MCX પર ચાંદીના વાયદાના ભાવ ઘટીને ૧,૭૧,૦૮૯ રૂપિયા પર પહોંચ્યા
કિંમતી ધાતુઓના બજારમાંથી સોના પછી હવે ચાંદીના ગ્રાહકો અને રોકાણકારો માટે પણ મોટા સમાચાર સામે આવ્યા છે. સોમવાર, તારીખ ૧૬ નવેમ્બર ૨૦૨૬ ના રોજ બજાર ખૂલતાની સાથે જ ચાંદીના ભાવમાં ફરી એક નોંધપાત્ર અને મોટો ઘટાડો જોવા મળ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ચાંદીના વાયદાના ભાવ શરૂઆતી કારોબારમાં ૨.૯૬ ટકા એટલે કે પૂરા ૫,૨૨૦ રૂપિયા ઘટીને ૧,૭૧,૦૮૯ રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે આવી ગયા છે. અગાઉના કારોબારી સત્રમાં ચાંદી ૧,૭૬,૩૦૯ રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી.
બુલિયન એક્સપર્ટ્સના મતે, હાજર બજારમાં ચાંદીનો ભાવ ઘટીને ૧,૭૧,૮૨૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામ આસપાસ પહોંચ્યો છે, જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી ૪૭.૫૮ ડૉલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી છે. દિલ્હીના મુખ્ય બુલિયન બજારમાં તમામ કર સહિત ચાંદીનો ભાવ ઘટીને ૧,૮૪,૦૦૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયો છે. જ્યારે ગુડ રિટર્ન્સના આંકડા મુજબ દેશના મોટાભાગના શહેરોમાં ચાંદીનો છૂટક ભાવ આશરે ૧,૯૦,૦૦૦ રૂપિયા પ્રતિ કિલો ચાલી રહ્યો છે.
દેશના પ્રમુખ શહેરોમાં ચાંદીના તાજા ભાવ
સ્થાનિક પરિવહન ખર્ચ, કરવેરા અને જ્વેલરી એસોસિએશનના દરો મુજબ દેશના તમામ પ્રમુખ શહેરોમાં ચાંદીના ભાવ સમાન સ્તરે જોવા મળી રહ્યા છે. દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, પટના, લખનૌ, કાનપુર, અમદાવાદ, વડોદરા, પુણે, જયપુર, બેંગલુરુ અને હૈદરાબાદ સહિત દેશના તમામ નાના-મોટા શહેરોમાં ૧ કિલોગ્રામ ચાંદીનો છૂટક ભાવ ₹૧,૯૦,૦૦૦ પ્રતિ કિલો આસપાસ બોલાઈ રહ્યો છે. તહેવારોની મોસમ પૂરી થયા બાદ બજારમાં માંગ થોડી ધીમી પડતા ગ્રાહકો માટે આ કિંમતો રાહતરૂપ સાબિત થઈ રહી છે.
પાછલા સત્રમાં ચાંદીની ચાલ અને વાયદા બજારના આંકડા
ગત શુક્રવારે દિલ્હીના બુલિયન બજારમાં પણ ચાંદીના ભાવમાં ૩,૫00 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો અને તે ૧,૮૪,૦૦૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ રહી હતી, જે અગાઉ ૧,૮૭,૫૦0 રૂપિયા હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર ચાંદીનો ભાવ ઔંસ દીઠ ૫૦.૦૪ ડૉલરની આસપાસ સ્થિર રહ્યો હતો.
સ્થાનિક વાયદા બજાર (MCX) પર ગત શુક્રવારે ડિસેમ્બર ડિલિવરીનો કોન્ટ્રાક્ટ ૭૨૨ રૂપિયા (૦.૪૦%) ઘટીને ૧,૭૮,૦૦૨ રૂપિયા પ્રતિ કિલો થયો હતો, જ્યારે ન્યૂયોર્કના આંતરરાષ્ટ્રીય કોમેક્સ એક્સચેન્જ પર ચાંદી ૦.૨૭ ટકા ઘટીને ૪૯.૯૩ ડૉલર પ્રતિ ઔંસ પર બંધ થઈ હતી. બજારના નિષ્ણાતો માને છે કે વૈશ્વિક બજારોમાંથી મળતા નબળા સંકેતો અને ટ્રેડર્સ દ્વારા પોતાના સોદાનું કદ ઘટાડવાને કારણે વાયદા બજારમાં આ ઘટાડો જોવા મળ્યો છે.
નિષ્ણાતોનું શું કહેવું છે? ભાવ ઘટાડા પાછળના મુખ્ય કારણો
સમાચાર એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા ‘જીઓટસ.કોમ’ (Geojit.com) ના સીઈઓ વિક્રમ સુબ્બુરાજે જણાવ્યું હતું કે યુએસ ટ્રેઝરી બોન્ડ્સ પર સતત વધતી જતી ઉપજ (Yield) અને ડોલર ઇન્ડેક્સના મજબૂત થવાને કારણે ચાંદીના ભાવ પર ભારે દબાણ સર્જાયું છે. આ બંને મુખ્ય પરિબળોએ કિંમતી ધાતુઓમાં રોકાણ કરવાની આકર્ષણને થોડું નબળું પાડ્યું છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સોનાની સરખામણીએ ચાંદીના ભાવમાં જોવા મળતી વધુ અસ્થિરતા એ વાત સ્પષ્ટ કરે છે કે આ ધાતુ માત્ર રોકાણ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે વ્યાપક ઔદ્યોગિક માંગ (Industrial Demand) અને રોકાણકારોની જોખમ લેવાની ક્ષમતાથી સીધી પ્રભાવિત થાય છે. ચાંદીનો ઉપયોગ વિવિધ ઇલેક્ટ્રોનિક્સ, સોલાર પાવર અને અન્ય ઔદ્યોગિક ક્ષેત્રોમાં મોટા પાયે થતો હોવાથી વૈશ્વિક આર્થિક સંકેતો તેની કિંમતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આગામી સમયમાં ચાંદીની ગતિ મુખ્યત્વે ડૉલરની મજબૂતાઈ, બોન્ડ યીલ્ડ અને વૈશ્વિક ઔદ્યોગિક માંગ પર જ નિર્ભર રહેશે.
