવું તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાના બદલે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
યોગ્ય માત્રા પસંદ કરવાથી લઈને અન્ય દવાઓ સાથે તેની થતી પ્રતિક્રિયાઓ (Interactions) તપાસવા સુધીની બાબતોને નજરઅંદાજ ન કરવી જોઈએ. મુંબઈ સેન્ટ્રલ સ્થિત વોકહાર્ટ હોસ્પિટલના પ્રખ્યાત કન્સલ્ટન્ટ ઇન્ટરનલ મેડિસિન ડૉ. ઋતુજા ઉગલમુગલેએ કોઈપણ પ્રકારના ડાયેટરી સપ્લિમેન્ટ્સ લેવાનું શરૂ કરતા પહેલા અચૂક ધ્યાનમાં રાખવા જેવી ત્રણ અત્યંત મહત્વપૂર્ણ બાબતો વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું છે.
૧. માત્ર સાવચેતી નહીં, ઉણપ દૂર કરવાનો છે સપ્લિમેન્ટ્સનો સાચો હેતુ
ઘણા લોકો કોઈ પણ પ્રકારની બીમારી કે ઉણપ ન હોવા છતાં માત્ર હેલ્ધી રહેવા માટે વિટામિનની ગોળીઓ પોતાની મેળે જ ખાવા લાગે છે. પરંતુ નિષ્ણાતો સ્પષ્ટ કરે છે કે સપ્લીમેન્ટ્સ એ કોઈ સાવચેતી કે શોખના ભાગરૂપે લેવાની ચીજ નથી; તેનો મુખ્ય હેતુ શરીરમાં રહેલા પોષક તત્વોની ચોક્કસ ઉણપને દૂર કરવાનો છે. કોઈ પણ વ્યક્તિના શરીરમાં પૂરક ખોરાકની વાસ્તવિક જરૂરિયાત તેના આહાર, દૈનિક જીવનશૈલી, ઉંમર અને વર્તમાન સ્વાસ્થ્યની સ્થિતિ પર આધાર રાખે છે.
ડૉ. ઋતુજા સમજાવતા જણાવે છે કે જે લોકો કોઈ ખાસ પ્રકારના ડાયટનું પાલન કરે છે, આંતરડા દ્વારા પોષક તત્વો શોષવામાં મુશ્કેલી અનુભવે છે, અથવા મેડિકલ ટેસ્ટમાં પોષણની ઉણપ હોવાનું નિદાન થયું છે, માત્ર તેવા કિસ્સાઓમાં જ સપ્લિમેન્ટ્સની જરૂર પડતી હોય છે. સોશિયલ મીડિયા પર આવતી આકર્ષક જાહેરાતો કે મિત્રો-સગા સંબંધીઓની સલાહ પર આંખ બંધ કરીને સપ્લિમેન્ટ્સ ખરીદી લેવા યોગ્ય નથી. બિનજરૂરી રીતે વિટામિન લેવાથી શરીરમાં પોષક તત્વોનો ઓવરલોડ થઈ શકે છે અને ગંભીર આડઅસરો પેદા થઈ શકે છે. સૌથી શ્રેષ્ઠ રસ્તો એ છે કે ડૉક્ટરની સલાહ મુજબ વિટામિન B12, વિટામિન D કે આયર્ન જેવા ટેસ્ટ કરાવીને જ આગળ વધવું જોઈએ.
૨. ચોક્કસ માત્રા (Dosage) અને શારીરિક સલામતી
કોઈપણ પ્રકારનું સપ્લિમેન્ટ લેતી વખતે તેની યોગ્ય માત્રાનું ધ્યાન રાખવું અનિવાર્ય છે. ડૉક્ટર દ્વારા સૂચવવામાં આવેલી મર્યાદિત માત્રામાં જ તેનું સેવન કરવું જોઈએ. વિટામિન અને ખનિજો શરીર માટે ભલે આવશ્યક હોય, પરંતુ તેનું વધુ પડતું સેવન શરીર પર વિપરીત અસર કરે છે.
ખાસ કરીને ‘ફેટ-સોલ્યુબલ વિટામિન્સ’ એટલે કે ચરબીમાં દ્રાવ્ય વિટામિન A, D, E અને K શરીરમાંથી સરળતાથી બહાર નીકળતા નથી, પરંતુ તે શરીરની ચરબી અને પેશીઓમાં એકઠા થતા રહે છે. જો લાંબા સમય સુધી આ વિટામિન્સ વધુ માત્રામાં લેવામાં આવે તો તે શરીરમાં ઝેરી (Toxic) સ્વરૂપ ધારણ કરી શકે છે, જે યકૃત (Liver) અને કિડનીને નુકસાન પહોંચાડી શકે છે.
૩. ઘટકોની તપાસ અને ચાલતી દવાઓ સાથેની ક્રિયાપ્રતિક્રિયાઓ
કોઈપણ સપ્લિમેન્ટ ખરીદતા પહેલા તેના પેકેટ પર આપેલી લેબલ વિગતો કાળજીપૂર્વક વાંચવી ખૂબ જ જરૂરી છે. ઉત્પાદનમાં સામેલ દરેક ઘટકની માત્રા, દૈનિક મર્યાદા અને સર્વિંગ સાઈઝ ચોક્કસ ચકાસો. ઘણીવાર લોકો એકસાથે બે-ત્રણ અલગ સપ્લિમેન્ટ્સ લેતા હોય છે, જેના કારણે એક જ પ્રકારનું વિટામિન કે મિનરલ શરીરમાં બહુમાત્રામાં પહોંચી જાય છે.
ડૉ. ઋતુજા ખાસ ચેતવણી આપે છે કે પૂરક પદાર્થોમાં રહેલા હર્બલ અર્ક અને અન્ય સંયોજનો પ્રત્યે સાવચેત રહેવું પડે છે. માત્ર એટલા માટે કે તેના પર ‘નેચરલ’ કે કુદરતી ઘટકોમાંથી બનેલું લખેલું છે, તેનો અર્થ એ નથી કે તે દરેક માટે સંપૂર્ણપણે સુરક્ષિત છે. જે લોકો પહેલેથી જ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર (હાઈપરટેન્શન), હૃદય રોગ કે લોહી પાતળું કરવાની દવાઓ (Blood Thinners) લઈ રહ્યા છે, તેમણે વિશેષ કાળજી રાખવી પડે છે કારણ કે કેટલાક સપ્લિમેન્ટ્સ આ નિયમિત દવાઓની કાર્યપ્રદ્ધતિમાં ગંભીર દખલ કરી શકે છે. આથી, તમે જે પણ દવાઓ અથવા સપ્લિમેન્ટ્સ લઈ રહ્યા છો તેની સંપૂર્ણ માહિતી તમારા ફેમિલી ડૉક્ટર સાથે પારદર્શક રીતે શેર કરવી હંમેશા હિતાવહ છે.
