શિયાળામાં સ્વાસ્થ્ય બગાડી શકે છે તમારી આ 7 સામાન્ય ભૂલો, શરદી-ખાંસીથી બચવા આજે જ બદલો આદતો
શિયાળાની ઋતુ શરૂ થતાં જ વાતાવરણમાં ઠંડક વધવા લાગે છે. તેની સાથે જ શરદી, ખાંસી, ગળામાં દુખાવો અને શ્વાસ સંબંધિત સમસ્યાઓ પણ જોવા મળે છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને પહેલેથી જ શ્વાસની બીમારી ધરાવતા લોકોએ આ ઋતુમાં વધારે સાવચેતી રાખવાની જરૂર છે. ઘણી વખત આપણે જાણતાં-અજાણતાં રોજિંદા જીવનમાં એવી ભૂલો કરીએ છીએ, જે આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બની શકે છે.
નિષ્ણાતોના મતે, ઠંડી પોતે વાયરલ ચેપનું સીધું કારણ નથી, પરંતુ ઠંડા વાતાવરણમાં લોકો લાંબા સમય સુધી ઘરની અંદર રહે છે અને હવાની અવરજવર ઓછી થાય છે. આવી સ્થિતિમાં વાયરસ ફેલાવાની શક્યતા વધી શકે છે. તો ચાલો જાણીએ શિયાળામાં કઈ સાત આદતોથી બચવું જોઈએ.
1. ઠંડી પ્રમાણે કપડાં ન પહેરવા
શિયાળામાં યોગ્ય ગરમ કપડાં પહેરવા ખૂબ જરૂરી છે. ખાસ કરીને વહેલી સવારે અને રાત્રે બહાર નીકળતી વખતે શરીરને ઠંડીથી બચાવવું જોઈએ. એક જ જાડા કપડાંને બદલે કપડાંનાં બે-ત્રણ સ્તર પહેરવાથી શરીરને ગરમ રાખવામાં મદદ મળે છે.

2. પૂરતું પાણી ન પીવું
ઉનાળાની સરખામણીમાં શિયાળામાં તરસ ઓછી લાગે છે. તેના કારણે ઘણા લોકો પાણી પીવાનું ઓછું કરી દે છે. જોકે શરીરને દરેક ઋતુમાં પૂરતા પ્રમાણમાં પાણીની જરૂર હોય છે. પાણીની કમીથી ગળા અને નાકની અંદરની સપાટી સૂકી થઈ શકે છે. તેથી દિવસ દરમિયાન નિયમિત પાણી અને અન્ય યોગ્ય પ્રવાહી પીતા રહેવું જોઈએ.
3. હાથની સ્વચ્છતાને અવગણવી
બહારથી ઘરે આવ્યા પછી હાથ ધોવાની આદત ખૂબ જરૂરી છે. ખાસ કરીને ભીડવાળી જગ્યાએથી આવ્યા બાદ સાબુથી હાથ સારી રીતે ધોવા જોઈએ. ગંદા હાથથી વારંવાર આંખ, નાક અને મોંને સ્પર્શ કરવાથી ચેપ ફેલાવાનું જોખમ વધી શકે છે.
4. ઘરની બારીઓ હંમેશાં બંધ રાખવી
ઠંડીથી બચવા માટે લોકો ઘરની બારીઓ અને દરવાજા આખો દિવસ બંધ રાખે છે. પરંતુ રૂમમાં તાજી હવાની અવરજવર પણ એટલી જ જરૂરી છે. શક્ય હોય ત્યારે બારીઓ ખોલીને હવા પસાર થવા દેવી જોઈએ, જેથી બંધ જગ્યામાં વાયરસ ફેલાવાની શક્યતા ઘટે.
5. બીમારીનાં શરૂઆતનાં લક્ષણોને અવગણવા
સતત છીંક આવવી, ગળામાં દુખાવો, ખાંસી કે તાવને સામાન્ય માનીને અવગણવા જોઈએ નહીં. જો લક્ષણો લાંબા સમય સુધી રહે અથવા વધુ ગંભીર બને તો ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.
6. ઊંઘ અને યોગ્ય આહારનો અભાવ
શરીરની રોગપ્રતિકારક શક્તિ જાળવવા માટે પૂરતી ઊંઘ અને પૌષ્ટિક આહાર જરૂરી છે. શિયાળામાં લીલાં શાકભાજી, તાજાં ફળો, દાળ અને પૌષ્ટિક ખોરાકનો સમાવેશ કરવો જોઈએ. ઊંઘની અછત શરીરની રોગપ્રતિકારક શક્તિને અસર કરી શકે છે.

7. ડૉક્ટરની સલાહ વગર દવાઓ લેવી
શરદી કે ખાંસી થતાં જ પોતાની રીતે એન્ટિબાયોટિક દવાઓ લેવાની આદત નુકસાનકારક બની શકે છે. સામાન્ય શરદી મોટાભાગે વાયરસના કારણે થાય છે અને એન્ટિબાયોટિક વાયરસ સામે અસરકારક નથી. તેથી ડૉક્ટરની સલાહ વગર આવી દવાઓ લેવી નહીં.
આ લોકોએ ખાસ સાવચેતી રાખવી
અસ્થમા, હૃદયરોગ, ફેફસાંની બીમારી અથવા નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોએ શિયાળામાં ખાસ ધ્યાન રાખવું જોઈએ. ડૉક્ટરની સલાહ મુજબ જરૂરી રસીકરણ પણ કરાવવું જોઈએ. જો શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો અથવા સતત ઊંચો તાવ આવે તો તાત્કાલિક તબીબી સારવાર લેવી જરૂરી છે.
