સેન્ડપેપર વિવાદ પર ઉસ્માન ખ્વાજાના દાવાને ડેવિડ વોર્નરનું સમર્થન, કહ્યું- આખરે સત્ય બહાર આવશે!

5 Min Read

 ડેવિડ વોર્નરે 8 વર્ષ બાદ તોડ્યું મૌન, ખ્વાજાના સેન્ડપેપરગેટના દાવાઓને આપ્યું સમર્થન

ઓસ્ટ્રેલિયન ક્રિકેટના ઇતિહાસના સૌથી વિવાદાસ્પદ પ્રકરણોમાંના એક એવા ‘સેન્ડપેપરગેટ’ કૌભાંડની ચર્ચા ફરી એકવાર શરૂ થઈ છે. વર્ષ 2018માં દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ મેચ દરમિયાન થયેલા બોલ ટેમ્પરિંગ વિવાદમાં માત્ર ત્રણ ખેલાડીઓ સામેલ હોવાની વાત વર્ષોથી સામે આવતી રહી હતી. જોકે, ઓસ્ટ્રેલિયાના બેટર ઉસ્માન ખ્વાજાએ પોતાના નવા પુસ્તકમાં દાવો કર્યો છે કે આ ઘટનામાં આખી ટીમની ભૂમિકા હતી. હવે આઠ વર્ષ સુધી આ મુદ્દે જાહેરમાં મૌન રહેલા ડેવિડ વોર્નરે ખ્વાજાના દાવાઓને ‘100 ટકા સાચા’ ગણાવીને સમર્થન આપ્યું છે. વોર્નરના આ નિવેદનથી જૂના વિવાદે ફરી વેગ પકડ્યો છે અને તે સમયની તપાસ પ્રક્રિયા સામે પણ સવાલો ઊભા થયા છે.

વર્ષ 2018માં સામે આવેલા આ કૌભાંડને કારણે ઓસ્ટ્રેલિયન ક્રિકેટની છબી પર ગંભીર અસર પડી હતી. તે સમયે વોર્નર, સ્ટીવ સ્મિથ અને કેમેરોન બેનક્રોફ્ટને આ ઘટનામાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. અત્યાર સુધી સામાન્ય રીતે એવું માનવામાં આવતું હતું કે બોલ સાથે ચેડાં કરવાની ઘટનામાં આ ત્રણ ખેલાડીઓ જ સંડોવાયેલા હતા. પરંતુ ખ્વાજાના પુસ્તક ‘સબ્ર’માં કરવામાં આવેલા દાવાઓએ આ માન્યતા સામે પ્રશ્નો ઊભા કર્યા છે.

- Advertisement -

divid0.jpg

વોર્નરે ખ્વાજાના દાવાઓને ગણાવ્યા 100 ટકા સાચા

ડેવિડ વોર્નરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો દ્વારા આ મુદ્દે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે આ વિષય પર વાત કરતાં તેમને આઠ વર્ષ થઈ ગયાં છે અને હવે ખ્વાજાએ જે વાતો જાહેર કરી છે, તેને તેઓ સંપૂર્ણ સમર્થન આપે છે. વોર્નરના મતે, ખ્વાજાએ જે કહ્યું છે તે સત્ય છે અને લોકો લાંબા સમયથી આ સત્ય જાણવા માગતા હતા.

- Advertisement -

વોર્નરે કહ્યું હતું કે ખ્વાજાએ તે સમયની ઘટનાઓની નાની-નાની વિગતો નોંધી રાખી હતી. તેમણે તપાસ પ્રક્રિયા પર પણ સવાલ ઉઠાવ્યા હતા. વોર્નરના જણાવ્યા અનુસાર, તે સમયે સમગ્ર પૂછપરછ ઉતાવળમાં અને ખામીઓ સાથે કરવામાં આવી હતી. તેમણે ખાસ કરીને એ મુદ્દો ઉઠાવ્યો કે કેમેરોન બેનક્રોફ્ટની બાજુમાં બેઠેલા ખ્વાજાની પૂછપરછ જ કરવામાં આવી નહોતી. આવી સ્થિતિમાં તપાસને સંપૂર્ણ કેવી રીતે કહી શકાય, એવો સવાલ પણ તેમણે કર્યો હતો.

વોર્નરે સ્પષ્ટ કર્યું કે તેમનો હેતુ કોઈ વ્યક્તિ પર આંગળી ચીંધવાનો કે જૂના ઘા ફરી તાજા કરવાનો નથી. તેમના મતે, આ મુદ્દો જવાબદારી અને પારદર્શિતાનો છે. જે બન્યું તેની યોગ્ય તપાસ થવી જોઈએ અને હકીકતો સ્પષ્ટ થવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે હવે વ્યક્તિગત સ્તરે તપાસ કરવાને બદલે ખરેખર જવાબદાર લોકો પાસેથી સવાલો પૂછવાનો સમય આવી ગયો છે.

આઠ વર્ષ જૂનો વિવાદ ફરી ચર્ચામાં

સેન્ડપેપરગેટ કૌભાંડ સામે આવ્યા બાદ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે વોર્નર અને તે સમયના કેપ્ટન સ્ટીવ સ્મિથ પર 12 મહિનાનો પ્રતિબંધ મૂક્યો હતો. જ્યારે કેમેરોન બેનક્રોફ્ટને 10 મહિના માટે ક્રિકેટથી દૂર રહેવું પડ્યું હતું. આ ઘટના ત્રણેય ખેલાડીઓની કારકિર્દી અને અંગત જીવનનો અત્યંત મુશ્કેલ સમય બની હતી.તે સમયે ટીમના કોચ રહેલા ડેરેન લેહમેને ખ્વાજાના તાજેતરના દાવાઓને નકારી કાઢ્યા છે. જોકે, વોર્નરે હવે ખ્વાજાને સમર્થન આપતાં આ સમગ્ર પ્રકરણ ફરી ચર્ચાના કેન્દ્રમાં આવી ગયું છે. વોર્નરે પોતાના નિવેદનમાં તપાસની વિશ્વસનીયતા અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા છે, જેના કારણે આઠ વર્ષ જૂની ઘટનાને લઈને નવી ચર્ચા શરૂ થઈ છે.

- Advertisement -

divid.jpg

દીકરીઓ સાથેની વાતચીત બાદ વોર્નરે તોડ્યું મૌન

વોર્નરે જણાવ્યું હતું કે આટલા વર્ષો સુધી તેઓ આ મુદ્દે જાહેરમાં બોલ્યા નહોતા. છેલ્લા આઠ વર્ષ દરમિયાન મીડિયામાં અનેક નિવેદનો અને અચોક્કસ વાતો સામે આવી હતી, જ્યારે ઘણા લોકો ચૂપ રહ્યા હતા. જોકે, તાજેતરમાં પોતાની દીકરીઓ સાથે થયેલી વાતચીતે તેમને આ મુદ્દે બોલવાની હિંમત આપી હતી.

વોર્નરે કહ્યું કે તેમણે પોતાની દીકરીઓને સમજાવવું પડ્યું કે તે સમયે શું બન્યું હતું, કેમેરા શા માટે હાજર હતા અને ખેલાડીઓ શા માટે રડી રહ્યા હતા. ખાસ કરીને નાની દીકરીને આ ઘટના સમજાવવી તેમના માટે મુશ્કેલ હતી. તેમણે દીકરીઓને એક મહત્વપૂર્ણ વાત કહી હતી કે હંમેશાં સાચું બોલવું જોઈએ, કારણ કે જૂઠાણું આખરે બહાર આવી જ જાય છે.વોર્નરે ઉમેર્યું કે આ સમય તેમના પરિવાર માટે ખૂબ જ મુશ્કેલ રહ્યો હતો. સ્ટીવ સ્મિથ અને કેમેરોન બેનક્રોફ્ટ માટે પણ આ અનુભવ પીડાદાયક રહ્યો હતો. તેમણે ખ્વાજાના દાવાઓને ફરી એકવાર સંપૂર્ણ સચોટ ગણાવ્યા હતા.

Share This Article